બ્યૂટી મંત્રઃ ચશ્માનું સ્થાન લીધું છે કલરફુલ કોન્ટેક્ટ લેન્સે

Saturday 14th May 2022 06:48 EDT
 
 

આંખ પર ચશ્માનાં ડાબલાં ન ચઢાવવા માગતા લોકો માટે વિકલ્પરૂપે આવેલા કોન્ટેક્ટ લેન્સે સમયના વહેવા સાથે રંગરૂપ બદલ્યા છે. આજે કોન્ટેક્ટ લેન્સ ફક્ત જરૂરિયાતનું જ સાધન ન રહેતાં સુંદરતાનો પર્યાય બની ચૂક્યા છે. સ્કિન કોમ્પલેક્શન મુજબ આંખનો રંગ બદલવા માટે વપરાતા કોન્ટેક્ટ લેન્સથી વ્યક્તિના ચહેરાનો નિખાર બદલી શકાય છે. વિવિધ રૂપ અને રંગમાં મળતા કોન્ટેક્ટ લેન્સના અનેક પ્રકાર છે. આવો આજે જાણીએ કોન્ટેક્ટ લેન્સ વિશે.
(૧) હાર્ડ, સોફ્ટ કે સેમી-સોફ્ટ: કોન્ટેક્ટ લેન્સ હાર્ડ, સોફ્ટ કે સેમી-સોફ્ટ એમ જુદાં-જુદાં પ્રકારના લેન્સ જોવા મળે છે. લેન્સ જેટલા હાર્ડ હોય એટલું એનું વિઝન સારું હોય છે, પણ એ બહુ કમ્ફર્ટેબલ નથી હોતા. સોફ્ટ લેન્સમાં વોટર કન્ટેન્ટ વધારે હોય છે એટલે કમ્ફર્ટેબલ હોવા છતાં એનું વિઝન ઓછું હોય છે. આ દૃષ્ટિકોણથી મૂલવો તો સેમી-સોફ્ટ પ્રકારના લેન્સ શ્રેષ્ઠ હોય છે, કારણ કે એમાં વિઝન પણ સારું હોય છે અને એ કમ્ફર્ટેબલ પણ હોય છે. આંખની કીકીમાં જે પણ ખામીઓ હોય એ સેમી-સોફ્ટ લેન્સથી સારી રીતે દૂર થાય છે.
(૨) કલર્ડ લેન્સ: આ પ્રકારના કોન્ટેક્ટ લેન્સ નંબરવાળા અને નંબર વગરના પણ આવે છે. આજકાલ રિસેપ્શન જેવા પ્રસંગોમાં બ્રાઇડને આ પ્રકારના લેન્સ પહેરાવવામાં આવે છે. એમાં વીસથી પચીસ જાતના કલર જોવા મળે છે. જેવી વ્યક્તિની પસંદ.
(૩) મન્થલી ડિસ્પોઝેબલ લેન્સ: આ પ્રકારના લેન્સ દર મહિને ચેન્જ કરવા પડે છે. આ માટે બાર મહિના માટેની એક સ્ટ્રીપ આવે છે જેમાં લેન્સની બાર જોડી હોય છે. આ લેન્સ રાતે સૂતાં પહેલાં કાઢી નાખવા કમ્પલસરી છે.
(૪) પ્યોર વિઝન લેન્સ: આ લેન્સ પણ દર મહિને ડિસ્પોઝ કરવાના હોય છે, પરંતુ રાત્રે સૂતી વખતે એ કાઢવાની જરૂરી નથી. આ લેન્સ પહેરીને રાતે સૂઈ શકાય છે.
(૫) પ્રોગ્રેસિવ કોન્ટેક્ટ લેન્સ: જો તમને બેતાળાં આવ્યાં હોય અને ચશ્મા ન પહેરવાં હોય તો હવે એ માટે પણ પ્રોગ્રેસિવ અથવા બાયફોકલ કોન્ટેક્ટ લેન્સ ઉપલબ્ધ છે.
(૬) ડેઇલી લેન્સ: ચશ્માના નંબર હોય અને દિવસના ૧થી ૧૭ કલાક કામ કરતી હોય એવી વ્યક્તિ માટે ડેઇલી લેન્સ પણ બજારમાં ઉપલબ્ધ છે. આ લેન્સ રોજેરોજ બદલી નાંખવાના હોય છે.
(૭) ઓપ્ટિમા લેન્સ: પહેલાંના જમાનામાં એક જ રેગ્યુલર સાઇઝના કોન્ટેક્ટ લેન્સ આવતા હતા, હવે આંખની કીકીના મેઝરમેન્ટ પ્રમાણે જુદી-જુદી સાઈઝના લેન્સ મળે છે.
લેન્સની પસંદગી કઈ રીતે કરશો?
લેન્સ હંમેશાં તમારા સ્કિન કોમ્પ્લેક્શન મુજબ પસંદ કરવા. ફેર કોમ્પ્લેક્શનવાળી વ્યક્તિને ગ્રે, પર્પલ, બ્લુ જેવા કલર સૂટ થાય છે, જ્યારે મિડિયમ કોમ્પ્લેક્શનવાળી વ્યક્તિને હની અને ગ્રીન જેવા કલર સૂટ થાય છે. ડાર્ક કોમ્પ્લેક્શન હોય તેઓ હેઝલ અને બ્રાઉન જેવા કલર ટ્રાય કરી શકે છે. કમ્પ્યુટર પર વધારે સમય બેસવાનું હોય તેમણે પાણીનું તત્ત્વ વધારે હોય એવા લેન્સ વાપરવા જેથી આંખ ડ્રાય ન થાય. લેન્સ હંમેશાં ડોક્ટરની સલાહ મુજબ સારા ઓપ્ટિશિયન પાસેથી બ્રાન્ડેડ કંપનીના જ ખરીદવા. થોડાક નાણાં બચાવવાની ગણતરીમાં નબળી ક્વોલિટીના લેન્સ પહેરવાથી તમારી અમૂલ્ય આંખોને ઈન્ફેક્શન પણ લાગી શકે છે.
લેન્સ પહેરતી વખતે શું સંભાળ રાખશો?
હંમેશા તમારા ડોક્ટરને કન્સલ્ટ કર્યા પછી જ લેન્સ પહેરવાનું શરૂ કરો. ચોક્કસ લેન્સ પસંદ કર્યા પછી પણ એના રુલ્સ અને રેગ્યુલેશનનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો નાજુક આંખોને ઈન્ફેક્શન લાગી શકે છે. અને જો ઇન્ફેક્શન ગંભીર હોય તો દૃષ્ટિ આંખ ગુમાવવાનો વારો આવે છે.
સોફ્ટ લેન્સને જો સાદા પાણીથી સાફ કરીને પહેરવામાં આવે તો એનાથી આંખને ડેન્જરસ ઈન્ફેક્શન થઈ શકે છે અને એનો ઈલાજ પણ શક્ય નથી. પરિણામે દૃષ્ટિ ગુમાવવી પડે છે એટલે લેન્સ સાફ કરવા માટેનું સોલ્યુશન હોય એ જ વાપરવું. લેન્સ પહેરીને ક્યારેય સૂવો નહીં, કારણ કે એનાથી આંખની કીકીને ઓક્સિજન મળતો નથી. અમુક લેન્સમાં હાઈ વોટર કન્ટેન્ટ હોય તો એમાં હાઈ ઓક્સિજન કન્ટેન્ટ હોય છે.
લેન્સ પહેર્યા પછી તડકામાં જવાનું થાય અથવા તો ડ્રાઈવિંગ કરતા હો તો આંખને ડસ્ટ અને સનલાઈટથી બચાવવા માટે સારી ક્વોલિટીના સનગ્લાસિસ પહેરવા જરૂરી છે. લેન્સ ક્લીન કરતી વખતે જો એને હાથના નખ લાગે તો એ ફાટી જઈ શકે છે એટલે બને ત્યાં સુધી હાથના નખ લાંબા રાખવાનું ટાળો.


    comments powered by Disqus