એકસંપ સમાજ, મહત્તમ એકતા અને પરોપકારનું બીબીએસ યુકેનું આહવાન

Wednesday 09th November 2022 07:53 EST
 
 

લંડન: ભાદરણ બંધુ સમાજ (બીબીએસ યુકે) દ્વારા પ્રતિષ્ઠિત 40મા વાર્ષિક સમારોહનું આયોજન કરાયું જેમાં બીબીએસ, ધર્મજ સોસાયટી ઓફ લંડન, કરમસદ સમાજ યુકે, નડિયાદ નાગરિક મંડળ, સોજિત્રા સમાજ યુકે અને વસો નાગરિક મંડળ સહિત તમામ છ ગામને આમંત્રિત કરાયાં હતાં. આ સમારોહ પ્રેરણાદાયી અને મનોરંજક બની રહ્યો હતો. એક સમાજ, મહત્તમ એકતા અને મહત્તમ પરોપકારના સંદેશ સાથે સમારોહનું સમાપન કરાયું હતું.
મા ભદ્રકાળી સમક્ષ દીપ પ્રગટાવીને સમારોહનો પ્રારંભ કરાયો હતો. આવકાર સંબોધનમાં બીબીએસના વાઇસ પ્રેસિડેન્ટ નિતિનભાઇ આર પટેલે જણાવ્યું હતું કે, બીબીએસ તેના સ્થાપકોના મૂલ્યો અને અસલ વિઝનને અનુસરી રહ્યો છે. સમાજને મજબૂત બનાવવા સક્રિય પ્રયાસો હાલની તાતી જરૂરીયાત છે. આ કાર્ય માટે દાન આપનારા મહાન કાર્ય કરી રહ્યાં છે.
મેનેજમેન્ટ એકાઉન્ટની માહિતી આપતા ટ્રેઝરર દેવેન્દ્રભાઇ આર પટેલે સમાજ માટે ઉદારતાથી દાન આપવા અપીલ કરી હતી. તેમણે ભાદરણ ગામ પંચાયતમાં વિકાસ અને સુવિધાના પ્રોજેક્ટો માટે પણ યોગદાન માટે આમંત્રણ આપ્યું હતું.
દાતાઓ, પ્રયોજકો અને વડીલોનો વિશેષ આભાર માનતા બીબીએસના જનરલ સેક્રેટરી નિરૂપાબેન પટેલે જણાવ્યું હતું કે, તમામ છ ગામ સમાજની મજબૂતાઇ અને માનવ સેવાના સમાન લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યાં છે. છ ગામ માટે આ સમારોહનું આયોજન કરતાં બીબીએસ ગૌરવ અનુભવી રહ્યો છે. અમે ભાદરણ ગામમાં વિકાસના કાર્યોને સહાય કરી રહ્યાં છીએ. હું ભાદરણ બંધુ સમાજના સ્થાપક સભ્ય, પ્રથમ પ્રમુખ અને ટ્રસ્ટી સી બી પટેલનો વિશેષ આભાર માનવા માગુ છું. તેમણે સમાજની પ્રવૃત્તિઓમાં હંમેશા સહકાર અને માર્ગદર્શન આપ્યાં છે.
સૌથી યુવા એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર અને યુવા ટીમના આગેવાન એવા કિમાયા પટેલે બીબીએસના પ્રમુખ બિમલભાઇ પટેલનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો. બિમલભાઇ ભારતમાં તેમના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે હાજર રહી શક્યા નહોતા. બિમલભાઇએ તેમના સંદેશામાં જણાવ્યું હતું કે, આપણું ભવિષ્ય એકતા પર નિર્ભર છે. બીબીએસ યુકે તમામ છ ગામોને એક કરવાના પ્રયાસોમાં અગ્રેસર રહ્યો છે. તમે જાણો છો કે તમામ સંગઠનો દાતા અને પ્રયોજકો પર આધાર રાખતાં હોય છે. તેમના વિના આ પ્રકારના સમારોહ શક્ય નથી. બીબીએસ એક્ઝિક્યુટિવ ટીમ વતી હું આજના વાર્ષિકોત્સવને સફળ બનાવવા માટે તમામ કમિટી સભ્યોનો આભારી છું. હું આ ઇવેન્ટના આયોજન માટે કપરી કામગીરી કરનારા મારા જનરલ સેક્રેટરી નિરૂપાબેનનો વિશેષ આભાર માનું છું. આખી કમિટીએ સંપુર્ણ સહકાર આપ્યો અને કિરણભાઇએ કેટરિંગની તમામ વ્યવસ્થા સંભાળી. વાઇસ પ્રેસિડેન્ટ નિતિનભાઇ અને ટ્રેઝરર દેવેન્દ્રભાઇએ આપેલા યોગદાનને બિરદાવું છું. હું છ ગામના ચેરમેન, ભાદરણ, ધર્મજ, કરમસદ, નડિયાદ, સોજિત્રા અને વસોગામના પ્રમુખઓ તથા કમિટી સભ્યોનો પણ આભાર માનું છું.
છ ગામ નાગરિક મંડળના ચેરમેન ધર્મેશભાઇએ જણાવ્યું હતું કે, આ પ્રકારના સમારોહ આપણને અંગત અને સમાજ તરીકે મજબૂત બનાવે છે. ધર્મજ સોસાયટીએ સીનિયર સિટિઝન ગ્રુપ શરૂ કર્યું છે. મેટ્રિમોનિયલ વેબસાઇટ પણ પૂર્ણતા આરે છે. સમાજના પથદર્શક રામભાઇ કાકાની પૌત્રી પ્રિયા પટેલે જણાવ્યું હતું કે,અમે ભારતીય સમુદાયને સહાય કરવા ઇચ્છીએ છીએ. અમે યુવાઓને પણ પ્રવૃત્તિઓમાં સાંકળવા માગીએ છીએ. સંગીત આત્મા અને શરીર માટે મહાન થેરાપી છે. અમે મારા દાદા અને બાના સ્મરણાર્થે તમામને પ્રેરણાદાયી અને ભક્તિની કોમ્પેક્ટ ડિસ્ક આપી રહ્યાં છીએ. ખુશહાલ સમાજના નિર્માણ માટે તમે તે મેળવી લેશો. એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય ગાર્ગીબેન પટેલે જણાવ્યું હતું કે, સમાજને મદદ કરવાના ઘણા માર્ગ છે. દરેક જણ સમાજ અને માનવતા માટે શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે. કિમાયા પટેલે છ ગામ મેટ્રિમોનિયલ ઇન્ટ્રોડક્શન વેબસાઇટ અંગે માહિતી આપી હતી.


comments powered by Disqus