દરેક ક્રાંતિ માટેની ઊર્જા ચરોતરની ધન્યધરામાંથી જ પ્રવાહિત થઈ છે

- મહેશ લિલોરિયા Wednesday 09th November 2022 07:58 EST
 
 

આ ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે કે ભાદરણ બંધુ સમાજ યુકે દ્વારા છ ગામ નાગરિક મંડળની વાર્ષિક બેઠકનું આયોજન કરાયું. આ માત્ર મિલન સમારંભ નહોતો, આ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના મૂલ્યોના જતનનો વિનમ્ર પ્રયાસ હતો. એકતાની હાકલ હતી, એકસંપ થઈને સમાજને મજબૂત બનાવી વિકાસપથ ઉપર આગળ વધવા માટે મનન-ચિંતન હતું.
ચરોતર પ્રાચીનકાળથી જ ભક્તિ, શક્તિ, મહાન આદર્શો, મૂલ્યો, મહાન પાત્રો અને દેશભક્તોના સંવર્ધન માટે જાણીતો છે. હું લંડન આવ્યો તે પહેલાં, જ્યારે હું સંદેશ અખબારના મુખ્ય કાર્યકારી તંત્રી તરીકે અમદાવાદમાં હતો, ત્યારે ભાદરણ વિશે સૌપ્રથમ વિચારવાનો અવસર મળ્યો. 2011માં જ્યારે મહાત્મા મંદિરનું ઉદ્ઘાટન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું તે સમયે, એક પુસ્તક- લવ ગુજરાતના લોકાર્પણ કાર્યક્રમમાં, શ્રી સીબી પટેલ સ્ટેજ પર હાજર હતા અને સીએમ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત લંડનમાં સુરક્ષિત અને સમૃદ્ધપણે રહે છે કારણ કે સીબી લંડનમાં છે. સીબી ભાદરણના પટેલ છે તેથી જ તેમનામાં સમાજની સેવા કરવાની ધગસ છે. આ પછી મેં મારા રિપોર્ટર સાથે વાત કરી અને ભાદરણ અને સીબી પટેલ વિશે વધારે જાણ્યું.
ભૂતકાળમાં, ભાદરણને તેની સમૃદ્ધિને કારણે "ગાયકવાડ રાજ્યનું પેરિસ" કહેવાતું હતું. વલ્લભભાઈ પટેલ દ્વારા તેને ભારતનું સૌથી મહાન ગામ કહેવામાં આવ્યું હતું. ભાદરણને પવિત્ર નગર હોવાનું પણ ગૌરવ છે. પટેલ પરિવારોએ પંદર સંતરત્ન આપ્યા છે. પંદરમા રત્ન દાદા ભગવાન આ ગામમાં જ ઉછર્યા.
તે જ ક્ષણથી મને ભાદરણ પ્રત્યે આકર્ષણ થયું. ભાદરણના પટેલો વેપાર, નવીનતા, પરોપકાર, આધ્યાત્મિકતામાં સૌથી સફળ છે પછી તે ભારત, યુકે, યુએસ કે આફ્રિકામાં હોય. ભાદરણના રમણભાઈ પટેલે ફાર્મા કંપની કેડિલા શરૂ કરી અને હવે તેમના પુત્ર પંકજભાઈ કેડિલા હેલ્થકેર કંપની સાથે નવા શિખરો સર કરી રહ્યા છે. આ એ જ કંપની છે જેણે કોરોનાની વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત રસી વિકસાવી છે. રમણભાઈનો પરિવાર સમગ્ર ભારતમાં ભાદરણનું ગૌરવ છે, તેવી જ રીતે શ્રી સી.બી. પટેલ ભારતની બહાર ભાદરણનું ગૌરવ છે. તેઓ માત્ર ભારતની બહાર સૌથી મોટા પ્રસારિત ગુજરાતી અખબારનું સંચાલન જ નથી કરતા પરંતુ તેઓ સમાજ, માતૃભૂમિ, માતૃભાષા અને સનાતન ધર્મને મજબૂત કરવા હંમેશા ખડેપગે હોય છે. ખરેખર, આ ભાદરણવાસીઓના જોમ અને જુસ્સાનો પરચો બતાવે છે. સી.બી. પટેલે તેમના કર્મયોગ ફાઉન્ડેશનમાંથી સેવા કાર્યો માટે અત્યાર સુધી લગભગ £500,000નું ઉદારતાપૂર્વક દાન આપ્યું છે.
એ જાણીને આનંદ થાય છે કે યુકેમાં અને બહાર ઘણા સમાજ/ ધાર્મિક સંગઠનોની જેમ ભાદરણ બંધુ સમાજની સ્થાપના અને રચનામાં સી.બી. પટેલ મુખ્ય નિમિત્ત બળ હતા. સર્વવિદિત છે કે 1982માં ડો. જમનાદાસ સી. પટેલ ભાદરણમાં એક હોસ્પિટલ માટે જાગૃતિ ફેલાવવા અને ભંડોળ એકત્ર કરવા લંડન આવ્યા અને સી. બી. પટેલનો સંપર્ક કર્યો. 27 મે 1982ના રોજ ગુજરાત સમાચાર - Asian Voiceના કાર્યાલય કર્મયોગ હાઉસમાં ખાસ બેઠક યોજાઈ હતી. ભાદરણ બંધુ સમાજ-યુકેની આ પ્રથમ સત્તાવાર બેઠક ને રચના હતી. મુંબઈના ડો. જમનાદાસ, શ્રી રતિલાલ ભાઈલાલભાઈ પટેલ અને શ્રી જયંતિભાઈ મણિભાઈ પટેલે ભાદરણ હોસ્પિટલની વિગતો રજૂ કરી હતી. થોડા અઠવાડિયામાં, મેટરનિટી વિંગ માટે રૂ. 1.2 મિલિયન એકત્રિત કરાયા. સી.બી. ભાવનાત્મક રીતે BBS સાથે જોડાયેલ છે કારણ કે તેમણે પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપી હતી, તેઓ BBSના સ્થાપક સભ્ય, ટ્રસ્ટી અને માર્ગદર્શક છે. આજે પણ તેઓ સક્રિયપણે સમાજની યથાશક્તિ સેવા કરી રહ્યા છે. સી.બી. પટેલથી શરૂ થયેલી આ વણથંભી યાત્રા રસિકભાઈ એમ. પટેલ, જસભાઈ પી. પટેલ સહિત અનેક મહાનુભાવોએ આગળ ધપાવી અને હવે બિમલભાઈ પટેલના હાથમાં સુકાન છે.
છ ગામ નાગરિક મંડળની સ્થાપના એ પ્રતીક છે વિવિધતામાં એકતાનું. ચરોતરના છ ગામ જાણે કે એક-એક રત્ન અને એ રત્નોને સમાન હેતુ માટે એકસૂત્રમાં બાંધવાનું કાર્ય કરવામાં આવ્યું છે. દરેક ગામની એક આગવી અને નોખી ઓળખ છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદ અને ઉછેર કરમસદમાં થયો. પ્રાચીનકાળમાં સોજિત્રા મધ્ય ગુજરાતનું પણ મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું તો ધર્મજ ગામ ભારતનું સૌથી સમૃદ્ધ ગામનું બિરુદ ધરાવે છે. વસો ગામ મધ્‍યયુગની સંસ્‍કૃતિની ઝાંખી કરાવતી કાષ્‍ઠની કોતરણીવાળી હવેલી અને સેવાકાર્યો માટે જાણીતું છે.
એ જ રીતે શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ– માતૃસંસ્થા સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ દેશ-વિદેશમાં સમાજ સેવા અને ઉત્થાન માટે મોટાપાયે કામ કરી રહી છે, જેની વિસ્તૃત ચર્ચા આગામી અંકોમાં કરીશું.
ખમીરવંતા ચરોતરના પટેલો મહેનતુ અને વિકાસશીલ વ્યક્તિત્વ ધરાવે છે. નિઃસ્વાર્થ સેવામાં માને છે. કોઇ પણ ક્રાંતિ હોય- આધ્યાત્મિક, ધાર્મિક, શિક્ષણ, રાજકીય, હરિત અથવા શ્વેત ક્રાંતિ એના માટેની ઊર્જા ચરોતરની ધન્યધરામાંથી પ્રવાહિત થઈ છે.


comments powered by Disqus