સંક્ષિપ્ત સમાચાર

Tuesday 08th March 2022 15:11 EST
 

• 2014 સુધી દિલ્હીમાં જ મેટ્રો હતી, હવે અનેક શહેરોને લાભઃ મોદીઃ પીએમ મોદીએ રવિવારે પૂણેમાં રૂ. 11,400 કરોડના પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પૂણેમાં 32.2 કિ.મી લાંબી મેટ્રો રેલ પ્રોજેક્ટ પૈકી 12 કિ.મી.નાં પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરતાં તેમણે ફક્ત દિલ્હી-એનસીઆરમાં જ મેટ્રો ટ્રેનની સુવિધા હતી. હાલ દેશના 24થી વધુ શહેરોમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ કાર્યરત થયા છે. લાખો નાગરિકોને તેના લાભ મળશે. મોદીએ મેટ્રોની ટિકિટ ખરીદીને સ્કૂલના બાળકો સાથે સવારી કરી હતી.
• નવાબ મલિક ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં, ઈડીએ ૨૩ ફેબ્રુઆરીએ કરી હતી ધરપકડઃ મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને એનસીપી નેતા નવાબમલિકને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મની લોન્ડરિંગ અને અંધારી આલમ સાથે સંપર્ક ધરાવવાના કેસમાં મુંબઈની વિશેષ અદાલતે તેમની સામે આ કાર્યવાહી ફરમાવી હતી. આ પહેલાં નવાબ મલિકને ઈડીએ સાત માર્ચ સુધી પોતાની કસ્ટડીમાં રાખ્યા હતા. ઇડીએ ૨૩ ફેબ્રુઆરીના રોજ મલિકની ધરપકડ કરી હતી.
• શ્રીનગરના લાલ ચોક પર ગ્રેનેડ હુમલોઃ એકનું મોત, 25 ઘાયલઃ જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકીઓ સક્રિય થઇ ગયા છે. શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોકમાં આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ભિષણ હતો કે જેને કારણે 25 લોકો ઘાયલ થયા હતા. જ્યારે એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
• મુસ્લિમ મહિલા લગ્નની લઘુત્તમ ઉંમર વધારવા માટે અભિયાન શરૂ કરશેઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંલગ્ન મુસ્લિમ રાષ્ટ્રીય એતા મંચ હવે મુસ્લિમ મહિલની વિવાહની લઘુતમ ઉંમર વધારવા માટે પર્સનલ લોમાં સંશોધન કરવા માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ કરી શે, જેથી આ મુદ્દાને જનઆંદોલન બનાવી શકાય. આરએસએસ સાથે સંલગ્ન મુસ્લિમ રાષ્ટ્રીય એકતા મંચના એક વિશ્વસનીય સૂત્રે કહ્યું કે, આ અભીયાન હેઠળ મસ્જિદોમાં મહિલાઓ માટે નમાજ અદા કરવા માટે અલગથી સ્થાન બનાવવાની માંગ કરવા લઈને જનસમર્થન મેળવવાના પ્રયાસ કરાશે.
• 42 ટકા લોકો પીએમ મોદીને આંતરિક અને બાહ્ય સલામતી માટે બેસ્ટ માને છેઃ ઈન્ડિયા કન્ઝુમર સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ (CSI)એ જાહેર કરેલા મન્થલી એનાલિસિસ રિપોર્ટના આંકડા મુજબ દેશના 42 ટકા નાગરિકો માને છે કે દેશની આંતરિક અને બાહ્ય સલામતી જાળવવા માટે દેશના હાલના નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રેષ્ઠ વ્યક્તિ છે. 50 ટકા નાગરિકો માને છે કે હાલ ચાલી રહેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની 2024ની લોકસભા ચૂંટણી પર જબરજસ્ત અસર પડશે.
85 ટકા નાગરિકો માને છે કે અત્યારે ઝડપભેર વિકસી રહેલા સ્ટાર્ટઅપ્સ આગામી 10 વર્ષમાં ભારતની કરોડરજ્જુ બનશે.
• કંદહાર વિમાન અપહરણકાર ઝહુર મિસ્ત્રીની કરાચીમાં હત્યાઃ 1999માં ભારતીય વિમાન IC-814નું અપહરણ કરવામાં સામેલ ઝહુર મિસ્ત્રી ઉર્ફે ઝાહીદ અખુંદની પહેલી માર્ચે પાકિસ્તાનના કરાચીમાં હત્યા થઇ ગઇ છે. ઝહૂર મિસ્ત્રી ડિસેમ્બર 1999માં કંદહાર વિમાન અપહરણમાં પાંચ અપહરણકર્તાઓમાંનો એક હતો. મીડિયા અહેવાલો અનુસાર મિસ્ત્રી ઘણા વર્ષોથી ખોટા નામ સાથે અસલ ઓળખાણ છુપાવીને રહેતો હતો. તે કરાચીની અખ્તર કોલોનીમાં ફર્નિચર બનાવવાનું કામ કરતો હતો. અહેવાલો અનુસાર તેની અંતિમયાત્રામાં ઘણા અંતિમવાદીઓએ ભાગ લીધો હતો. એક પાકિસ્તાની ન્યૂઝ નેટવર્કે જણાવ્યું હતું કે તેની પાસે મિસ્ત્રીની હત્યાની પુષ્ટી છે પરંતુ અગમ્ય કારણોસર સત્તાવાળા દ્વારા આ બાબતે રિપોર્ટ નહી કરવા જણાવી રહ્યા છે. નોંધનીય છે કે ઈન્ડિયન એરલાઇન્સના વિમાન IC-814ને 24 ડિસેમ્બર 1999ના રોજ નેપાળની રાજધાની કાઠમંડુથી અપહરણકર્તાઓએ હાઇજેક કરી લીધું હતું.
• કોરોના મહામારીને કારણે હતાશા અને ચિંતામાં વધારો થશેઃ ‘હૂ’ની ચેતવણીઃ દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 440,135,669ને પાર કરી ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક 59,72,440 થયો છે. તેની સામે દુનિયામાં કોરોના રસીના કુલ 10,554,055,080 ડોઝ આપવામાં આવ્યા હોવાનું જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે જણાવ્યું હતું. કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે. યુએસમાં કોરોનાના સૌથી વધારે 79,143,710 કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક 9,54,518 નોંધાયો છે. દરમ્યાન રશિયામા કોરોનાના નવા 1,55,768 કેસો અને 667 મરણ નોંધાયા હતા.
• ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અમારો અભિન્ન અંગ - ભારતઃ પાકિસ્તાનના સાંસદોએ ગિલગિટ બાલ્ટિસ્તાનને પ્રાંતનો દરજ્જો આપવાની માગણી કરી હતી. આ માટે એક બિલને પાકિસ્તાનની સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું. જે વિસ્તારને પ્રાંતના દરજ્જાની માગ કરાઇ છે તે ભારતનો હિસ્સો છે.
બલુચિસ્તાન અવામી પાર્ટી (બીએપી)ના સાંસદ કૌડા બાબર, અહમદ ખાન, નસીબુલ્લાહ બજઇ અને પ્રિંસ ઉમર દ્વારા સોમવારે એક નવા પ્રાંતના ગઠન માટે બંધારણમાં સુધારા માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો. હાલ આ સમગ્ર વિસ્તારનું પ્રશાસન પાકિસ્તાનની સંઘીય સરકાર સંભાળે છે. જ્યારે હકિકતમાં તે ભારતનો હિસ્સો છે. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં આ વિસ્તારમાંથી હટી જવાનું કહી દીધુ છે. અને સાથે કહ્યું છે કે ગિલગિટ બાલ્ટિસ્તાન સહિત પુરા જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ છે. અગાઉ પાકિસ્તાન ખુલ્લેઆમ આ વિસ્તાર પોતાનો હોવાના દાવા કરતુ આવ્યું છે. જેને પગલે પાક.ની સંસદમાં રજુ કરવામાં આવેલો પ્રસ્તાવ સ્વિકારી લેવામાં આવે તેવી શક્યતાઓ છે.


comments powered by Disqus