આફ્રિકા, ભારત અને યુ.કે.માં મહિલા સશક્તિકરણના હિમાયતી ઊર્મિલાબહેન ઠક્કર

- જ્યોત્સના શાહ, ઘર દીવડાં Wednesday 12th October 2022 06:40 EDT
 
 

ગુજરાતી સમાજ અને લોહાણા સમાજમાં ભાગ્યે જ કોઇ ઊર્મિલાબહેન ઠક્કરના નામથી અજાણ હોય! સોળ-સોળ વર્ષ સુધી સનરાઇઝ રેડિયો પરના ગુજરાતી કાર્યક્રમ પ્રસારણમાં જેમનો સૂરીલો અવાજ આપણે બધાંએ સાંભળ્યો હોય એ સદાય આપણ કાનમાં ગૂંજ્યા જ કરવાનો. કમ્પાલા, યુગાન્ડાની રસાળ, હરિયાળી, પહાડી સૌંદર્યથી ભરપૂર ધરા પર એમનો જન્મ થયો. એમના પિતા દોલતરાય દેસાઇ MBE એ જમાનાની આર. ઓ. હેમીલ્ટન કંપનીમાં મેનેજરની ફરજ બજાવતા હતા. તેઓ આર્યા ગર્લ્સ સ્કુલ, હિન્દુ સ્મશાન, યુગાન્ડા પ્રીઝન વગેરેમાં વિવિધ સેવાઓ સાદર કરતા. પરિશ્રમી અને સેવાભાવી સ્વભાવને કારણે સમાજમાં લોકપ્રિયતા મેળવેલ. ત્યાંની ડી.પી. પોલીટીકલ પાર્ટીમાં પણ સભ્ય હતા. એથી સમાજસેવાનો ગુણ ઊર્મિલાબહેનને વારસામાં મળેલ. ત્રણ બહેનો અને બે ભાઇઓમાં ઊર્મિલાબહેનનો ત્રીજો નંબર.
તેમણે પ્રાથમિક શિક્ષણ આર્ય સમાજમાં અને માધ્યમિક શિક્ષણ કોલો સ્કુલમાં મેળવ્યું. સ્કુલમાં હતાં ત્યારથી જ રમત-ગમત અને ગરબા-રાસ-નાટક, દિવાળીમાં રંગોળી હરિફાઇ વગેરેમાં ભાગ લેતાં. બેડમિંગ્ટન ચેમ્પીયન હતાં. બરોડાની એમ.એસ.યુનિવર્સિટીમાં B.A.નો અભ્યાસ કરવા ગયાં પરંતુ ભણતર અધૂરૂં છોડી લંડન આવ્યા અને C. A.નો અભ્યાસ કરતા નરેન્દ્રભાઇ ઠકરાર સાથે લગ્નગ્રંથીથી જોડાયાં. લંડનની કેમડન યુનિવર્સિટીમાંથી કંપની સેક્રેટરીનો કોર્સ કરી નોકરીમાં જોડાયાં. પણ કલાજીવ એટલે એ વખતે મંદિર રેસ્ટોરંટવાળા શ્રી રમેશભાઇ પટેલ (હાલ સ્વ.) સાથે પરિચય થતાં તેમની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યાં. ગાવાનો શોખ રમેશભાઇના ત્યાં યોજાતી પાર્ટીઓમાં પૂરો થતો. લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં ય રાસ-ગરબા કરવાનો અણમોલ લ્હાવો એમને મળેલ. ત્રણેક વર્ષ લંડનમાં રહ્યા બાદ નરેન્દ્રભાઇનો અભ્યાસ પૂરો થતાં કંપાલા- યુગાન્ડા પરત ગયા. નરેન્દ્રભાઇના પિતાશ્રી પણ ભારે સેવાભાવી. કંપાલાના સનાતન મંદિરનું ઉદ્ઘાટન એમના હસ્તે થયું હતું. કમ્પાલામાં ઇન્ડીયન વુમન એસોસિએશનમાં દર અઠવાડિયે ઊર્મિલાબહેન બહેનોને ગરબા શીખવતાં. યુગાન્ડા એશિયન પ્રોગ્રામમાં અઠવાડિયામાં બે વખત એશિયન પ્રોગ્રામ પ્રસારિત કરતાં. રોટરી ક્લબ તેમજ લોહાણા મહાજનમાં ય અનુદાન આપતાં. કલા નિકેતનમાં ય છોકરા-છોકરીઓને રાસ-ગરબા માટે તૈયાર કરતાં.
૧૯૭૨માં ઇદી અમીનની હકાલપટ્ટી બાદ ચાર બાળકો સાથે ઊર્મિલાબહેન લંડન આવ્યાં. જીંદગીના એ કપરાં દિવસો હતાં. આઠ મહિના બાદ તેમના પતિએ ભારત સેટલ થવાનો નિર્ણય લીધો. તેથી ૧૯૭૩માં તેઓ બેંગ્લોર જતા રહ્યાં. બેંગ્લોરમાં તેમની મુલાકાત થોડા આફ્રિકાથી આવેલ બહેનો સાથે થઇ અને કંઇક પ્રવૃત્તિ ચાલુ કરવાના ઇરાદે એક મહિલા મંડળ સ્થાપવાની ચર્ચા થઇ. મોમ્બસાના સ્વ.શ્રી સવિતાબહેન નથવાણીના સૂચનથી અને સૌની સહમતિથી એને "પ્રગતિ મહિલા મંડળ" નામ અપાયું. જેના પ્રથમ મહિલા પ્રમુખ શ્રીમતી વાસંતીબહેન ભાટીયા બન્યાં. જેમના હાથ નીચે વિવિધ કૌશલ્ય ધરાવતી બહેનોની કમિટી બની. જેમાં મેળો, રાસ-ગરબા હરિફાઇ, કુકરી ડેમોસ્ટ્રેશન, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે પ્રવૃત્તિઓ થતી. ખાસ કરીને નવરાત્રી વખતે તો કમિટીની બહેનો જ ગરબા ગાતી. જેમાં ઊર્મિલાબહેન, વિમુબહેન, મંજુલાબહેન અને પલ્લુબહેન વગેરે ગરબા-રાસ ગવડાવતાં. કુકરી ડેમોસ્ટ્રેશનમાં નીલમબહેન વડેરા રહેતા. આમ ઊર્મિલાબહેનની આગેવાની હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાતાં. ઓલ ઇન્ડીયા રેડિયો પર પણ ઊર્મિલાબહેનને ગાવાનો મોકો મળ્યો હતો. દસ વર્ષ સુધી પ્રગતિ મંડળની પ્રગતિ આંખે ઉડીને વળગે તેવી રહી હતી.
દસેક વર્ષ બેંગ્લોર રહ્યા બાદ ઊર્મિલાબહેન એમના બાળકોના શિક્ષણ માટે લંડન પરત આવ્યાં. ૧૯૮૩માં લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) માં જોડાયાં. જેમાં ત્રણ દાયકા સુધી વિવિધ હાદ્દાએથી તેઓ સેવા આપી રહ્યાં છે. અત્રે પણ ગાવામાં તેઓ અવ્વલ રહ્યાં. ભારતમાં તેમણે સેમી ક્લાસીકલ મ્યુઝીકની તાલીમ લીધી હોવાથી લગ્નગીતોનો પ્રથમ પ્રયાસ કર્યો. આ ઉપરાંત નવરાત્રીના ગરબા, મહેફિલ તથા ફિલ્મી સંગીતના કાર્યક્રમો પણ કરતાં. લોહાણા મહાજનની મુખ્ય સંસ્થા LCUKમાં ય સક્રિય ભાગ લેતાં. જેમાં વિવિધ હોદ્દેથી સેવા સાદર કરી છે. હાલ તેઓ LCUKના ટ્રસ્ટી છે.
મહિલા સશક્તિકરણમાં માનતા હોવાને કારણે ૧૯૯૫માં પ્રગતિ મહિલા મંડળની સ્થાપના કરી. જેના પાંચ વર્ષ સુધી પ્રમુખપદે રહ્યાં અને ટ્રસ્ટીપદ પણ શોભાવ્યું. . આ મંડળ પણ ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. જેમાં સ્વ.કમુબહેન કારીયા, સ્વ.પુષ્પાબહેન પત્તાણીનો તેમને ખૂબ જ સાથ રહ્યો. ત્યારબાદ LCNLમહિલા મંડળની સ્થાપના કરી. જેના ફાઉન્ડર ચેરપર્સન બન્યાં. ૨૨ વર્ષથી આ મંડળ પણ સારી રીતે ચાલી રહ્યું છે. એમની ગાથા આટલેથી અટકતી નથી! વડિલ મહિલાઓ માટે હેરોમાં "એશિયન એલ્ડરલી ગૃપ"ની સ્થાપના કરી. છેલ્લા પંદર વર્ષથી આ સંસ્થા ચાલે છે. જેના તેઓ ચેરપર્સન છે.
LCNLની વડિલ બહેનો માટેનું સીનીયર લેડીઝ સેન્ટર કોકિબહેન વસાણીએ શરૂ કર્યું. ૧૫ વર્ષ બાદ એનું સૂકાન ૧૧ વર્ષથી ઊર્મિલાબહેન સભાળી રહ્યાં છે.
આ ઉપરાંત ઇન્ટરનેશનલ જાયન્ટ્સ ગૃપ, કેન્ટન લાયન્સ ક્લબ, મિલાપ મંડળ, યુ.કે.એશિયન વુમનની કમિટીમાં રહી સેવાઓ આપેલ છે. જીવનભર સેવામાં સતત-સખત કાર્યરત રહી લોકોના દિલ જીતવામાં સફળ રહ્યાં છે. એમની સામાજિક સેવાઓનૌ કદર રૂપે ૨૦૧૧માં બ્રિટનના મહારાણીએ MBE એવોર્ડથી સન્માન્યાં છે. “ગુજરાત સમાચાર" તરફથી "સંસ્કાર ગરિમા" એવોર્ડ, બારનેટ તરફથી બારનેટ સીવીક એવોર્ડ ઉપરાંત લોહાણા મહાજન અને લોહાણા સાઉથ લંડને એમનું સન્માન કરી બિરદાવ્યાં છે. હજી પણ તેમની અવિરત સેવામાં ઓટ આવી નથી! એમનામાં રહેલ શક્તિ સ્વરૂપાને વંદન.


comments powered by Disqus