અધધધ રૂ. 480 કરોડનો પિંક સ્ટાર ડાયમંડ

Wednesday 12th October 2022 06:02 EDT
 
 

હોંગ કોંગ: મહાનગરના સોધબી’સ ઓક્શન હાઉસમાં પિંક સ્ટાર હીરાની વિક્રમજનક કિંમતે હરાજી થઈ છે. આ પિંક ડાયમંડના 57.7 લાખ ડોલર એટલે કે અંદાજે 480 કરોડ રૂપિયા ઉપજ્યા છે. ફ્લોરિડાના બોકા રેટોન શહેરના ધનવાને આ હીરો ખરીદ્યો એ પછી હીરાનું નામકરણ રોઝનબર્ગ વિલિયમ્સન પિંક સ્ટાર થયું છે. જો તમે આ હીરાનો કેરેટ દીઠ ભાવ મૂલવો તો 11.5 કેરેટના આ હીરાના પ્રતિ કેરેટ વિક્રમજનક 42 કરોડ રૂપિયા ઉપજ્યા છે.
હોંગ કોંગમાં 11.5 કેરેટ પિંક સ્ટાર હીરાની હરાજી થઈ હતી. ચાર ખરીદદારો વચ્ચે આ મૂલ્યવાન હીરો ખરીદવા સ્પર્ધા થઈ હતી. બે લોકો હોંગ કોંગના ઓક્શન હાઉસમાં હાજર હતા અને બે ખરીદદારો ફોનથી બોલી લગાવી રહ્ય હતા. આખરે 57.7 લાખ યુએસ ડોલર એટલે કે અંદાજે 480 કરોડમાં સોદો થયો હતો. ફ્લોરિડાના બોકા રેટોન શહેરના ખરીદદારે મૂલ્યવાન પિંક સ્ટાર હીરો મેળવ્યો હતો એ પછી તેનું નામકરણ રોઝનબર્ગ વિલિયમ્સન થયું હતું.
હીરાની હરાજીનું ઓક્શન હાઉસની વેબસાઈટમાં લાઈવ પ્રસારણ થયું હતું. શરૂઆતમાં 140 લાખ હોંગ કોંગ ડોલરનો ભાવ બોલાયો હતો. એટલે કે લગભગ 147 કરોડ રૂપિયામાં બોલી શરૂ થઈ હતી. એ પછી એક ખરીદદારે તેનો ભાવ 174 કરોડ રૂપિયા બોલ્યો હતો. લાંબા વિરામ બાદ ફરીથી 200 લાખ હોંગ કોંગ ડોલરથી બોલી શરૂ થઈ હતી. એટલે કે ત્રીજા ખરીદદારે 210 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ત્યારબાદ હરાજીમાંથી એક ખરીદદાર બહાર થઈ ગયો હતો. આ પછી ત્રણ ખરીદદારો વચ્ચે સ્પર્ધા જામી હતી.
ત્રણ પૈકી એક ખરીદદારે 300 લાખ હોંગ કોંગ ડોલર એટલે કે અંદાજે 315 કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી. અંતે 392 લાખ હોંગ કોંગ ડોલર એટલે કે અંદાજે 50 લાખ યુએસ ડોલર યાને અંદાજે 413 કરોડ રૂપિયામાં હીરાની હરાજી બંધ રહી હતી. બધું મળીને ખરીદનારને હીરો 57.7 લાખ ડોલર એટલે કે 480 કરોડ રૂપિયામાં પડયો હતો. આમ એક કેરેટ દીઠ 42 કરોડ રૂપિયા ઉપજ્યા છે. અગાઉ પિંક સ્ટાર હીરા માટે એક કેરેટનો સૌથી ઊંચો ભાવ 21 કરોડ રૂપિયા હતો, જે 2018માં નોંધાયો હતો.
‘હીરો નહીં, પણ કળાકૃતિ’
ઓક્શન હાઉસના જ્વેલરી વિભાગના વડા વેંન્હાઉ યુએ કહ્યું હતું કે લંબગોળાકાર આ પિંક હીરો શ્રેષ્ઠ ગુણવત્તાનો છે. એ માત્ર એક હીરો નથી, પરંતુ તેને કળાકૃતિ કહીએ તો વધારે યોગ્ય રહેશે. પિંક સ્ટાર હીરાનું નામ વિલિયમ્સન હતું.
આ હીરો તાન્ઝાનિયાની વિલિયમ્સન ખાણમાંથી મળ્યો હોવાથી તેનું નામ એના પરથી રાખવામાં આવ્યું હતું.’ ઉલ્લેખનીય છે કે વિલિયમ્સન ખાણ દુનિયાની સૌથી જૂની હીરાની ખાણ પૈકીની એક છે. એ ખાણમાંથી જ સૌથી મોંઘો 23.6 કેરેટનો પિંક હીરો મળ્યો હતો, જેની માલિકી રાણી એલિઝાબેથ ધરાવતા હતાં. બોલી પૂરી થયા બાદ ખરીદનારા ધનપતિના કહેવાથી એ હીરાના નામમાં રોઝનબર્ગ શબ્દ ઉમેરવામાં આવ્યો હતો.


comments powered by Disqus