ગુજરાતમાં ભાજપ સતત સાતમીવાર સત્તાના સિંહાસન પર બિરાજમાન થશે?

Wednesday 09th November 2022 05:20 EST
 

બ્રિટનને નવા વડાપ્રધાન મળી ચૂક્યા છે તો દૂર સુદૂર પૂર્વમાં આવેલા માદરેવતન ગુજરાતમાં આગામી પાંચ વર્ષ માટે નવી સરકાર ચૂંટી કાઢવાની ધમધમાટ તૈયારી ચાલી રહી છે. ભારતના ચૂંટણી પંચે ગુજરાતમાં 1 ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાનની જાહેરાત કર્યા બાદ ચૂંટણી પ્રચાર ચરમસીમા પર પહોંચી રહ્યો છે. 1995થી સતત 6 વાર વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપ માટે આ વખતે કપરાં ચઢાણ છે. નરેન્દ્ર મોદી ગુજરાત છોડીને દિલ્હીની ગાદી પર પહોચ્યા ત્યારબાદ ભાજપ બીજીવાર બીજીવાર અન્ય કોઇ નેતાની આગેવાનીમાં ચૂંટણીમાં ઝંપલાવીને સતત સાતમી વાર સરકાર રચવા મરણિયો બની રહ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તાની સીધી લડાઇ લડાતી હતી પરંતુ આ વખતે દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીએ રાજકારણમાં નવો નાટકીય વળાંક લાવી દીધો છે. તેના કારણે ભાજપને લાભ થશે કે નુકસાન તે અંગે રાજકીય નિષ્ણાતો પણ વિભાજિત છે. કેટલાંકનું માનવું છે કે ભાજપ માટે આ વખતે સત્તાની લડાઇ આસાન બની નહીં રહે. હાલ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપને સજ્જડ લડત આપશે તેવું ચિત્ર સર્જાઇ રહ્યું છે પરંતુ સામે પક્ષે કોંગ્રેસ અત્યંત ગુપ્તતાથી તેનું અભિયાન ચલાવી રહી છે.
ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હોમ સ્ટેટ છે. આજે પણ ગુજરાતના રાજકારણ પર તેમન પક્કડ સહેલાઇથી વિપક્ષને સફળ થવા દે તેવી સંભાવના દેખાતી નથી. પીએમ મોદીની માસ અપીલ જ ભાજપનું ટ્રમ્પ કાર્ડ છે. જોકે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોની નારાજગીના કારણે ભાજપનો સ્કોર 100ની નીચે આવી ગયો હતો અને કોંગ્રેસે સારુ એવું કાઠું કાઢ્યું હતું. તેના કારણે જ મોદી અને શાહે સપ્ટેમ્બર 2021માં ગુજરાતનું નેતૃત્વ ભુપેન્દ્ર પટેલને સોંપીને પાટીદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને પણ પાર્ટીમાં સમાવી લેવાયા છે. તે ઉપરાંત ગુજરાતમાં ભાજપ બૂથ લેવલ સુધીમજબૂત સંગઠન ધરાવતી પાર્ટી છે. તે ઉપરાંત ભાજપ મુખ્યત્વે ડબલ એન્જિન વિકાસ અને હિન્દુત્વના ઘોડા પર સવાર થઇને પોતાનો રથ વિજય રેખા સુધી પહોંચાડવાનો ભરપૂર પ્રયાસ કરશે.
તેમ છતાં ભાજપ પાસે નરેન્દ્ર મોદી જેવો કરિશ્મા ધરાવતો એકપણ સ્થાનિક નેતા ગુજરાતમાં નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા મૂકાતા વ્યાપક ભ્રષ્ટાચારના આરોપ ઉપરાંત પાર્ટીને મોંઘવારી, બેરોજગારી અને આર્થિક મંદી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આમ આદમી પાર્ટી રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓની ખસ્તાહાલ સ્થિતિ પર આક્રમક બની રહી છે ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી પણ ભાજપ માટે પડકાર બની રહેશે.
ભારતમાં એક ખાસિયત રહી છે કે પ્રજા બહુ ઝડપથી કેટલીક બાબતો ભૂલી જાય છે પરંતુ વર્તમાનમાં બનેલી ઘટનાઓ ચૂંટણી પર અસર કરી શકે છે. મોરબીની બ્રિજ હોનારતે પ્રજામાં ભારે રોષની લાગણી જન્માવી છે જે ભાજપને ચૂંટણીમાં ભારે પડી શકે છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસની સાથે સાથે ભાજપની મતબેંકમાં પણ સેંધમારી કરી શકે છે. જો તેમ થાય તો ભાજપની બેઠકોમાં ઘટાડો થઇ શકે છે. 2017ના પરિણામો જોતાં આ વખતે તેનું પુનરાવર્તન થાય તો ભાજપ માટે મુશ્કેલ સમય આવી શકે છે. આમ આદમી પાર્ટી દ્વારા અપનાવાયેલી સુશાસન અને સોફ્ટ હિન્દુત્વની નીતિ ભાજપના કેટલાક મતદારોને પાર્ટીથી વિમુખ કરી શકે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મતની ટકાવારી વધારવામાં સફળ રહી હતી જેના કારણે ભાજપના મતમાં ઘટાડો નોંધાયો હતો. કોંગ્રેસ ગ્રામીણ વિસ્તારોમાં હજુ સારું પ્રભુત્વ ધરાવે છે જે ભાજપ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
જોકે કોંગ્રેસ માટે પણ સ્થિતિ એટલી સારી કહી શકાય નહીં. આમ આદમી પાર્ટીની એન્ટ્રી કોંગ્રેસની મતબેંકમાં મોટું ગાબડું પાડી શકે છે. તે ઉપરાંત સંગઠનાત્મક સ્તરે કોંગ્રેસ ભાજપ કરતાં ઘણી નબળી છે. એમ કહેવાય છે કે કોંગ્રેસમાં કાર્યકરોની સંખ્યા કરતાં નેતાઓની સંખ્યા વધારે છે. હાર્દિક પટેલની કોંગ્રેસમાંથી વિદાયના કારણે પાટીદાર મતદારો કોંગ્રેસથી વિમુખ થઇ શકે છે. તે ઉપરાંત કોંગ્રેસ પાસે એવો કોઇ કરિશ્માઇ નેતા નથી જે મતદારોને આકર્ષી શકે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નામ ઘણા મતદારો જાણતા પણ નથી. તે ઉપરાંત કોંગ્રેસની અંદરની યાદવાસ્થળી પણ પાર્ટીને હંમેશા નુકસાન પહોંચાડતી આવી છે. આમ આદમી પાર્ટી અત્યારે જે રીતે ગાજી રહી છે તેમાં થોડી પણ સફળતા હાંસલ કરશે તો કોંગ્રેસને મોટું નુકસાન કરી શકે છે.
આમ આદમી પાર્ટી પહેલીવાર ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી રહી છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી અને પંજાબમાં સુશાસનના સારા પ્રમાણપત્રો સાથે ગુજરાત પહોંચેલી પાર્ટી આ બંને રાજ્યોમાં પોતાની કામગીરીના નક્કર પુરાવા સાથે મતદારો સુધી પહોંચી રહી છે જે ઘણા મતદારોને પ્રભાવિત કરી રહ્યાં છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ વધ્યો છે. આમ આદમી પાર્ટીની નબળાઇ એ છે કે તેની પાસે સ્થાનિક સ્તરે કોઇ મોટા ગજાનો નેતા નથી. પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં ઇસુદાન ગઢવીનું કદ નહીં બરાબર છે. કેજરીવાલની પાર્ટી શહેરી વિસ્તારોમાં કોઇ ચમત્કાર સર્જી શકે છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં તેને કોંગ્રેસ સાથે સજ્જડ મુકાબલો કરવો પડશે. ભાજપ અને કોંગ્રેસની મતબેંકોમાં સેંધમારી કરવી અઘરી તો બની જ રહેશે. ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય સફળ રહ્યો નથી. આમ આદમી પાર્ટી કેટલી હદે સફળ થશે તે તો 8મી ડિસેમ્બરે જાહેર થનારા પરિણામો જ જણાવશે.


comments powered by Disqus