લોસ એન્જલસઃ રંગભેદના અવરોધોને પાર પાડીને Lilies of the Field (લીલીઝ ઓફ ધ ફિલ્ડ) ફિલ્મમાં ઓસ્કારનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતનારા પ્રથમ અશ્વેત વિજેતા અને સિવિલ રાઈટ્સ મૂવમેન્ટ દરમિયાન લોકોને પ્રેરણા પૂરી પાડનારા સિડની પોઈટીયરનું ૯૪ વર્ષની વયે નિધન થયું હતું. બહામાના વિદેશ બાબતોના મંત્રાલયના કાર્યકારી ડિરેક્ટર જનરલ યુજીન ટોર્ચોન – ન્યૂરીએ તેની પુષ્ટિ કરી હતી.
પોઈટરે Lilies of the Fieldમાં રણમાં દેવળ બાંધવામાં જર્મન નન્સની મદદ કરતાં સહાયકનું પાત્ર ભજવ્યું હતું. પાંચ વર્ષ અગાઉ તેઓ The Defiant Ones માં મુખ્ય અભિનેતાની ભૂમિકા માટે ઓસ્કારમાં નોમિનેટ થનારા પ્રથમ અશ્વેત પુરુષ હતા. તેમનો જન્મ ૨૦ ફેબ્રુઆરી ૧૦૨૭ના રોજ મીયામીમાં થયો હતો. તેમનો ઉછેર બહામાઝમાં ટોમેટો ફાર્મમાં થયો હતો. તેમણે સ્કૂલમાં માત્ર એક વર્ષ અભ્યાસ કર્યો હતો. ૧૯૬૭માં અમેરિકામાં મોટાપાયે અલગતાવાદ હતો ત્યારે તે એક જ વર્ષમાં તેમણે ત્રણ ફિલ્મ કરી હતી.

