આખરે ઈમરાન ખાન નિયાઝીની સરકારે નામોશીપૂર્ણ વિદાય લીધી છે. ઈમરાને સરકાર ટકાવવા જાત જાતના ખેલ પાડ્યા પરંતુ, સુપ્રીમ કોર્ટ અને પાકિસ્તાની આર્મીના કારણે તેમનો જ ખેલ પડી ગયો છે. જોકે, મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદને કરોડો રૂપિયા આપનારા પાકિસ્તાનના નવા વડા પ્રધાન શાહબાઝ શરીફે ગાદી સંભાળતાની સાથે જ પોત પ્રકાશ્યું છે અને કાયમી કાશ્મીર આલાપ ગાયો છે. પાકિસ્તાની આર્મીની નજીક મનાતા શાહબાઝે તેઓ ભારત સાથે શાંતિ ઈચ્છતા હોવાનું જણાવવા સાથે કાશ્મીર વિવાદના સમાધાન વિના શાંતિ શક્ય નથી તેમ પણ કહી દીધું છે. શાહબાઝ શરીફનું આ નિવેદન ભારત માટે પડોશી દેશ સાથે સારા સંબંધોના સંકેત નથી આપતું.
ઈમરાને ચીન અને છેવટે રશિયાના ખોળામાં બેસી અમેરિકાને નારાજ કર્યું હતું. લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત કરવા અમેરિકા તેમની સરકારને ઉથલાવવા માગે છે તેના ગાણા પણ ગાયા પરંતુ, પાકિસ્તાની પ્રજાને ક્રિકેટર ઈમરાન પર કોઈ ભરોસો જ રહ્યો ન હતો. ઈમરાનની વિદાય પછી અમેરિકાની કઠપૂતળી જેવા શાહબાઝ શરીફ વડાપ્રધાન બનશે એ નિશ્ચિત જ હતું. અમેરિકાને નવાઝ શરીફના રાજકારણનો સારો પરિચય છે અને તેમના જ ભાઈ શાહબાઝ પણ દૂધના ધોયેલા નથી. નવાઝ શરીફે ભારતના કારગિલમાં ઘૂસેલા પાકિસ્તાની સૈનિકોને રોકવાના બદલે અજાણ હોવાનો ડોળ કરી તત્કાલીન વડા પ્રધાન વાજપેયી સાથે ગદ્દારી કરી હતી. સંબંધો સુધારવાની શુભ ભાવનાથી પાકિસ્તાન આવેલા વાજપેયીના પીઠમાં ખંજર ભોંકીને શરીફે પોતાની નીચતા સાબિત કરી હતી. નવાઝ શરીફની દીકરી મરીયમ શરીફનો ભારતદ્વેષ પણ બહાર આવ્યો છે. પાકિસ્તાની રાજકારણ પર પંજાબી અને સિંધી પ્રભુત્વ છે. પંજાબી શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (પીએમએલ) અને સિંધી ભુટ્ટો ખાનદાનની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સત્તાનો ભોગવટો કરતી રહે છે. આ બંને પાર્ટી હળાહળ ભારતવિરોધી છે. જોકે, મૂળ પશ્તુન- પઠાણ ઈમરાન ખાનનો અપવાદ સત્તામાં આવ્યો હતો પરંતુ, ભારતને તેનાથી પણ કોઈ લાભ મળ્યો નથી.
શાહબાઝની તાજપોશી ભારત માટે સારા અણસાર નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિષ્ટાચાર અનુસાર પાકિસ્તાનના વડા પ્રધાનને અભિનંદન પાઠવ્યા પરંતુ, પાકિસ્તાનનો કોઈ પણ નેતાને ભારત સાથે કાયમી સંબંધો સુધારવામાં રસ હોય તે શક્ય જ નથી કારણકે પાકિસ્તાનનો જન્મ જ ભારતદ્વેષમાંથી થયો છે. ભારતને ગાળો આપીને તો આ નેતાઓ રાજકીય ખીચડી પકાવતા રહ્યા છે અને રહેશે તેમાં કોઈ મીનમેખ નથી.
