લંડન: બોલિવૂડના શહેનશાહ અને મહાન અભિનેતા અમિતાભ બચ્ચન 11મી ઓક્ટોબરે 80 વર્ષના થયા. તેમના સન્માનમાં ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા બીગ બીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી જે એક પ્રકારનો ફિલ્મ ફેસ્ટિવલ બની રહી હતી. બચ્ચન બેક ટુ ધ બિગિનિંગ ટાઇટલ સાથે આ ફેસ્ટિવલનું આયોજન 17 શહેરોના 22 થિયેટરમાં કરાયું હતું. આ ઇવેન્ટનું આયોજન ભારતમાં અગ્રણી મલ્ટીપ્લેક્સ ચેઇન ગણાતી પીવીઆર સાથે મળીને કરાયું હતું.
8મી ઓક્ટોબરથી શરૂ થયેલો આ ફિલ્મ ફેસ્ટિવલ 11મી ઓક્ટોબરે અમિતાભ બચ્ચનના જન્મદિવસે સમાપ્ત થયો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની લેન્ડમાર્ક ગણાતી ફિલ્મો જેવી કે કભી કભી, ચૂપકે ચૂપકે, ડોન, દીવાર, અભિમાન, સત્તે પે સત્તા વગેરે પ્રદર્શિત કરાઇ હતી. ફેસ્ટિવલમાં મેગા સ્ટારના જીવન અને કારકિર્દીને વર્ણવતી બિહાન્ડ ધ સીન તસવીરો પણ રજૂ કરાઇ હતી.
પ્રેક્ષકોએ ફિલ્મ ઇતિહાસકાર એસએમએમ ઔસૈયા દ્વારા સંગ્રહિત કરાયેલી 50 તસવીરોના પ્રદર્શનનો લાભ મેળવ્યો હતો. આ આયોજનથી પ્રભાવિત થયેલા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મને આશા નહોતી કે મારા જીવનમાં હું મારી પ્રારંભિક ફિલ્મો આ રીતે પ્રદર્શિત થતાં જોઇ શકીશ. મને આશા છે કે મોટા પરદા પર ભારતીય સિનેમાની લેન્ડમાર્ક ફિલ્મો પ્રદર્શિત કરતાં ફેસ્ટિવલોનો આ પ્રારંભ છે.
બીગ બીનું લંડન કનેક્શન
અમિતાભ બચ્ચનનું લંડન કનેક્શન ઘણું જૂનું છે. તેઓ પહેલા એશિયન અભિનેતા હતા જેમનું મીણનું પૂતળું લંડન સ્થિત મેડમ તુસાડ્સ ખાતે પ્રદર્શિત કરાયું હતું. રસપ્રદ વાત એ છે કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને લંડનના પ્રવાસે આવતા અટકાવવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનની ઝંઝીર ફિલ્મ સુપર હીટ થયા બાદ બંનેએ લંડનમાં વેકેશન માણવાનો નિર્ણય કર્યો હતો. આ ફિલ્મના સેટ પર જ બંને પ્રેમમાં પડ્યાં હતાં. પરંતુ જ્યારે બંનેએ તેમના પરિવાર પાસે પરવાનગી માગી ત્યારે અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચને સુપરસ્ટારને સવાલ કર્યો હતો કે શું જયા પણ તારી સાથે જાય છે.. અમિતાભે હા કહેતાં હરિવંશરાયે જણાવ્યું હતું કે, જો તમે બંને સાથે વેકેશન માણવા જવા ઇચ્છો છો તો પહેલાં લગ્ન કરી લો.
માતાપિતાના આ આદેશને આ યુગલે માથે ચડાવ્યો હતો અને તેમણે લંડન જતાં પહેલાં લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ લંડનનો પ્રવાસ તેમની હનીમૂન ટ્રીપ બની રહ્યો હતો. આ ટ્રીપ બાદ જયા બચ્ચન અંગે કેટલાક વિચલિત કરનારા અહેવાલો પ્રસિદ્ધ કરાયાં હતાં કારણ કે તે સમયે જયા અમિતાભ કરતાં મોટા સ્ટાર ગણાતા હતા. તેથી બંનેએ જાહેરમાં આવીને પોતે લગ્ન કરી લીધા હોવાની જાહેરાત કરી હતી.2020માં 47મી લગ્નજયંતિ નિમિત્તે અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર આ અંગેનો ખુલાસો કર્યો હતો. છેલ્લા બે દાયકાથી કૌન બનેગા કરોડપતિની વાત આવે એટલે બચ્ચનનું નામ માનસપટ પર તરી આવે છે. પરંતુ તેમને આ શો કરવા માટે મનાવવા લંડન લઇ જવાયા હતા અને તેમને હુ વોન્ટ્સ ટુ બી મિલિયોનર શો બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વળતી ફ્લાઇટમાં અમિતાભ શોને હોસ્ટ કરવા રાજી થયાં હતાં. તે સમયે સ્ટાર ટીવીના પ્રોગ્રામ હેડ સમીર નાયર હતા. તેઓ કહે છે કે અમિતાભ બચ્ચને હા પાડતાં જ અમે હુ વોન્ટ્સ ટુ બી મિલિયોનરની તર્જ પર જ કેબીસીનો સેટ તૈયાર કર્યો હતો. અમિતાભ ઘણીવાર કહી ચૂક્યાં છે કે લંડન મારા બીજા ઘર જેવું છે. તમે અહીં આવો છો ત્યારે એક અદ્દભૂત રાહતનો અનુભવ થાય છે. અમિતાભની કેટલીક ફિલ્મોના સૌથી યાદગાર દ્રશ્ય અને ગીત લંડનમાં ફિલ્માવવામાં આવ્યાં છે. ઝૂમ બરાબર ઝૂમનો ટાઇટલ ટ્રેક વોટરલૂ સ્ટેશન ખાતે અને કભી ખુશી કભી ગમના દ્રશ્યો બ્લૂવોટર શોપિંગ સેન્ટર ખાતે ફિલ્માવવામાં આવ્યા હતા. લંડનના વેમ્બ્લી સ્ટેડિયમમાં આયોજિત એક કોન્સર્ટમાં અમિતાભે સ્વ. અભિનેત્રી શ્રીદેવી સાથે ભાગ લીધો હતો. તે સમયે તેમણએ ફક્ત એક જ શબ્દ કહ્યો હતો કે ઐતિહાસિક અનુભવ. 1990ની કોન્સર્ટમાં તેમણે પહેલીવાર ભાગ લીધો હતો અને તે સમયે 70,000 દર્શકો હાજર રહ્યાં હતાં.
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા લંડનમાં સેવનઓક્સ સ્કૂલ ખાતે સેકન્ડરી સુધીનો અભ્યાસ કરી ચૂકી છે.
200 કરતાં વધુ ફિલ્મ અને બ્લોકબસ્ટર કેરિયર છતાં અમિતાભે પણ જીવનમાં પડતીનો અનુભવ કર્યો છે. રાખમાંથી બેઠાં કેવી રીતે થવું તેનો સૌથી મોટો પદાર્થપાઠ સુપરસ્ટારને શીખવા મળ્યો હતો. 1999માં અમિતાભ બચ્ચન નાદારીના આરે પહોંચી ગયા હતા. તેમની કંપની એબીસીએલને મોટી ખોટ ગઇ હતી અને અમિતાભ દેવાના ડુંગરો તળે દટાઇ ગયાં હતાં. પરંતુ પોતાના અભિનય પર દ્રઢ વિશ્વાસ ધરાવતા સુપરસ્ટાર ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠાં થયાં હતાં.
સુપરસ્ટાર કહે છે કે મારી 44 વર્ષની કારકિર્દીમાં તે સૌથી અંધકારમય ક્ષણો હતી. હું વિચારવા માટે મજબૂર બન્યો હતો.મેં મારી સમક્ષ રહેલા વિકલ્પો અને વિવિધ સ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને જવાબ આવ્યો કે હું અભિનય કરી શકું છું. તેથી હું મારી પાડોશમાં રહેતા યશજી પાસે કામ માગવા પહોંચ્યો અને તેમણે મને મોહબ્બતેં ફિલ્મ આપી. મેં મારી પરના વ્યાજના બોજાને ઘટાડવા માટે વિનામૂલ્યે પણ ફિલ્મો કરી. મેં દૂરદર્શન સહિત તમામને બાકી નાણા ચૂકવી આપ્યા હતાં. જ્યારે તેમણે મારી પાસે વ્યાજની માગણી કરી ત્યારે મેં મફતમાં જાહેરાતો કરી આપી હતી. તાજેતરમાં જ તેઓ અયાન મુકરજીની બ્રહ્માસ્ત્ર અને ગૂડબાયમાં કામ કરી ચૂક્યાં છે. રાજશ્રીની ઉંચાઇ અને ગણપથ તેમની આગામી ફિલ્મો છે.
બોલિવૂડના શહેનશાહને નાઇટહૂડનો ખિતાબ આપવા કીથ વાઝની લિઝ ટ્રસને અપીલ
લંડનઃ કીથ વાઝે બ્રિટનના વડાંપ્રધાન લિઝ ટ્રસને પત્ર લખી બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને 80મા જન્મદિવસ નિમિત્તે નાઇટહૂડના ખિતાબથી સન્માનિત કરવાની અપીલ કરી છે. પત્રમાં કીથ વાઝે અમિતાભ બચ્ચને અવારનવાર બ્રિટનની લીધેલી મુલાકાતો અને અહીં આયોજિત સખાવતી સમારોહોમાં આપેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો છે. 2015માં તત્કાલિન વડાપ્રધાન ડેવિડ કેમેરોન દ્વારા અમિતાભ બચ્ચનને લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવા આમંત્રણ અપાયું હતું. અમિતાભ બચ્ચનને ભારત સરકાર દ્વારા પણ 1984માં પદ્મશ્રી, 2001માં પદ્મભૂષણ અને 2015માં પદ્મવિભૂષણ જેવા દેશના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. 2007માં ફ્રાન્સની સરકાર દ્વારા અમિતાભ બચ્ચનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન નાઇટ ઓફ ધ લિજીયન ઓફ ઓનરથી સન્માનિત કરાયા હતા. બીગ બીના 80મા જન્મદિવસની ઉજવણી માટે યોજાઇ રહેલા કાર્યક્રમો અંતર્ગત કીથ વાઝે કેમ્બ્રિજ યુનિવર્સિટીને પત્ર લખીને બચ્ચનના નામે એન્યુઅલ લેક્ચર શરૂ કરવાની અપીલ કરી છે.
વાઝે જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચનના જીવન દ્વારા ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યાં છે. બ્રિટન ઉપરાંત સમગ્ર વિશ્વમાં તેમના કરોડો પ્રશંસકો છે તેથી બ્રિટિશ સરકાર અને જનતાએ આ મહત્વનો દિવસ તેમના સન્માન વિના વેડફી નાખવો જોઇએ નહીં. અમિતાભ બચ્ચન એક આદર્શ છે. તેઓ સૌથી પહેલા ભારતીય છે પરંતુ સાથેસાથે તેઓ વૈશ્વિક નાગરિક છે જે કરોડોને પ્રભાવિત કરી શકે છે. આ ઐતિહાસિક ઉજવણીમાં આપણે તેમનું સન્માન કરી શકીએ છીએ.

