યુક્રેન અને રશિયા વચ્ચેના ભીષણ જંગમાં‘ ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને સહીસલામત સ્વદેશ પરત લાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે હાથ ધરેલું ઈવેક્યુએશન અભિયાન-ઓપરેશન ગંગા રંગ લાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ ભારતના અત્યાર સુધી 17,000 નાગરિકોને સ્વદેશ લાવી દેવાયા છે અને યુક્રેનમાં રઝળતા થઈ ગયેલા નાગરિકોને પડોશી દેશોમાં સલામતી કવચ હેઠળ લાવવાની કામગીરી પણ લગભગ પૂર્ણ થઈ છે. ભારતના વિદેશ મંત્રાલયની સત્તાવાર માહિતી અનુસાર આશરે 20,000 ભારતીય નાગરિકો યુક્રેનમાં ફસાયેલા હતા. 4,000 નાગરિકો તો યુદ્ધના આરંભ પહેલા જ ભારત પરત આવી શક્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ઓપરેશન ગંગાનું વડપણ સંભાળ્યું હતું અને સરકારના ચાર મિનિસ્ટર- હરદીપ પૂરી, કિરણ રિજિજુ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને નિવૃત્ત જનરલ વી.કે. સિંહને સ્થળાંતરની પ્રક્રિયાનું સંકલન અને દેખરેખ રાખવા ભારત સરકારના વિશેષ પ્રતિનિધિ તરીકે પોલેન્ડ અને રોમાનિયા મોકલવામાં આવ્યા હતા.
વડા પ્રધાન મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન અને યુક્રેનના પ્રમુખ વોલોડિમીર ઝેલેન્સ્કી સાથે મંત્રણાઓ કરી ભારતીય નાગરિકો માટે સેફ પેસેજ ઉભો કરવા સમજાવટ આદરી હતી જેના પરિણામે ભારતીયોને કીવ, ખાર્કીવ અને સુમી જેવા ભીષણ જંગના સ્થળોએથી સલામત લાવવામાં મદદ મળી હતી. રશિયન પ્રમુખે તો ભારતીય નાગરિકો માટે રશિયન સરહદ ખોલવાની તૈયારી પણ દર્શાવી હતી. અગાઉ, ભારતીય ત્રિરંગા ધ્વજ સાથેના વાહનોને સલામતપણે જવાની પરવાનગી અપાઈ હતી જેનો લાભ પાકિસ્તાની નાગરિકોએ પણ લીધો હતો. વડા પ્રધાન મોદીએ ભીષણ યુદ્ધમાં સંકળાયેલા બંને દેશોના પ્રમુખને યુદ્ધનો માર્ગ છોડી શાંતિમય રીતે પ્રશ્નોનું નિરાકરણ લાવવા સલાહ આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારત હંમેશાં બે પક્ષો વચ્ચે પ્રત્યક્ષ મંત્રણાના માર્ગની તરફેણ કરે છે.
યુક્રેન અને રશિયા વચ્ચે તંગદીલી સર્જાયા પછી યુક્રેનના મોટા ભાગના શહેરો ઘેરાબંધીમાં આવી ગયા હતા. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી પોતાના નાગરિકોને પરત લાવવા દૂર અને નજીકના દેશોએ પ્રયાસો આરંભી દીધા હતા તેમાં ભારતનું અભિયાન સૌથી વ્યાપક બની રહ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે 8 માર્ચ સુધીમાં ભારત દ્વારા કુલ 46 ઈવેક્યુએશન ફ્લાઈટ્સ હાથ ધરાઈ હતી જેમાં યુક્રેનના પડોશી દેશોમાં રોમાનિયાના બુખારેસ્ટથી 29, હંગેરીના બુડાપેસ્ટથી 10, દક્ષિણ પોલેન્ડના રસેસ્ઝોથી 6 અને સ્લોવેકિયાના કોસાઈસ શહેરથી 1 ફ્લાઈટનો સમાવેશ થાય છે. ભારતીય વાયુ દળ અને એર ઈન્ડિયા ઉપરાંત, સ્પાઈસજેટ, ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જેવી અન્ય એરલાઈન્સ પણ નાગરિકોને સ્વદેશ લાવવાના ભગીરથ કાર્યમાં જોડાઈ હતી.
ભારત માટે આ પ્રકારના સ્થળાંતર અભિયાનો નવા નથી. છેક જુલાઈ 2006માં ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ઓપરેશન સુકુન, 2011માં નોર્થ આફ્રિકાના લિબિયામાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યા પછી ઓપરેશન સેફ હોમ કમિંગ, નેપાળના ધરતીકંપ પછી ભારત સરકાર અને લસ્કરી દળોના સહયોગથી 2015નું સંયુક્ત રાહત અને બચાવ અભિયાન ઓપરેશન મૈત્રી, યેમેનમાં 2015માં સરકાર અને વિદ્રોહીઓ વચ્ચેના સંઘર્ષ પછી સેંકડો ભારતીયો રઝળતા થઈ ગયા હતા તેમને સ્વદેશ પરત લાવવા ઓપરેશન રાહત લોન્ચ કરાયું હતું.
તાજેતરમાં જ ભારતે 2021માં ઓપરેશન દેવી શક્તિના નામ હેઠળ ભારતીય લશ્કરી દળોની સહાયથી સેંકડો ભારતીયોને અફઘાનિસ્તાનમાંથી બહાર લાવવાની કામગીરી પરિપૂર્ણ કરી હતી. વિશ્વમાં કોરોના મહામારી ત્રાટક્યા પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ થઈ જતાં ભારત સરકારે 2020ની 7 મેએ ઓપરેશન વંદે ભારત લોન્ચ કર્યું હતું જે હેઠળ અનેક દેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા હતા. આ પછી, 2021માં ઓપરેશન સમુદ્ર સેતુ પણ આ જ હેતુસર હાથ ધરાયું હતું.
ભારત સરકાર પોતાના રઝળી પડેલા નાગરિકોને સ્વદેશ લાવવાની ફરજ અદા કરવામાં જરા પણ ઉણી ઉતરી નથી પરંતુ, કેટલાક વાંકદેખા તત્વોને સરકારનો ગુણ દેખાતો નથી. આ નાગરિકોએ એટલું જ સમજવાની આવશ્યકતા છે કે વિશ્વના અન્ય કોઈ દેશે આટલા મોટા પાયા પર ઈવેક્યુએશન અભિયાનો કર્યા નથી. અમેરિકા કે યુકે જેવા દેશોએ માત્ર એડવાઈઝરી જાહેર કરી હતી. ભારતે પણ એડવાઈઝરી જાહેર કરી હતી પરંતુ, મોટા ભાગના વિદ્યાર્થીઓ અને નાગરિકોએ તેને ગંભીરતાથી લીધી ન હતી અને તેનું પરિણામ ભોગવ્યું પણ છે.
