બ્રિટનના ભારતવંશી ચાન્સેલર રિશિ સુનાક આજકાલ ભારે મુશ્કેલીમાં આવી પડ્યા છે અને તેમના રાજીનામાની અફવાઓ અને અટકળો પણ ચાલી રહી છે જેમાં કોઈ દમ નથી. પત્ની અક્ષતા મૂર્તિએ યુકેનો ટેક્સ બચાવવા નોન-ડોમ સ્ટેટસનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવતા જ સુનાકની મુશ્કેલી વધી છે.
એક કહેવત બની ગઈ છે કે ‘સીઝર્સ વાઈફ મસ્ટ બી અબાવ સસ્પિશિયન’ એટલે કે સીઝરની પત્ની શંકાથી પર હોવી જોઈએ. આ વાક્ય રોમન સમ્રાટ જુલિયસ સીઝરે શંકાના દાયરામાં આવેલી પત્ની પોમ્પીઆના સંદર્ભે કહ્યું હતું. ચાન્સેલર સુનાકની બાબતે આ કહેવત બંધબેસતી જણાય છે. ભારતીય આઈટી કંપની ઈન્ફોસિસના બિલિયોનેર સંસ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા પિતાની કંપનીમાં હોલ્ડિંગ ધરાવતી હોય તે સ્વાભાવિક બાબત છે. આનો કોઈને છોછ ન હોઈ શકે પરંતુ, અક્ષતા મૂર્તિનું નોન-ડોમિસાઈલ સ્ટેટસ સમગ્ર વિવાદનું મૂળ બની ગયું છે. બ્રિટિશ કાયદા હેઠળ બ્રિટિશ નાગરિક ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ પોતાના ટેક્સીસ બાબતે આનો લાભ મેળવી પોતાની વિદેશની આવકો કે ડિવિડન્ડ મુદ્દે યુકેનો ટેક્સ ભરવામાંથી મુક્ત રહી શકે છે. અક્ષતા મૂર્તિએ આનો લાભ લીધો તેમાં કોઈ પહાડ તૂટી પડ્યો નથી પરંતુ, સવાલ તેઓ ચાન્સેલરની પત્ની છે તેમાંથી ઉદ્ભવ્યો છે.
ચાન્સેલર તરીકે સુનાક દેશના લોકો પર ટેક્સ લાદે છે ત્યારે તેઓ અને તેમનો પરિવાર કોઈ છૂટછાટ વિના ટેક્સ ભરે તેવી માગણીમાં જરા પણ ખોટું નથી. તેમણે કોઈ વિશેષ સવલત મેળવવી જોઈએ નહિ. આ તેમના દેશના ચાન્સેલર તરીકેના હોદ્દાની ગરિમા છે. અક્ષતા મૂર્તિ બિલિયોનેર છે, બ્રિટિશ મહારાણી કરતાં પણ વધુ ધનવાન છે અને યુકેનો ટેક્સ ભરવામાં તેમની સંપત્તિ ઓછી થઈ જવાની નથી. જોકે, લાભ મેળવી લેવાના માનવ સ્વભાવમાંથી તેઓ મુક્ત રહી શક્યા નથી.
મિસિસ સુનાકે પાછળથી વિદેશની તમામ આવકો પર યુકેનો ટેક્સ ચૂકવવાની તૈયારી દર્શાવી છે પરંતુ, ‘હોજ સે ગઈ વો બૂંદ સે નહિ આતી.’ સુનાકની અત્યાર સુધીની નિષ્કલંક કારકિર્દીને જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું છે.અગાઉ, દેશના ગરીબો પર નેશનલ ઈન્સ્યુરન્સ ટેક્સ વધારવાથી અળખામણા બનેલા સુનાકની રાજકીય કારકિર્દી હારાકિરી તરફ વધી રહી હોવાનું જણાય છે. એક સમયે તેમની ગણના વડા પ્રધાન જ્હોન્સનના અનુગામી તરીકે કરાતી હતી પરંતુ, હવે શું થશે તે તો સમય જ કહી શકશે.
