ન્યૂયોર્કઃ આખું વિશ્વ કોરોનાની નાગચૂડમાં સપડાયું છે. ૧૦ જાન્યુઆરીની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં આખી દુનિયામાં નવા ૧૮. ૮૨ લાખથી વધુ એટલે કે ૧૮,૮૨,૨૫૯ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ૩૪૯૩ દર્દીઓ કોરોનાના ખપ્પરમાં હોમાયા છે. આખા જગતમાં એક્ટિવ કેસનો આંકડો ચિંતાજનક રીતે વધીને ૪..૨૯ કરોડને વટાવી ગયો છે. કુલ કેસની સંખ્યા ૩૦.૮૧ કરોડ થઈ છે. ૫૫. ૦૭ લાખ દર્દીઓનાં મોત થયાં છે. ૨૫.૯૬ કરોડથી વધુ લોકો સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં સૌથી વધુ ૩,૦૮,૬૧૬ કેસ નોંધાયા છે તે પછી ૨,૯૬, ૦૨૭ કેસ સાથે ફ્રાન્સ બીજા ક્રમે અને ૧.૮૦ લાખથી વધુ કેસ સાથે ભારત ત્રીજા નંબરે છે.
અમેરિકામાં ૧.૮૧ કરોડથી વધુ એક્ટિવ કેસ
૮ લાખથી વધુ મોત આખી દુનિયામાં એકલા અમેરિકામાં ટોચ પર છે. સમગ્ર જગતમાં એક્ટિવ કેસનો આંકડો ૪.૨૯ કરોડે પહોંચ્યો છે જેમાં એકલા અમેરિકામાં જ ૧.૮૧ કરોડથી વધુ કેસ છે. એક્ટિવ કેસવાળા દર્દીઓને હોસ્પિટલ કે ઘરમાં સારવાર અપાઈ રહી છે. અમેરિકામાં કુલ કેસનો આંકડો ૬. ૧૨ કરોડને પાર ગયો છે. કોરોનામાં ૮.૫૯ લાખથી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જે વિશ્વનાં કુલ મોતમાં ૧૫ ટકા છે.
ચીનમાં ઓમિક્રોનના કેસ વધ્યા
કેટલાંક શહેરોમાં કડક પ્રતિબંધો ચીનમાં થોડા અઠવાડિયા પછી બેઈજિંગ વિન્ટર ઓલિમ્પિક યોજાવાનું છે ત્યારે ઓમિક્રોનનાં કેસનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. પરિણામે સત્તાવાળાઓએ કેટલાક શહેરોમાં કડક પ્રતિબંધો લાદવાની ફરજ પડી છે. શિઆન શહેરમાં સતત ત્રીજા અઠવાડિયે ૧૩ મિલિયનથી વધુ લોકો ઘરમાં કેદ છે. ટિઆનજિન શહેરમાં પણ લોકો ઘરમાં પુરાયેલા છે. અન્યાંગ શહેરમાં સોમવારે બે અને ટિઆનજિનમાં ૨૧ કેસ મળી આવતા તંત્ર દોડતું થયું છે.

