લંડન: બ્રિટનના કાતિલ શિયાળાના કારણે ઘણા લોકો આ સમયગાળામાં ભારતની મુલાકાતે જઇ પરિવારો અને મિત્રોને મળવા, લગ્ન સમારોહોમાં હાજરી આપવા અને સાથે વેકેશન માણવા ઇચ્છતા હોય છે. પરંતુ આ વખતે એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ ન હોવાના કારણે વિઝા મળવામાં થઇ રહેલા વિલંબને લીધે ઘણા બ્રિટિશ ભારતીયો માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઇ છે. ભારતીય હાઇ કમિશન દ્વારા સ્થિતિ હળવી બનાવવાના પ્રયાસો છતાં ભારતની મુલાકાતે જવા ઇચ્છતા ઘણા માટે હવે મોડું થઇ ચૂક્યું છે.
બ્રિટિશ સરકારના આંકડા પ્રમાણે 2019માં 10 લાખ કરતાં વધુ બ્રિટિશ નાગરિકોએ ભારતની મુલાકાત લીધી હતી. કોરોના મહામારી પહેલાં ભારતની મુલાકાતમાં કોઇ અવરોધો આવતાં નહોતાં.
બીજીતરફ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા આવી રહેલા અથવા તો અભ્યાસ પૂરો કરીને પરિણામોની રાહ જો રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સસ્તા ભાડાના મકાન ન મળવા, વીજળી અને ઇંધણોની વધી રહેલી કિંમતો તેમજ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ સહિતની અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. આ બધી સમસ્યાઓ તેમના બજેટ પર અસર કરી રહી છે.
બીબીસીના એક અહેવાલ પ્રમાણે ગ્લાસગો યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થઈઓને હાઉસિંગ ક્રાઇસિસના પગલે તાત્કાલિક હોટલોમાં રહેવાની ફરજ પાડવામાં આવી છે. ઓછામાં ઓછા 70 વિદ્યાર્થીઓએ રહેવાની વ્યવસ્થા માટે મદદ માગી છે પરંતુ તેમની સંખ્યા આના કરતાં વધુ પણ હોઇ શકે છે. 49 વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેમની પાસે અત્યારે રહેવાની કોઇ જગ્યા નથી. 25 વિદ્યાર્થીને તો સોફા પર સૂવાની ફરજ પડી રહી છે. ગ્લાસગો યુનિવર્સિટીના અન્ય 24 વિદ્યાર્થી હોસ્ટેલ, હોટેલ, ટેમ્પરરી સ્પેર રૂમમાં રહેવા મજબૂર બન્યાં છે. વિદ્યાર્થીઓએ હવે સંસ્થા સામે રહેવાની જગ્યા ઉપલબ્ધ ન કરાવવા માટે વિધિવત ફરિયાદ કરી છે. યુનિવર્સિટીએ તેમને જણાવ્યું છે કે જો તેમને રહેવા માટે કોઇ જગ્યા ન મળતી હોય તો અભ્યાસ મુલતવી રાખે અથવા તો એડમિશન કેન્સલ કરાવી દે.
ગુજરાત સમાચારને આપેલા એક નિવેદનમાં વીએફએસ ગ્લોબલે સ્પષ્ટતા કરી છે કે વીએફએસ ગ્લોબલ વિવિધ સરકારો માટે વિઝા અરજીઓને સંબંધિત નોન જજમેન્ટલ અને એડમિનિસ્ટ્રેટિવ કામગીરી કરે છે જેથી તેઓ મહત્વના એસેસમેન્ટ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. કંપની દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સ દ્વારા અપાતા નિર્દેશો પર કામ કરે છે. વિઝા એપોઇન્ટમેન્ટ અને તેની સમયમર્યાદાના નિર્ણયો જે તે સરકારનો અધિકાર છે.
જ્યારે આ અંગે રજૂઆત કરવામાં આવી ત્યારે ભારતીય હાઇ કમિશનના સૂત્રે જણાવ્યું હતું કે, અમે વિઝા એપોઇન્ટમેન્ટ સિસ્ટમ સુધારવાના પ્રયાસ કરી રહ્યાં છીએ જેથી વધી રહેલી માગને પહોંચી શકાય.
ભારત સરકારે બ્રિટિશ સરકાર તરફથી સમાન પ્રતિભાવ ન મળતાં બ્રિટિશ પ્રવાસીઓ માટે ઇ-વિઝાની સુવિધા બંધ કરી દીધી છે. બંને દેશ વચ્ચેના સંબંધો સુધારવા કરાયેલી માગો પૂરી કરવામાં થઇ રહેલો વિલંબ પણ કારણભૂત છે. વિઝા એપોઇન્ટમેન્ટ ન મળી શકવાના કારણે ઘણા બ્રિટિશ ભારતીયોએ આગામી 3 મહિનામાં ભારતની મુલાકાતની તેમની યોજનાઓ પડતી મૂકી છે.
સેરેનડિપિટી પીઆર એન્ડ મીડિયાના સ્થાપક સંગીતા વોલ્ડ્રોન મુંબઇ ખાતે આયોજિત તેમના પુસ્તકના વિમોચનમાં હાજર રહી શકશે નહીં. ગુજરાત સમાચારા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, નવા વિઝા અરજીના નિયમો અને વિઝા જારી કરવામાં થઇ રહેલા વિલંબને કારણે મને સમયસર વિઝા મળશે નહીં. મારે મુંબઇમાં મારા જ પુસ્તકના વિમોચનમાં હાજરી આપવાની છે જે નવેમ્બરમાં ભારતીય બજારમાં પ્રકાશિત થશે.
(વિશેષ અહેવાલ – હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન જ ઇમિગ્રન્ટોના માર્ગમાં રોડાં અટકાવી રહ્યાં છે – પાન – 04)
બિનઅધિકૃત એજન્ટો સામે અમે તપાસ કરી રહ્યાાં છીએઃ ભારતીય હાઇ કમિશન
જોકે બ્રિટન ખાતેના ભારતીય હાઇ કમિશને આ આરોપોને નકારી કાઢ્યાં છે. હાઇ કમિશને જણાવ્યું હતું કે બ્રિટિશ પાસપોર્ટધારકોએ વિઝા અરજી માટે વીએફએસ સેન્ટર ખાતે પર્સનલ હાજરી આપવી પડે છે. વિઝા અરજી માટેની પ્રક્રિયામાં કોઇ બદલાવ કરાયો નથી. અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક બિનઅધિકૃત એજન્ટો ગેરકાયદેસર રીતે વિઝા ફી ઉઘરાવીને વીએફએસ સેન્ટર ખાતે અરજી કરવા અરજદારો પાસેથી અરજીઓ એકઠી કરી રહ્યાં છે. તેઓ અરજદારોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. બ્રિટનમાં ભારતના વિઝા માટે વીએફએસ ગ્લોબલ સર્વિસને જ નિયુક્ત કરાઇ છે. ભારતીય હાઇ કમિશને જણાવ્યું હતું કે, અમે ભારતના પ્રવાસે જવા ઇચ્છતા લોકો માટે વિઝા પ્રક્રિયા માટે ગેરકાયદેસર ફી ઉઘરાવતા બિનઅધિકૃત એજન્ટોના અહેવાલોની અમે તપાસ કરી રહ્યાં છીએ. અમે વિઝા પ્રક્રિયાને સરળ બનાવવાના પ્રયાસ કરી રહ્યાં છીએ.

