સ્થાનિક રાજકારણનું વિશેષ મહત્ત્વ

Wednesday 11th May 2022 06:11 EDT
 

યુકેમાં સ્થાનિક કાઉન્સિલોની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને સ્વાભાવિક રીતે જ બોરિસ જ્હોન્સનની કન્ઝર્વેટિવ પાર્ટી સારો દેખાવ કરી શકી નથી. જીવનનિર્વાહ કટોકટી, પાર્ટીગેટ કૌભાંડ, લોકો પર લદાયેલો ટેક્સ તેમજ ‘સમરથ કો નહિ દોષ ગુંસાઈ’ની માફક ચાન્સેલર રિશિ સુનાકની બિલિયોનેર પત્ની અક્ષતા મૂર્તિના ટેક્સ સ્ટેટસનો વિવાદ ટોરીઝને નડી ગયો છે.
સ્થાનિક કાઉન્સિલોની ચૂંટણી મુખ્યત્વે સ્થાનિક પ્રશ્નો કે સમસ્યાઓના મુદ્દા પર લડાતી હોય છે. આની જાણકારી સ્થાનિક લોકોને વધુ હોય તે દેખીતી વાત છે. આ સંજોગોમાં બ્રિટિશ ભારતીયો અને ગુજરાતીઓ પણ દૂધમાં સાકર ભળે તેમ બ્રિટિશ રાજકારણના મુખ્ય પ્રવાહમાં ભળી ગયા છે પરંતુ, રાજકારણમાં તેમનું પ્રતિનિધિત્વ નહિવત છે. જોકે, વર્તમાન ચૂંટણીઓમાં આ મહેણું ભાંગી શકાય તેમ હોરો કાઉન્સિલમાં કચ્છી ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. આ કચ્છી અને ભારતીય મતદારોના જોર પર જ કન્ઝર્વેટિવ પાર્ટી હેરો કાઉન્સિલમાં લેબર પાર્ટીને ધૂળ ચટાડી વિજય મેળવી શકી છે. ટાવર ઓફ હેમલેટ બરોમાં નવી એસ્પાયર પાર્ટીના લુત્ફૂર રહેમાને લેબર પાર્ટીને મ્હાત આપી છે તે નાની સુની ઘટના નથી.
ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે કહેવાય છે તે તેઓ રાજકારણથી અલિપ્ત રહેવામાં માને છે. તેઓ શાંતિથી રોટળો રળવામાં અને ખર્ચવામાં માને છે પરંતુ, રાજકારણને દૂરથી જ નમસ્કાર કરતા રહે છે. જોકે, આ યોગ્ય નથી. રાજકારણમાં પ્રવેશી તમારા વિસ્તારના, તમારા પરિવાર-મિત્રોની મુશ્કેલીઓનો ચિતાર રજૂ કરવામાં નાનમ કે ડર ન હોવાં જોઈએ. રાજકારણમાં આવ્યા પછી જ ભારતવિરોધી પરિબળોનો સામનો કરી શકાશે.
સ્થાનિક સરકારો આવશ્યક છે. સરકારે ફાળવેલા નાણાનો ખર્ચ સ્થાનિક સરકારો દ્વારા જ થતો હોય છે ત્યારે તમારા વિસ્તારની શું જરુરિયાતો છે તેની રજૂઆત કરવામાં પાછીપાની કરવી ન જોઈએ. તમારી વસ્તી વધારે હોય તો પણ તમારો કારભાર અન્ય લોકોના હાથમાં હોય છે. આનું કારણ એ છે કે તે લોકો વધુ જાગૃત રહે છે. એટલે કે મોટી બહુમતીની સરખામણીએ ઓછી વસ્તી વધુ જાગૃતિ ધરાવતી હોય છે. શાહમૃગની માફક પલાયનવાદમાં રાચ્યા વિના સામા પગલે કૂદી પડવામાં જ આનંદ છે કારણકે ‘માંહી પડ્યા તે મહાસુખ માણે દેખણહારા દાઝે જોને’નું સૂત્ર અપનાવવું જોઈએ. બોરિસ જ્હોન્સન સરકારમાં રિશિ સુનાક, પ્રીતિ પટેલ જેવા ગુજરાતી-ભારતીય રાજકારણીઓ પ્રધાનપદ શોભાવે છે તેમની કારકિર્દીનો આરંભ પણ સ્થાનિક વિસ્તારોમાંથી જ થયો હતો. પહેલું પગલું એ જ મંઝિલ સુધી પહોંચાડે છે
સ્થાનિક ચૂંટણીઓના પરિણામનો આધાર લઈ બીબીસીનું પ્રોજેક્શન જણાવે છે કે 2024ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને વધુ બેઠકો મળશે અને ટોરી પાર્ટીને ઓછી બેઠકો મળશે. જોકે, આવા પ્રોજેક્શન્સ સાચાં પડે તે જરૂરી પણ નથી. કારણકે બે વર્ષના સમયગાળામાં ઘણું બદલાઈ જતું હોય છે. આ પરિણામોથી બધા ધારે છે તેમ બોરિસ જ્હોન્સનની નેતાગીરી સામે મોટો પડકાર ઉભો થાય તે શક્ય લાગતું નથી. બોરિસને ટક્કર આપી શકે તેવા ઉમેદવાર રિશિ સુનાક ખુદ પારોઠના પગલાં ભરવા પડે તેવી સ્થિતિમાં છે. આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવને વિજય અપાવી શકે તેવો મજબૂત ઉમેદવાર બોરિસ જ્હોન્સન સિવાય હાલ તો કોઈ જણાતો નથી. સામા પક્ષે લેબર નેતા કેર સ્ટાર્મરની સ્થિતિ મજબૂત બની છે પરંતુ, તેમણે પોતાની જ પાર્ટીમાં મજબૂત બનવાની જરૂર છે.


comments powered by Disqus