ભારતના પાંચ રાજ્યોમાં ચૂંટણીની ચોપાટ

Wednesday 12th January 2022 05:25 EST
 

ભારતક્ષેત્રે ચૂંટણીક્ષેત્રે મામકા અને મામકા શું કરશે તેવો પ્રશ્ન ભારતની પ્રજા અત્યારે કરી રહી છે કારણકે ૧૦ ફેબ્રુઆરીથી પાંચ રાજ્યો- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી યોજવાની જાહેરાત કરી દેવાઈ છે. ચૂંટણીનો આરંભ ઉત્તર પ્રદેશમાં ૧૦ ફેબ્રુઆરીથી કરાશે અને ૧૦ માર્ચે તમામ રાજ્યોના મતદાનની ગણતરી સાથે પરિણામોની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીની ચોપાટમાં ૬૯૦ બેઠકો માટે ૧૮.૩૪ કરોડ (૧૮૩.૪ મિલિયન) મતદારો મતાધિકારનો ઉપયોગ કરી લોકપ્રિય સરકારની રચના કરશે.
આ પહેલા તો ચૂંટણીક્ષેત્રે મામકા અને મામકા (કારણકે બધા આપણા જ કૌરવો અને પાંડવો છે) વચ્ચે નવા ગઠબંધનોની ઘણી બાજીઓ ખેલાઈ જશે, આયારામ – ગયારામના ખેલ રચાશે, નાણાકોથળીઓ સાવધાન કરાશે. ચૂંટણીપંચે કોરોનાની સ્થિતિ વચ્ચે વર્ચ્યુઅલ રેલી મારફત જ ચૂંટણીપ્રચાર કરવા સહિતના નવા કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરાવવાની જાહેરાત કરી દીધી છે અને કેટલા અંશે તેનું પાલન કરાવી શકાશે તે યક્ષપ્રશ્ન છે. દરેક રાજ્યમાં ઉમેદવારોની પસંદગીમાં જાતિ અને જ્ઞાતિના સમીકરણો પણ ભાગ ભજવશે.
ભાજપ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં સત્તા જાળવવા તેમજ પંજાબમાં સત્તા હાંસલ કરવાની દોડમાં છે. સત્તાધારી પક્ષ માટે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિજય રાજ્યસભામાં બેઠકો સહિતના ઘણા સમીકરણો બદલી શકે છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનો દબદબો અવશ્ય છે પરંતુ, સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ અને એનસીપીના શરદ પવારે ગઠબંધનની જાહેરાત કરી છે ત્યારે જંગ રસપ્રદ બની જવાના સંકેત છે. કોરોના મિસમેનેજમેન્ટ, ખેડૂત આંદોલન અને લખીમપુર ખીરી હિંસાના મુદ્દાઓ ભાજપને નડતરરુપ બની શકે છે. ભાજપમાંથી કેટલાક વિધાયકોની બળવાખોરી પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. બસપના માયાવતી અને કોંગ્રેસ તો જાણે દોડમાં જ ન હોય તેવું ચિત્ર આજની પળે છે.
પંજાબમાં કોંગ્રેસ ફરી સત્તા હાંસલ કરવા તત્પર છે પરંતુ, કેપ્ટન અમરિન્દર સિંહના કોંગ્રેસત્યાગ અને ભાજપપ્રેમ થકી તેનો માર્ગ મુશ્કેલ અવશ્ય બની જશે. મુખ્ય પ્રધાન ચન્ની અને પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધુનો ગજગ્રાહ પણ કોંગ્રેસને નુકસાન કરાવશે તે નિશ્ચિત છે. ગોવાની સ્થિતિ અતિ વિશિષ્ટ અને પ્રવાહી ગણાવી શકાય કારણકે આયારામ-ગયારામનું વર્ચસ્વ વધુ છે. હાલ તો આ જો અને તોની પરિસ્થિતિ છે. મતપેટીમાંથી શું નીકળશે તે તો ૧૦ માર્ચે જ કહી શકાય કારણકે મતદારોનું મન હંમેશાં અકળ હોય છે.


comments powered by Disqus