મોસ્કો: રશિયા અને યૂક્રેન વચ્ચે પાછલા 75 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેના દળોએ યૂક્રેનના ખાર્કિવ પ્રાંતમા બોહોદુખીવ રેલવે સ્ટેશન પાસે અમેરિકા અને યુરોપિયન દેશો પાશેથી યૂક્રેનને મળેલા મિલિટરી ઇક્વિપમેન્ટ્સના જંગી જથ્થાનો નાશ કર્યો હતો. દરમિયાન, રશિયા સતત યૂક્રેનના વિવિધ શહેરો પર મિસાઇલ મારો કરી રહ્યું છે, તેની વચ્ચે યૂક્રેને મારિયુપોલના અજોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટમાંથી વધુ 50 નાગરિકોને હેમખેમ બહાર કાઢયા છે, જેમાં 11 બાળકોનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે અહીંથી અગાઉ 500 માણસોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. યૂક્રેનની પ્રેસિડેન્ટ કચેરીએ આ માહિતી આપતા ઉમેર્યું હતું કે મારિયુપોલ અને અજોવસ્ટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એક જટિલ ઓપરેશનના નેક્સ્ટ સ્ટેપને અમલમાં મૂકવામાં આવ્યું હતું અને આ ઓપરેશન સફળ રહ્યું હતું. દરમિયાન અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને શુક્રવારે યૂક્રેન માટે નવી સુરક્ષા મદદની જાહેરાત કરી હતી.

