કોરોના મહામારીથી બચવાનો પડકાર ઝીલતા ભારતના વેક્સિનેશન અભિયાને શુક્રવાર, ૭ જાન્યુઆરીએ ૧.૫ બિલિયન અર્થાત ૧૫૦ કરોડ વેક્સિન ડોઝ પૂરા પાડવાનો આંકડો પાર કરીને અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે આ મુકામ માત્ર ૧૧ મહિના અને ૨૩ દિવસમાં પાર પાડ્યો છે જે વાત નાની સૂની નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું જ કહ્યું છે કે દેશે કોરોના વેક્સિનના ૧૫૦ કરોડ ડોઝ આપીને ઈતિહાસ સર્જયો છે. ભારતની યશકલગીમાં નવું પીછું ઉમેરાયું છે.
દેશમાં અત્યાર સુધી ૯૧ ટકા વયસ્કોને કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવાયો છે જ્યારે ૬૬ ટકાને બંને ડોઝ આપી દેવાયા છે. વેક્સિન્સ ડોઝથી મળેલી ઈમ્યુનિટીની અસર ધીમે ધીમે ઘટતી હોવાથી હવે ફ્રન્ટલાઈન વર્કર્સ અને બીમાર વૃદ્ધોને બૂસ્ટર ડોઝ અથવા પ્રીકોશનરી ડોઝ આપવાની શરૂઆત ૧૦ જાન્યુઆરીથી કરી દેવાઈ છે. આ ઉપરાંત, ત્રીજી જાન્યુઆરીથી ૧૫-૧૮ વયજૂથના કિશોરોને પણ વેક્સિન અપાય છે. આમ, ત્રિપાંખિયા વ્યૂહનો યુદ્ધના ધોરણે અમલ કરી દેવાયો છે.
ભારતમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટે દેખા દીધી તે પછી વડા પ્રધાન મોદીએ પ્રથમ કોરોના સમીક્ષા બેઠકમાં સતત સ્વરૂપ બદલી રહેલા વાઈરસને નજરમાં રાખી ટેસ્ટિંગ, જિનોમ સિકવન્સિંગ અને વેક્સિનેશન પર ભાર મૂક્યો છે. બીજી તરફ, દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની આગામી ચૂંટણીઓના કારણે મહામારીને અંકુશમાં લેવાનો નવો પડકાર ઊભો થશે. જોકે, કોરોનાની ત્રીજી લહેર અને ઓમિક્રોનના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને જે આગોતરી તૈયારી કરાઈ છે તેનો લાભ હવે ચોક્કસ મળશે.
ભારતના ૧૫૦ કરોડ વેક્સિન ડોઝના વિક્રમની સાથે યુકેના ‘કાળા માઈલસ્ટોન’ તરીકે કોરોના મહામારીમાં અત્યાર સુધીના મૃતકોનો આંક ૧૫૦,૦૦૦ને વટાવી ગયો છે. બીજી તરફ, કોરોના અને ઓમિક્રોનનું સંક્રમણ વધતું જાય છે. જોકે, નિષ્ણાતોનું કહેવું માનીએ તો એક આશાનું કિરણ અવશ્ય છે કે કોરોના ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન સંક્રમણ ઝડપી હોવાં છતાં, જીવલેણ નથી.
આમ છતાં, લોકશાહી ટોળાંશાહી ન બને તેના તરફ ધ્યાન રાખવું આવશ્યક છે. અનેક આંદોલનો અને ઉત્સવોની વણઝાર તેમજ લોકડાઉન્સના ત્રાસમાંથી છૂટ્યાનો ઉન્માદ વાઈરસને વકરાવશે તેનું ધ્યાન અને સાવચેતી રાખવી ઘટે. લોકડાઉન જોઈતું નથી અને આર્થિક ગતિવિધિઓ ચાલુ રાખવી જરૂરી છે તેવાં સંજોગોમાં ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના કોરોના નિયમોનું પાલન કરવું આવશ્યક છે કારણકે ‘જાન હૈ તો જહાન હૈ’.
