૨૦૨૦ અને ૨૧ જગતભરના માનવ જીવો માટે ખૂબ વિષજન્ય રહ્યું. કોરોના નામના કાળના ખપ્પરમાં ઘણા લોકોએ પોતાનાં વહાલસોયાં સ્વજનો ગુમાવ્યા એના ઘા હ્દયે હજુય રુઝાતા નથી. વેકસીનની શોધને કારણે ધીરે ધીરે આ કાળમુખા કોરોનાની પક્કડ ઢીલી પડી રહી છે ત્યારે બબ્બે વર્ષથી ભયને કારણે ઘરની ચાર દિવાલોમાં પૂરાઇ રહેલા લોકો તન, મનને હળવા કરવા બ્રિટનના આહલાદક સ્થળોએ અને વિદેશોમાં મુક્તમને હોલીડે કરવા જવા લાગ્યા છે. ઇસ્ટર હોલીડે પછી તો જાણે લંડનના હિથ્રો, ગેટવીક અને સ્ટેનસ્ટેડ એરપોર્ટ સહિત લૂટન, બર્મિંગહામ અને માંચેસ્ટરના એરપોર્ટ પર પણ ભારે માનવપ્રવાહનો ધસારો થયો એના સમાચાર સ્થાનિક ટી.વી. અને દૈનિકોમાં જોવા મળ્યા.
કોરોનાથી કંટાળેલા આપણા સમાજના લોકોને પણ કંઇક ચેઇન્જ મળે, હળવાશ અનુભવે એ માટે સત્તાવીશ પાટીદાર સમાજની એક સંલગ્ન સંસ્થા (ગામ-નગર) "આણંદ ઓવરસીઝ બ્રધરહુડ યુ.કે.” (AOB) દ્વારા તાજેતરમાં ટર્કી ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લંડન સહિત આસપાસના વિસ્તારોમાંથી ૧૧૬ જણ આ ટર્કીના પ્રવાસમાં જોડાયા હતા એમાં સૌ પ્રથમવાર અમે પણ જોડાયા.
વિખ્યાત ટ્રાવેલ એન્ડ ટૂર્સ કંપની દ્વારા ખૂબ કિફાયત ભાવે ટર્કી (ઓલ ઇન્કલુઝીવ)ની ઓફર મળતાં ૨૯ એપ્રિલથી ૬ઠ્ઠી મે' સુધીની ટર્કી ટૂરનું આયોજન કરાયું. ૨૯ એપ્રિલે વહેલી સવારે ૬.૦૦ વાગ્યે સ્ટેન્ડસ્ટેડથી 'જેટ ટુ ટ્રાવેલ'ની ફલાઇટમાં જવાનું હતું પણ "આણંદ ઓવરસીઝ બ્રધરહુડ યુ.કે.” (AOB)ના પ્રમુખ યોગેશભાઇ (કલિયાભાઇ) પટેલ, સોશ્યલ સેક્રેટરી પ્રવિણભાઇ પટેલ તથા પૂર્વ પ્રમુખ અનંતભાઇ પટેલે આ ટર્કી ટૂરનું ખૂબ વ્યવસ્થિત રીતે આયોજન કર્યું હતું જેથી પ્રવાસીઓને કોઇ તકલીફ ઉભી થઇ નહોતી. પ્રવિણભાઇ પટેલે રાતના ૧૨.૩૦થી ૨.૦૦ દરમિયાન રાઇસ્લીપ, એજવેર અને ઇસ્ટલંડનથી કોચ દ્વારા પ્રવાસીઓને એકત્ર કરી સમયસર સ્ટેન્ડસ્ટેડ એરપોર્ટ પર પહોચાડ્યા હતા. આ પ્રવાસમાં ૪૦ વર્ષથી માંડી ૮૭ વર્ષનાં વડીલો પણ જોડાયા હતા.
ત્રણેક કલાકની 'જેટ ટૂ હોલીડેઝ'ની ફલાઇટમાં નાસ્તા-પાણી કરતાં કરતાં અમે ટર્કીના ઈઝમીર (Izmir) પર ઉતર્યા ત્યાં પ્રવિણભાઇ, અનંતભાઇ અને યોગેશભાઇએ ખૂબ વ્યવસ્થિત યાદી તૈયાર કરી સૌને માર્ગદર્શન આપ્યું હતું જેથી એરપોર્ટ પર ઇમિગ્રેશન પસાર કરી કોઇ પણ તકલીફ વિના તમામ જણ ત્રણેક કોચમાં ગોઠવાઇ ગયા હતા.
લીલીછમ હરિયાળી આચ્છાદિત ડુંગરાઓ વચ્ચેથી એકાદ કલાકનો કોચ પ્રવાસ કરી અમે કુશાડાસી (Kusadasi) રમાડા હોલીડે રિસોર્ટમાં પહોંચ્યા. એકાદ જણ બાદ કરતાં લગભગ ૧૧૪ પટેલ હતા એટલે હોટેલ ચેકીંગમાં પટેલ સરમેન હેઠળ નામો શોધવામાં હોટેલવાળા થોડા ગૂંચવાયા હતા પણ એક-એક ડેસ્ક પર ત્રણ જણ કોમ્યુટર પર ચોક્કસાઇથી ચેક કરતા હોવાથી રૂમો આપવામાં ગોટાળે ના ચડ્યા. રૂમની ગેલેરીમાંથી બ્લુ કલરના શાંત દરિયા સામે દૂરદૂર આછા ભુરા ડુંગરા મનને પ્રફુલ્લત કરતા હતા. હોટેલની ફરતે સ્વીમીંગ પૂલ્સ હતા, સૌથી તન-મનને રીલેક્સ કરી એવા ટર્કીશ બાથ, સોના અને એના મસાજ સેન્ટર હતાં. ઓલ ઇકલુઝીવ રમાડા હોટેલમાં સવારે, બપોરે અને સાંજે ડિનર હોલમાં જાણે પકવાન અને મિઠાઇઓનો અન્નકૂટ ભરાતો. સવારે બ્રેકફાસ્ટ કરીને સૌ પોતપોતાની મિત્રમંડળી સાથે વોક લેવા નીકળતા તો કેટલાક સ્વીમીંગ, સોના કે ટર્કીશ બાથમાં રીલેક્સ થતા. ટર્કી કલોથીંગ અને લેધર પ્રોડકશન માટે ખૂબ પ્રખ્યાત હોવાથી અહીં કપડાં, બ્રાન્ડેડ પર્સ, બટર જેવા સુતરાઉ કપડાંની ચીજવસ્તુ ખૂબ સસ્તા ભાવે મળે છે.
આ હોલીડે પેકેઝમાં દરિયાઇ સફર અને વર્લ્ડ હેરીટેઝ એવું પામુકુલેનો પ્રવાસ પણ સામેલ કરાયો હતો. કુશાડાસીથી ત્રણેક કલાકની કોચ જર્ની કરીને દુનિયાની અજાયબી જેવા પામુકુલેના સફેદ પર્વતો જોવા જવાય. ટર્કીમાં પામુ એટલે કોટન (રૂ) અને કુલે એટલે કિલ્લો એટલે કે 'સફેદ રૂનો કિલ્લો’. અહીં જમીનમાંથી ગરમ પાણીના ઝરા ફૂટે છે ને એમાંથી જે કેલ્શીયમ ભેગું થતું જાય એના સફેદ ડુંગરા બને છે. ઉંચી પર્વતમાલા ઉપરથી આ ગરમ પાણીના ઝરાના નાના સરોવર ખૂબ રમણીય લાગે છે. અહીં રોમન યુગના અવશેષો પણ જોવા મળે છે. કલીયોપેટ્રા જ્યાં સ્નાન કરતાં એ સ્નાનાગાર અને રોમન સ્તંભો અને દ્વાર સહિત દૂર દૂર અવશેષો જોવા મળ્યા. પામુકૂલે જતાં વચ્ચે કોટન ઉત્પાદન કરતી ફેકટરીની મુલાકાત પણ લીધી. ત્યાંથી પાછા વળતાં ટર્કીમાંથી નીકળતા જાતજાતના પત્થરો, રંગ બદલાતા હોય તેવા રત્નો જડિત જ્વેલરી બનાવતી ફેકટરીની મુલાકાત પણ લીધી. સાત દિવસની ટર્કી હોલીડેઝનું આયોજન એટલું વ્યવસ્થિત હતું કે એમાં કયાંય કોઇને તકલીફ પડી હોય કે મન દુ:ખ થયું હોય, વાદ વિવાદ કે ઝઘડા થયા હોય અથવા કોઇ બિમારીનો ભોગ બન્યું હોય એવું બન્યું નથી. સૌ સુખદ પ્રવાસનો અનુભવ કરી ગત શુક્રવારે હેમખેમ ઘરે પહોંચ્યા. પ્રવાસ દરમિયાન હોટેલના હોલમાં વિશેષ મિટીંગનું આયોજન કરાયું હતું ત્યાં "આણંદ ઓવરસીઝ બ્રધરહુડ યુ.કે.ના પ્રમુખ યોગેશભાઇ પટેલ, ઉપપ્રમુખ કોકિલા પટેલ, સહાયક મહામંત્રી ભુપેન્દ્રભાઇ ગજ્જર, ટ્રેઝરર કલ્પનાબેન પટેલ, સોશ્યલ સેક્રેટરી અને પ્રવાસ આયોજક પ્રવિણભાઇ પટેલનો સૌએ આભાર વ્યક્ત કરી તાળીઓથી વધાવ્યા હતા. આ પહેલાં આ સંસ્થા દ્વારા ૨૦૧૮માં માલ્ટા અને ૨૦૧૯માં લા-પાલ'માં હોલીડેનું આયોજન કરાયું હતું.

