વિશ્વમાં મંદી છવાઈ જવાના ભણકારા

Wednesday 12th October 2022 09:06 EDT
 

સમગ્ર વિશ્વના મુખ્ય અર્થતંત્રો મંદી તરફ ઘસડાઈ રહ્યા હોવાની ચેતવણી ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) અને વર્લ્ડ બેન્ક દ્વારા અપાઈ છે. IMF નો દાવો છે કે વિશ્વના દેશોની કેન્દ્રીય બેન્કો મોંઘવારીને નિયંત્રણ હેઠળ લાવવા વ્યાજદરોમાં વધારો કરી રહી છે પરંતુ, તેનાથી ફૂગાવો વધી રહ્યો છે, વૃદ્ધિ મંદ પડી છે અને બેરોજગારી વધી રહી છે જે, આર્થિક મંદીનું કારણ બની શકે છે. IMFના વડા ક્રિસ્ટાલીના જ્યોર્જિવાએ વર્ષ 2026 સુધીમાં વૈશ્વિક અર્થતંત્રના વિકાસમાં 4000 બિલિયન ડોલરનો ઘટાડો થવાની આશંકા અને ચિંતા વ્યક્ત કરી હતી. IMF દ્વારા વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકમાં રશિયા-યુક્રેન યુદ્ધ, વિશ્વમાં કથળેલી નાણાકીય હાલત, દાયકાઓમાં સૌથી ઊંચા ફૂગાવા, ચીનમાં મંદીના માહોલ અને કોરોના મહામારીની વિપરીત પશ્ચાદવર્તી અસર સમગ્ર વિશ્વને થવાની આશંકા દર્શાવાઈ છે.
બ્રિટનના આર્થિક વિકાસને આગામી વર્ષે બ્રેક લાગી જશે તેવી ચેતવણી મધ્યે નાણાસંસ્થાએ યુકેના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના અંદાજને ઘટાડી 0.3 ટકા કરી નાખ્યો છે જે અગાઉ 1.2 ટકાનો હતો. ઉલ્લેખનીય છે કે લિઝ ટ્રસ સરકારે ટેક્સમાં જંગી કાપની યોજનાઓ જાહેર કરી ત્યારે પણ આંતરરાષ્ટ્રીય નાણાસંસ્થાએ દેવામાં જંગી વધારાના કારણે કિંમતો અને ફૂગાવો વધી જવાની ચેતવણી આપી હતી. ભારે દબાણો હેઠળ ચાન્સેલર ક્વારટેંગે 45 બિલિયન પાઉન્ડના ટેક્સકાપ મુદ્દે ગંભીરતાથી ફેરવિચારણા કરવાની ફરજ પડી છે.
અમેરિકાનું અર્થતંત્ર આ વર્ષે 1.6 ટકાના દરે વૃદ્ધિ પામશે પરંતુ, આગામી વર્ષે ઘટીને વૃદ્ધિદર 1 ટકાનો થઈ જશે. યુરો એરિયામાં આ વર્ષે 3.1 ટકાની વૃદ્ધિની સામે આગામી વર્ષનો અંદાજ 0.5 ટકાનો મૂકાયો છે. જ્યારે ચીનમાં આ વર્ષે3.2 ટકા અને આગામી વર્ષે 4.4 ટકાનો વૃદ્ધિદર મૂકાયો છે. ભારતનો દેખાવ 2022માં પ્રમાણમાં સારો રહ્યો છે અને 2023માં પણ તેના અર્થતંત્રને ખાસ વાંધો નહિ આવે તેમ  IMF અને વિશ્વ બેન્કનું માનવું છે.
વર્લ્ડ બેન્કે 2023ના નાણાકીય વર્ષ માટે ભારતના વિકાસદરનો અંદાજ ઘટાડી 6.5 ટકાનો કર્યો છે. અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ મજબૂત હોવાં છતાં આંતરરાષ્ટ્રીય સ્થિતિને કારણે વૃદ્ધિદર ઘવાની ચિંતા છે. વર્લ્ડ બેન્કે સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ જાહેર કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારત વિશ્વના અન્ય ભાગોની સરખામણીમાં મજબૂત બની રહ્યું છે. કોરોના મહામારીમાંથી ઉભર્યા બાદ ભારતીય અર્થતંત્રમાં તેજીથી ઉછાળો આવ્યો છે. ભારત ઉપર કોઇ મોટું વિદેશી દેવું નથી. ભારતીય અર્થતંત્રે ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં તથા સર્વિસ એક્સપોર્ટમાં સારો દેખાવ કર્યો હોવાં છતાં,ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડાયો છે કારણકે ભારત તથા અન્ય તમામ દેશો માટે આંતરરાષ્ટ્રીય માહોલ બગડી રહ્યો છે.
ભારત માટે મુશ્કેલ ગણી શકાય તેવી સ્થિતિ એ સર્જાઈ છે કે ભારતની ફોરેન કરન્સી સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારતની વિદેશી હુંડિયામણ અનામતોમાં 4.854 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. અને ફોરેન એક્સચેન્જ રીઝર્વ જુલાઈ 2020 પછી સૌથી નીચલા સ્તરે પહોંચી 532.66 બિલિયન ડોલરની થઈ છે. આમ સતત નવ સપ્તાહથી તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જે ચિંતાનો વિષય ગણાવી શકાય.


comments powered by Disqus