આંતરરાષ્ટ્રીય સંબંધોમાં દોસ્તી ક્યારે દુશ્મનીમાં બદલાઈ જાય અથવા તેનાથી વિપરીત થઈ જાય તેની આગાહી કોઈ કરી શકતું નથી. ભારત-અમેરિકા, અમેરિકા-પાકિસ્તાન, ચીન-ભારત, રશિયા- ભારતના સંબંધોનો ઉલ્લેખ આ દિશામાં કરી શકાય તેમ છે. તાજેતરમાં અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે નવો સંવનનરાગ છેડાઈ રહ્યો છે. જો બાઈડન સરકારે પાકિસ્તાનના એરફોર્સના એફ-16 લડાયક વિમાનોના કાફલાના નિભાવ અને સમારકામ પેકેજ તરીકે 450 મિલિયન ડોલરના મૂલ્યના ઉપકરણોના વેચાણને મંજૂરી આપવા સાથે બંને દેશ વચ્ચે નવા સમીકરણો રચાઈ રહ્યાં હોવાનું મનાય છે.
એમ કહી શકાય કે રશિયા સાથે ભારતના લશ્કરી સંબંધો અને મિસાઈલ સિસ્ટમ ખરીદવાના ભારતના નિર્ણયની સામે અમેરિકાએ પાકિસ્તાનને પડખે લેવાની સોગઠી મારી હોવાનું વધુ સંભવ છે કારણકે નવી દિલ્હી અને વોશિંગ્ટનના સંબંધોમાં ફાચર પાડી શકે તેવો રાજકીય કે રણનૈતિક પ્રભાવ પાકિસ્તાન પાસે રહ્યો નથી. અન્ય કોઈ સંજોગો કે યુગમાં અમેરિકા દ્વારા પાકિસ્તાનને શસ્ત્રોનું વેચાણ કરાય તેની પ્રત્યક્ષ અને તત્કાળ અસર ભારત- અમેરિકી સંબંધો પર પડી હોત પરંતુ, ભારતે આ વખતે વિશેષ વિરોધ નોંધાવ્યો નથી તેનો ઉલ્લેખ કરવો ઘટે.
આમ છતાં, ભારતીય વિદેશપ્રધાન જયશંકરે પશ્ચિમના દેશો પર નિશાન સાધી જ લીધું છે. પશ્ચિમના દેશો ભારતને શસ્ત્રો આપતા ન હતા ત્યારથી રશિયા સાથે શસ્ત્રોની ખરીદીનો સંબંધ છે તેવી સ્પષ્ટતા સાથે અમેરિકી પગલાની ખાસ અસર ઉપજે તેમ નથી તે જણાવી દીધું છે. યુક્રેન સાથે યુદ્ધના પગલે પ્રતિબંધો લદાયા તે પહેલા રશિયાએ પણ પાકિસ્તાન સાથે સંવનન આરંભ્યું હતું અને તેને શસ્ત્રો વેચવાની પેરવી કરી હતી. જોકે, તેણે ભારતના વિરોધના પગલે પીછેહઠ કરી તે અલગ વાત છે કારણકે ભારત જેવું મોટું ખરીદાર ગુમાવવાનું તેને પાલવે તેમ નથી.
થોડા સમય પહેલા યુએનમાં ચીન વિરુદ્ધ મતદાનમાં ગેરહાજર રહી ભારતે વિશ્વને ચોંકાવી દીધુ હતું. ચીન દ્વારા ઉઈઘૂર મુસ્લિમો પર અત્યાચાર કરાય છે તે હકીકત છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ઉઈઘુર મુસ્લિમો મુદ્દે ચર્ચા ઉઠાવી ચીનને ઘેરવાના અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રયાસોને ભારે ફટકો પડયો હતો. ચીન સાથે સરહદી વિવાદો છતાં, તેના વિરુદ્ધ અમેરિકી પ્રસ્તાવ પરના મતદાનમાં ગેરહાજર રહી ભારતે ચીનને પરોક્ષ રીતે મદદ કરી છે. થોડા સમય પહેલા જ પાકિસ્તાની આતંકવાદીને છાવરવા ચીને વીટો વાપર્યો હોવાં છતાં ભારતનું આ પગલું આશ્ચર્યકારી જણાયું છે. જોકે, ભારતની સ્પષ્ટતા પણ વિચારણીય છે કે માનવાધિકાર સમિતિમાં કોઈ એક દેશ વિરુદ્ધ મતદાન નહિ કરવાની તેની નીતિ આજની નથી.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સંબંધિત અનેક પ્રસ્તાવોમાં ભારતે કદી રશિયા વિરુદ્ધ પગલું ભર્યું નથી. સામા પક્ષે રશિયાએ પણ ભારતને અદ્યતન શસ્ત્રો અને ટેકનોલોજી વેચવામાં કોઈના દબાણની પરવા કરી નથી. આમ છતાં, યુદ્ધથી કોઈનું ભલું થતું નથી તેવી સ્પષ્ટ સલાહ પ્રેસિડેન્ટ પુટિનને આપવામાં વડા પ્રધાન મોદીએ પારોઠના પગલાં ભર્યા નથી. આ મુદ્દે ચીનના પ્રમુખ જિનપિંગે પણ આવી જ સલાહ આપી હતી. આંતરરાષ્ટ્રીય સંબંધોની સોગઠી સામા પક્ષનું નાક દબાવવા માટે જ રમાતી હોય છે પરંતુ, ઘણી વખત આવા કાવાદાવા ઊંધા પણ પડી જતા હોય છે.
