શનિવાર ૮ ઓક્ટોબરના રોજ ખુશીયા પ્રસ્તુત સુવિખ્યાત હાસ્ય સમ્રાટ દિનકર મહેતાની કોમેડી નાઇટનું આયોજન સાઉથોલના નોરવુડ હોલમાં કર્યું હતું. હાસ્ય એ શ્રેષ્ઠ મેડીસીન હોવાનો સ્વાનુભવ શ્રી દિનકર મહેતાએ સૌને કરાવ્યો.
રોજબરોજના જીવનમાં યા ગીતોમાંથી નીપજતી કોમેડીએ હાસ્યનો ફુવારો ઉરાડી એમાં સૌને ભીંજવી દીધાં હતાં.
૫૧ વર્ષથી દેશ-વિદેશના ગુજરાતીઓને હાસ્ય રસ પીરસી તન-મનને તાજગી બક્ષી પ્રફુલ્લિત રાખતા દિનકરભાઇએ એમના કાર્યક્રમનું સમાપન કેરીયરની શરૂઆતનો જોક લગ્નવિધિ માટે ગોર મહારાજ ન મળતાં પાનના ગલ્લાવાળાં બ્રાહ્મણને બોલાવી કરાવાયેલ લગ્નવિધિના શ્લોકમાંથી નીપજતી કોમેડીથી કર્યું હતું. એના આયોજક જયદીપ શાહ અને એમનાં ધર્મપત્ની દીપાલીના આતિથ્યે એક વિશાળ ફેમીલી જેવો સરસ માહોલ ઉભો કર્યો હતો.
યુ.કે.એશિયન વીમેન્સ ક્લબે ગરબા મહોત્સવની ઉજવણી ગુરુવાર ૨૯ સપ્ટેમ્બરના રોજ હેરોવિલ્ડના બ્લ્યુ રૂમ્સ ખાતે કરી હતી બે વર્ષના કોરોનાકાળ બાદ ૨૫૦ જેટલી બહેનોને એકબીજાને મળવાનો અને માતાજીની ભક્તિ કરવાનો, ગરબે ઘૂમવાનો અવસર મળતાં સૌના ચહેરા પર ખુશી છલકતી હતી. જેઓને ચાલવાની તકલીફ હતી તેવી બહેનો વ્હીલચેરમાં આવી અને માતાજીની ભક્તિમાં સામેલ થઇ હતી. એના પ્રેસિડેન્ટ વર્ષાબહેન બાવીશી અને કમિટીની બહેનોએ ખાસ જહેમત ઉઠાવી એ બપોરને યાદગાર બનાવી દીધી.
છ ગામ પાટીદાર સમાજના નવરાત્રી અને શરદપૂનમના ગરબા કિંગ્સબરીગ્રીન પ્રાઇમરી સ્કુલમાં થયા હતા જેમાં મોટી સંખ્યામાં નાના-મોટા ભાઇબહેનોએ ભાગ લઇ માતાજીની ભક્તિ ઉમંગભેર કરી રમઝટ જમાવી હતી. ૧ઓક્ટોબરના રોજ યોજાયેલ ગરબાની એક તસવીર. નવરાત્રીના કન્વીનર્સ શ્રી જયરામભાઇ ભાદરણવાલા, કલાબહેન પટેલ અને ધર્મેશભાઇ દેસાઇને સુંદર વ્યવસ્થા કરવા બદલ અભિનંદન.
કિડની વિષયક : કોન્ફરન્સ વણિક કાઉન્સિલ અને NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ જૈન-હિન્દુ સમાજને કિડનીની સમસ્યાઓ અને સારવાર વિષયક કોન્ફરન્સનો લાભ લેવા સહર્ષ નિમંત્રણ પાઠવે છે. સ્થળ: રવિવાર તા.૧૬-૧૦-૨૨ના રોજ ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમર રોડ, સાઉથ હેરો, HA2 8AX સમય: સવારના ૧૦.૧૫ હોલ ખૂલશે. કાર્યક્રમ ૧૧ થી ૨. ત્યારબાદ ભોજન. મેડીકલ નિષણાતો, ટ્રાન્સપ્લાન્ટ સર્જનો, કિડની સ્પેશીયાલીસ્ટના વક્તવ્યો, કિડની દાતાઓ અને લેનારા દર્દીઓના મુખેથી તેમની આપવીતિ, કિડની દાતાઓના સન્માન તેમજ મનોરંજન આદીથી ભરપૂર કાર્યક્રમમાં પધારવા અગાઉથી આપના નામ નોંધાવવા વિનંતિ. સંપર્ક: 07775 523 233

