ન્યૂ યોર્ક સિટીમાં તાજેતરમાં યોજાયેલા મેટ ગાલા દરમિયાન અનેક સેલિબ્રિટીસનું રેડ કાર્પેટ વેલકમ થયું હતું અને ઘણાએ રેમ્પ વોક પણ કર્યું હતું, પરંતુ આમાં એક ભારતીય નામ છવાઇ ગયું હતું. ઈન્ટરનેશનલ લેવલના ફેશન ઈવેન્ટમાં ઈન્ડિયન સોશિયલાઈટ અને બિઝનેસવૂમન નતાશા પૂનાવાલાએ રેમ્પવોકથી દરેકને ઈમ્પ્રેસ કર્યા હતા. વિશ્વના અનેક દેશોને કોરોના વેક્સિન પહોંચાડીને જાણીતી બનેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇંડિયાના ડિરેક્ટર અને અદર પૂનાવાલાના વાઈફ નતાશા માટે ફેમસ ડિઝાઈનર સબ્યસાચી મુખરજીએ ડિઝાઇનર સાડી અને જ્વેલરી તૈયાર કર્યા હતા. નતાશાએ હાથવણાટની સોનાના તાર વાળી સાડી પહેરી હતી અને તેની સાથે મોતી, હીરા અને કિંમતી પત્થરો પણ જડેલા હતા. નતાશાના ડ્રેસ ફરતે શિઆપરેલ્લી મેટલ જેકેટ હતું. ડ્રેસ અને એક્સેસરીઝને ટ્રેડિશનલ ટેકનિક અને કિંમતી ધાતુઓથી તૈયાર કરવામાં આવ્યા હતા. નતાશાએ આગવી અદા સાથે રેમ્પ પર એન્ટ્રી કરી ત્યારે તેને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી હતી. ઇવેન્ટ દરમિયાન નતાશાનો ડ્રેસ અને લુક સતત ચર્ચામાં રહ્યા હતા.

