જાપાન-ઓસ્ટ્રેલિયાની ઐતિહાસિક લશ્કરી સંધિ

Wednesday 12th January 2022 05:27 EST
 

સમગ્ર વિશ્વમાં ચીનની લશ્કરી અને આર્થિક તાકાતને ખાળવા માટે નવી ધરીઓ રચાઈ રહી છે તેમાં જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવી પ્રાદેશિક અને વ્યૂહાત્મક લશ્કરી સંધિનો પણ સમાવેશ થયો છે. જાપાન-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઐતિહાસિક ‘રેસિપ્રોકલ એક્સેસ એગ્રીમેન્ટ (RAA)’ સંધિ ઈન્ડો-પાસિફિક વિસ્તારને સ્થિરતા અને સુરક્ષા બક્ષવામાં સહાયકારી નીવડશે તેમ બંને દેશના વડા પ્રધાનો સ્કોટ મોરિસન અને ફુમિયો કિશિદાનું માનવું છે. આ સંધિથી બંને દેશો વચ્ચે લશ્કરી કવાયતો-યુદ્ધાભ્યાસો, શસ્ત્રપુરવઠાના ઝડપી ટ્રાન્સપોર્ટેશન અને સૈન્ય ગોઠવણી શક્ય બનશે. ઓસ્ટ્રેલિયાએ સાત મહિના અગાઉ, અમેરિકા અને યુકે સાથે ત્રિકોણીય AUKUS સુરક્ષા ગઠબંધન રચ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ ઈન્ડો-પાસિફિક ક્ષેત્રમાં ચીનની નૌકાતાકાત સામે નવી સમતુલા ઉભી કરવાનો હતો.
દ્વિતીય વિશ્વ યુદ્ધમાં નાગાસાકી અને હીરોશિમા પર અણુહુમલા પછી કારમા પરાજયથી બેવડા વળી ગયેલા જાપાને આર્થિક સીમાડાઓ સર કરવાને મહત્ત્વ આપ્યું છે. યુદ્ધ પછી લશ્કરી તાકાતના ઉપયોગ પર બંધારણીય નિયંત્રણોની નીતિથી દૂર થઈ જાપાન આખરે લશ્કરી સંધિ તરફ વળ્યું છે. જાપાનનું આર્મી પણ સેલ્ફ-ડિફેન્સ આર્મી તરીકે જ ઓળખાય છે. જાપાન માટે આ પગલું અતિ મહત્ત્વનું ગણાવી શકાય કારણકે આ તેની બીજી લશ્કરી સંધિ છે. અગાઉ, ૧૯૬૦માં અમેરિકા સાથે જાપાને ભારે દબાણ હેઠળ લશ્કરી સમજૂતી કરી હતી.
જાપાનને ચીન અને રશિયા સાથે વિવાદો ચાલે છે. ઈસ્ટ ચાઈના સીમાં નિર્જન ટાપુઓ પર જાપાનના હકદાવાને ચીન ગણકારતું નથી. બીજી તરફ, કુરિલ ટાપુઓ પર બીજા વિશ્વ યુદ્ધ પછી સોવિયેત સંઘે કબજો જમાવી દીધો હતો તેના મુદ્દે રશિયા સાથે પણ વિવાદ છે. ચીન અને રશિયાની ધરીનો સામનો કરવાનો હોય ત્યારે ઓસ્ટ્રેલિયા જેવા પ્રાદેશિક સાથીનો સહકાર પણ મહત્ત્વનો બની રહે છે. આ ઉપરાંત, ચીનના પીઠ્ઠુ રહેલા ઉત્તર કોરિયાની લશ્કરી તાકાતને ધ્યાનમાં લેવી પડે તેમ છે.


comments powered by Disqus