ધરતી પરનું સ્વર્ગ કાશ્મીરઃ પ્રવાસનમાં તેજી

Wednesday 11th May 2022 06:15 EDT
 

કાશ્મીરનો પ્રવાસ ખેડવો, કુદરતનો અનુપમ નજારો નિહાળવો તે સહુના દિલનું સ્વપ્ન હોય છે. ધરતી પરના સ્વર્ગ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસને તેજી પકડી છે. જમ્મુ અને કાશ્મીરના ટુરિઝમ વિભાગના આંકડા કહે છે કે ગત ત્રણ મહિનામાં આશરે 400,000 પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધી છે અને આગામી મહિનાઓમાં આ સંખ્યા હજુ વધશે તે નિશ્ચિત છે.
શ્રીનગરના એરપોર્ટ પર સામાન મેળવવા સર્પાકાર લાઈનો લાગે છે, શિકારામાં બેસવા અને દાલ સરોવરમાં પગ ભીંજવવા પરિવારના સભ્યો વાટ જોઈ રહ્યા છે, લાલ ચોકમાં ચોતરફ ભીડ નજરે પડે છે, રેસ્ટોરાં અને હોટેલ્સ ભરચક છે. થોડા વર્ષ અગાઉ તમે કાશ્મીરમાં આ હિલચાલની કલ્પના પણ કરી શકતા ન હતા. પરંતુ, આજે તે હકીકત છે. કાશ્મીરની ખીણનો નજારો જોવાં પર્યટકો ઉમટી રહ્યા છે અને સ્થાનિક સત્તાવાળા કહે છે તેમ 10 વર્ષમાં પ્રવાસીઓની સૌથી વધુ સંખ્યા આ વર્ષે જોવા મળી છે. સુરક્ષા વ્યવસ્થા વિશે થોડી ઘણી ચિંતા હોવાં છતાં ઘણા ટુરિસ્ટ માટે કાશ્મીર પ્રવાસ સ્વપ્ન સાકાર થયા જેવો લાગે છે. આમ છતાં, કાશ્મીર ગયા પછી લોકો કહે છે કે સુરક્ષા વ્યવસ્થા ઘણી સારી છે અને કોઈ ભયપ્રદ વાતાવરણ જણાતું નથી.
આંકડા જોઈએ તો 2020માં 41,000 પ્રવાસી કાશ્મીરની મુલાકાતે આવ્યા હતા અને 2021માં સંખ્યા અનેકગણી વધીને 6,60000 થઈ હતી. આ વર્ષે હજુ તો સીઝન શરૂ થઈ છે અને 400,000 પ્રવાસી આવી ગયા છે. રાજ્યમાં અનુચ્છેદ 370 હટાવી લેવાયા પછી દહેશતના કારણે 2019થી ટુરિસ્ટ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તે પછી કોવિડ મહામારીએ પ્રવાસીઓ નહિવત થઈ ગયા હતા પરંતુ, હવે મૌસમ ખીલી છે. કાશ્મીર ટુરિઝમના ડાયરેક્ટર ડો. જી.એન.ઈટુના કહેવા અનુસાર દરેક સીઝનમાં સરેરાશ 50,000 પ્રવાસી આવતા હોય છે પરંતુ, આ ત્રણ મહિનામાં તો 3 લાખથી વધુ પ્રવાસીએ કાશ્મીરની રોનક બદલાવી નાખી છે. લોકોને લાગ્યું છે કે કાશ્મીરનો પ્રવાસ હવે સલામત છે.તમે જો કાશ્મીરના પ્રવાસે જશો તો તમારા ગુજરાતી મિત્રો મળી આવવાની સંપૂર્ણ શક્ય. ભારતમાં ગુજરાતીઓ જેવી પ્રવાસશોખીન પ્રજા કોઈ નથી. આતંકવાદનો ઓછાયો દૂર થયો ચે ત્યારે ગુજરાતીઓ પણ કાશ્મીર પ્રવાસ યોજવામાંથી બાકાત નહિ રહે તેની ખાતરી છે.
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે કરાવાશે તેનો મુદ્દો પણ સતત ગાજતો રહ્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીર સીમાંકન આયોગના રિપોર્ટ સાથે ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હોવાનું કહી શકાય.જમ્મુ-કાશ્મીર વિધાનસભા બેઠકોની સંખ્યા 83થી વધારી 90 કરવાની ભલામણ થઈ છે. જમ્મુમાં 6 બેઠક વધારી 43 અને કાસ્મીર ખીણમાં 47 બેઠક રાખવામાં આવનાર છે. જમ્મુ ક્ષેત્રમાં ભાજપની પકડ મજબૂત હોવાથી તેને સ્વાભાવિક લાભ થશે જે મહેબૂબા મુફ્તી સહિતના કાશ્મીરી નેતાઓને ગમ્યું નથી.
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થયા પછી તેની આર્થિક સિકલ બદલાતા વાર નહિ લાગે. આર્ટિકલ 370 રદ કરવાના નિર્ણયે ઘણું બદલી નાખ્યું છે. હવે કાશ્મીરમાં ઈન્વેસ્ટમેન્ટમાં રસ દર્શાવવો શરૂ થયો છે. આનું મુખ્ય કારણ એ પણ છે કે આતંકવાદમાં ઘટાડો થયો છે. ટુરિઝમમાં વધારો થવાથી સ્થાનિક લોકોને જ આર્થિક લાભ મળવાનો શરૂ થયો છે. આના પરિણામે 10 ટકા જેટલી બેરોજગારી ઘટી છે. જો રોજગારી વધતી જાય તો આતંકવાદ પણ નામશેષ થવામાં વાર નહિ લાગે.


comments powered by Disqus