ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ મુદ્દે તટસ્થનીતિ જાળવી રાખી છે. અમેરિકી પ્રમુખ જો બાઈડેન સાથે વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘર્ષની શરૂઆતથી જ ભારત બંને દેશોના પ્રમુખ વ્લાદિમીર પુટિન અને વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચે આમનેસામને મંત્રણા થાય તેની હિમાયત કરતું આવ્યું હોવાની સ્પષ્ટતા કરી છે. બીજી તરફ, યુક્રેનના બુચામાં નરસંહારની કડક નિંદા કરવામાં પણ ભારત પાછળ રહ્યું નથી. ભારતની તટસ્થ વિદેશનીતિની પ્રશંસા પાકિસ્તાનના ઈમરાન ખાને પણ કરવી પડી છે. ક્યારેક કાગડાના મુખેથી પણ રામ શબ્દનો ઉચ્ચાર થઈ જાય છે. આ જ નીતિનો પરચો અમેરિકાને પણ મળી રહ્યો છે. ભારત પર ભારે દબાણ લાવવાની તેની ઈચ્છા પૂર્ણ થઈ નથી.
અમેરિકાને મૂળ પેટમાં એ દુઃખે છે કે અમેરિકા અને યુરોપ સહિતના દેશોએ રશિયા સામે લાદેલા પ્રતિબંધોને ભારત ગણકારતું નથી અને રશિયા સાથે ઓઈલ સહિતનો વેપાર કરે છે. યુએનની સમિતિઓમાં રશિયાવિરોધી ઠરાવોમાં સાથ આપતું નથી. જોકે, હકીકત એ છે કે ભારતે કદી યુદ્ધ કે રશિયન આક્રમણને સમર્થન આપ્યું નથી અને બંને દેશ વચ્ચેની સમસ્યાઓને ટેબલ પર બેસી સુલઝાવવાની જ સલાહ આપી છે. યુક્રેનને અન્ય દેશો શસ્ત્રસહાય આપે છે પરંતુ, ભારત માનવીય સહાય પહોંચાડી રહ્યું છે. રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના ભારતના નિર્ણયના કારણે અમેરિકા નારાજ છે ત્યારે ભારતીય વિદેશપ્રધાન જયશંકરે અમેરિકન સમકક્ષ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે યુરોપના દેશોની રશિયા પાસેથી એક દિવસમાં ઓઈલની ખરીદી કરાય છે તેટલી ખરીદી ભારતની એક મહિનામાં પણ થતી નથી. યુરોપીય દેશો પ્રતિબંધ લાદવા છતાં, રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે તેમાં તેમની મજબૂરી દેખાય છે તો ભારતની મજબૂરીનો વિચાર શા માટે કરાતો નથી.
આખરે પ્રમુખ જો બાઈડેનને કહેવાની ફરજ પડી છે કે ભારત યુક્રેન સંકટ મુદ્દે પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. બાઈડેને ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહકારને આગળ વધારવાની પણ વાત કરી છે. જાપાનની ક્વોડ દેશોની મબેઠકમાં મોદી સાતે મુલાકાતની આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
