કિવ: રશિયાએ યૂક્રેનની એસ-300 એન્ટિએરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમને તોડી પાડી છે કે જેને એક યુરોપિયન દેશ દ્વારા યૂક્રેનને સપ્લાયકરવામાં આવી હતી તેમ સોમવારે રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયાએ રવિવારે સમુદ્રમાંથી છોડવામાં આવેલી કેલિબર મિસાઇલ્સ દ્વારા ચાર એસ-300 લોંચર્સનો નાશ કરવામાં આવ્યો હતો. આ ચાર મિસાઇલ લોંચર્સ યૂક્રેનિયન શહેર ડિનિપ્રોની બહાર હેંગર પર રાખવામાં આવી હતી. રશિયાએ ઉમેર્યું હતું કે આ હુમલામાં યૂક્રેનની 25 ટ્રૂપ્સને ફટકો પડયો હતો. જો કે રશિયાએ સ્પષ્ટતા કરી ન હતી કે ક્યા યુરોપિયન દેશ દ્વારા યૂક્રેનને આ સિસ્ટમ સપ્લાય કરવામાં આવી હતી. દરમિયાન યૂક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ પોતાના દેશને ચેતવણી આપી હતી કે આ યુદ્ધમાં આગામી સપ્તાહો ખૂબ જ નિર્ણાયક રહેશે.
રાષ્ટ્રને સંબોધનમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે આપણા દેશના પૂર્વ ભાગોમાં રશિયન દળો વધારે આક્રમક ઓપરેશન હાથ ધરે તેવી સંભાવના છે. તેણે રશિયા પર આરોપ મૂક્યો હતો કે તેઓ યુદ્ધના ગુનાની જવાબદારીને ટાળવા માંગે છે.
રશિયા કિવનો કબજો લઈ લેશે : ચેચેન લીડરનો દાવો
રશિયન સમર્થક અને શક્તિશાળી ચેચેન લીડર રમઝાન કેડીરોએ સોમવારે દાવો કર્યો હતો કે રશિયન દળો ફક્ત બંદરી શહેર મારિયુપોલ જ નહીં પરંતુ કિવ સહિતના યૂક્રેનના અન્ય શહેરોનો પણ કબજો મેળવી લેશે. તેણે ઉમેર્યું હતું કે અમે પહેલા લુહાન્સ્ક અને ડોનેસ્કને સંપૂર્ણ આઝાદી અપાવીશું તે પછી કિવ અને અન્ય શહેરોને જીતી લઇશું.
યૂક્રેનનું અર્થતંત્ર આ વર્ષે 45.1% સંકોચાવાની શક્યતા
વિશ્વબેન્કે આગાહી કરી છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન યૂક્રેનનું અર્થતંત્ર 45.1 ટકા જેવુ સંકોચાઇ શકે છે. નોંધનીય છે કે પાછલા મહિને જ આઈએમએફ દ્વારા આ દેશનું અર્થતંત્ર 35 ટકાના દરે સંકોચાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તેની સરખામણીએ વિશ્વબેન્કે 10 ટકાથી પણ વધારે સંકોચનની આગાહી કરી છે. રશિયાના અર્થતંત્ર અંગે વિશ્વબેન્કે જણાવ્યું હતું કે રશિયાનો જીડીપી વૃદ્ધિદર 11.2 ટકા ઘટી શકે છે.
યૂક્રેનના 45 લાખ લોકો દેશ છોડી ગયા : UNHCR
યુએન રેફ્યૂજી એજન્સી, UNHCRએ સોમવારે જણાવ્યું હતું કે રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 45 લાખ લોકો યૂક્રેન છોડીને અન્ય પડોશી દેશોમાં શરણ લઇ રહ્યા છે. એજન્સીએ રવિવારે જણાવ્યું હતું કે રવિવારે દેશ છોડી ગયેલા લોકોનો કુલ આંક 4,503,954 હતો, એકલા રવિવારે જ 62,291 લોકો દેશ છોડી ગયા હતાં.
