જ્ઞાન યજ્ઞ, સેવા યજ્ઞ અભિયાનના સહયોગી મહાનુભાવોનો ઋણ સ્વીકાર

જીવંત પંથ-૨

સી.બી. પટેલ Wednesday 13th July 2022 10:25 EDT
 

વડિલો સહિત સૌ વાચક મિત્રો,
પરમાત્માની કૃપા અને આપ સૌના સાથ-સહકારથી ગતાંકમાં જણાવ્યું એ મુજબ જ્ઞાન-યજ્ઞ, સેવા-યજ્ઞનો શુભારંભ થયો. આ જ્ઞાન યજ્ઞમાં અગણિત વ્યક્તિઓનો સહયોગ સાંપડ્યો અને સાંપડી રહ્યો છે. શરૂઆતમાં એમાં પાયાનું કામ તંત્રીશ્રી વિપુલભાઇ કલ્યાણીએ કર્યું. સમયાનુસાર આદરણીય દવે કાકા,,નરૂભાઇ પટેલ, શિવકુમાર અય્યર, જયમંગલભાઇ, ઇશ્વરભાઇ વસા વગેરેએ તંત્રીમંડળમાં પોતપોતાની આગવી શૈલીથી નોંધપાત્ર અનુદાન આપ્યું. દરમિયાનમાં ૧૯૮૦માં ગુજરાત સમાચાર કાર્યાલયનું સ્થળાંતર ચીઝીકમાંથી ઓલ્ડસ્ટ્રીટના હોક્સ્ટન ખાતેના બિલ્ડીંગ "કર્મયોગા હાઉસ"માં થયું. ગીતાના આદેશ મુજબ "કર્મ" ને કેન્દ્ર સ્થાને રાખી પ્રકાશન ક્ષેત્રે ઝૂકાવ્યું.
જુલાઇ ૧૯૮૩માં શુભઘડીએ શ્રીમતી જ્યોત્સનાબહેન ડી.આર.શાહ આ જ્ઞાનયજ્ઞ, સેવાયજ્ઞમાં જોડાયાં. ગુજરાત સમાચારનું તે વેળાનું માળખું, વાંચન અને અન્ય પ્રકારનો માત્ર કક્કો ઘૂંટ્યા કરવાને બદલે એમાં આગેકૂચ કરી અનેક પ્રકારના વિભાગોનો ઉમેરો કરી એને વધુ વાચક ભોગ્ય, રંગીન-સંગીન બનાવવાના ભગીરથ પ્રયાસો આદર્યાં. પરિણામે એ અત્યંત લોકપ્રિય બનતું ગયું. થોડા જ સમયમાં શ્રીમતી કોકિલાબહેન પટેલને જ્યોત્સનાબહેને ગુજરાત સમાચારમાં સામેલ કર્યા. ટાઇપ સેટરમાંથી જોતજોતામાં કોકિલાબહેન પત્રકાર તરીકે ઝળકી ઉઠ્યા એમાં તેમની કાર્યકુશળતા અને જ્યોત્સનાબહેનનું માર્ગદર્શન ઉપયોગી નીવડ્યાં.
તંત્રી મંડળમાં સર્વશ્રી ટી.એ. ભટ્ટ, ટી.પી.સૂચક, હીરાભાઇ શાહ, ડો.જગદીશ દવે, ચંદ્રકાન્ત શુક્લ, બાલકૃષ્ણભાઇ શુક્લ, પ્રકાશ ગઢવી, ..વગેરે સામેલ થતા ગયા. એબીપીએલ પબ્લીકેશન્સમાં અગણિત વ્યક્તિઓની આવન-જાવન અવિરત ચાલ્યા કરી છે.
૧૯૮૩થી તંત્રી મંડળમાં જ્યોત્સનાબહેનના પ્રવેશ બાદ એમણે જવાબદારી નિભાવવા સાથે કંઇ કેટલાય સબળ સાથીઓની ભેટ આપી છે. જેમાં અલકાબહેન શાહ, રમેશભાઇ પટેલ, શ્રધ્ધા પટેલ, નેહા બાવીસી, અમી જોષી, ઉન્નતિ શાહ, રશ્મિબહેન અમીન, શેફાલી કાલા વગેરેનો સમાવેશ થાય છે.
જ્યોત્સનાબહેનના સ્થાને કોકિલાબહેને મેનેજીંગ એડીટર તરીકે કાર્ય સંભાળ્યું અને વાંચનવૈવિધ્ય તથા અન્ય પ્રકારે સુંદર અનુદાન આપ્યું અને આપતાં રહ્યાં છે.
કવિશ્રી સુન્દરમના વરદ હસ્તે આદરણીય જ્યોત્સનાબહેનનો વિદાય સમારંભ થયો ત્યારે ક્યાં ખબર હતી કે તેઓ પાછા લંડન આવી આ સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞમાં પુન: જોડાશે? એ પણ એક યોગાનુયોગ છે.
આ યજ્ઞમાં કેટલાય કવિ-લેખકો જોડાયાં અને જોડાઇ રહ્યાં છે.
ભાનુશંકર ઓધવજી વ્યાસ, બાલમુકુન્દ પરીખ, ડાહ્યાભાઇ કવિ, લોર્ડ ભીખુ પારેખ, પંકજ વોરા, ભારતીબહેન વોરા, પોપટલાલ પંચાલ, વલ્લભદાસ નાંઢા, રામુભાઇ મટવાડકર, કવિ યોગેશ પટેલ, નીરૂબહેન દેસાઇ, રમણભાઇ પટેલ, અદમ ટંકારવી, પ્રફુલભાઇ અમીન, બાબર "બંબુસરી", વિનય કવિ, એહમદ "ગુલ”, ભાનુબહેન વડગામા, શાંતશીલાબહેન ગજ્જર, વસુબહેન ગાંધી, વિજયાબહેન ભંડેરી, નયનાબહેન પટેલ, ચંદુભાઇ મટ્ટાણી, યુસુફ સિદાત્ત, ઇન્દુબહેન દેસાઇ, કાન્તાબહેન પ્રભાકાન્ત પટેલ, ડો.વિનોદ કપાશી આદિ અસંખ્ય કવિ-લેખકોની કલમનો લાભ "ગુજરાત સમાચાર"ના વાચકોને મળ્યો છે.
 (સ્મૃતિભ્રંશમાં કદાચ કેટલાક નામ રહી ગયા હોય તો તે સૌની ક્ષમા-યાચના).
સંખ્યાબંધ સંસ્થાઓ જેવી કે, મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ.કે., સાહિત્ય અકાદમી, ભારતીય વિદ્યા ભવન,લંડન , સાહિત્ય સંગીત કલા, માંધાતા કોમ્યુનિટી યુ.કે., કડવા પાટીદાર સમાજ યુ.કે., સત્તાવીસ ગામ પાટીદાર સમાજ, છ ગામ પાટીદાર સમાજ, બાવીસ ગામ પાટીદાર સમાજ, ફેડરેશન ઓફ પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ, નવનાત વણિક એસોસિએશન, શ્રી કચ્છ લેવા પટેલ સમાજ યુ.કે., ભારતીય વિદ્યા ભવન,લંડન , ઇસ્કોન, BAPS, અનુપમ મીશન, ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ ઓર્ગેનાઇઝેશન્સ (ISSO), ગોલ્ડર્સગ્રીન સ્વામિનારાયણ મંદિર(હાલ કિંગ્સબરી મંદિર), ઓશવાળ એસોસિએશન ઓફ ધ યુ.કે., પ્રજાપતિ સમાજ, સનાતન મંડળ, લેસ્ટર, શ્રી જલારામ પ્રાર્થના મંડળ, લેસ્ટર, બર્મિંગહામ પ્રગતિ મંડળ, માંચેસ્ટર ભારતીય વિદ્યા ભવન, લોહાણા કોમ્યુનિટી યુ.કે, સંગમ એસોસિએશન ઓફ વુમન, સંગત કોમ્યુનિટી સેન્ટર-હેરો, ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી, મહાવીર ફાઉન્ડેશન, જૈન નેટવર્ક, ગીતા ફાઉન્ડેશન યુ.કે., હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ, બ્રહ્મા કુમારીસ વિશ્વ વિદ્યાલય, વિશ્વ હિન્દુ પરિષદ યુ.કે., વિવેકાનંદ સોસાયટી, ધર્મજ સોસાયટી ઓફ લંડન, ગુજરાત કલ્ચરલ સોસાયટી, વલ્લભનિધિ યુ.કે., પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ, કાર્ડિફ સનાતન હિન્દુ મંદિર, ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટન, શાંતા બા ફાઉન્ડેશન, દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ વાંકાનેર અને યુ,કે., પલાણ ફાઉન્ડેશન, આદી અસંખ્ય ગણી ગણાય ના એટલી સંસ્થાઓ સાથે ઘરોબો કેળવાયો. (અત્રે કેટલીય સંસ્થાઓના નામોલ્લેખ કરવાના રહી ગયા હશે અને કેટલીય નવી સંસ્થાઓનો ત્યારબાદના ગાળામાં ઉદ્ગમ થયો હશે એ સૌના અમે ઋણી છીએ)

અમે લંડન, લેસ્ટર, પ્રેસ્ટન, બર્મિંગહામ, બોલ્ટન, બાટલી, માંચેસ્ટર, લીડ્સ, કાર્ડિફ -વેલ્સ, વગેરે સ્થળોની મુલાકાત કરી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી એમના સમાચારો અને અહેવાલો આવરી લઇ સમગ્ર ગુજરાતી સમાજ સાથે આત્મીયતાના સંબંધો બાંધી અનેક ઝૂંબેશોને નેતૃત્વ પૂરૂં પાડ્યું છે. દા.ત. હરે કૃષ્ણ મંદિર બચાવો, ફિજીમાં લોકશાહીની પુન: સ્થાપનાની ચળવળ, લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ..વગેરે.
ગુજરાત સમાચારે ભારતીય સાહિત્ય, સંગીત-કલા, ધર્મ સહિત માતૃભાષાના શિક્ષણમાં ય નોંધપાત્ર ફાળો નોંધાવ્યો છે. ડો.જગદીશ દવેની કોલમ "લર્ન ગુજરાતી" શરૂ કર્યા બાદ પુસ્તકકારે પ્રકાશિત કરી હતી જેનું વિમોચન લોર્ડ મેઘનાદ દેસાઇના શુભ હસ્તે કરાયું હતું. એ પુસ્તકનું મુખપૃષ્ઠ ડો.દવેના આર્ટીસ્ટ ભાઇ પ્રફુલભાઇએ તૈયાર કર્યું હતું. એ પુસ્તક પ્રસિધ્ધ થયા બાદ લંડનની જાણીતી ગેમટેક કંપનીએ ઓડિયો, વીઝ્યુઅલ "લર્ન ગુજરાતી" નામે બનાવી. અને ઇન્ટરનેશનલ પબ્લીશર રૂટલેજે "કોલોક્વીઅલ ગુજરાતી" નામે પુસ્તક, ઓડીઓ સી.ડી. સહિત બનાવી એ ગૌરવની વાત છે.
એ સમારંભ પ્રસંગે લોર્ડ મેઘનાદ દેસાઇએ જણાવ્યું હતું કે, “ગુજરાત સમાચાર" સમાચારો કે અન્ય ઉપયોગી લેખો પ્રકાશીત કરતું માત્ર માધ્યમ નથી પરંતુ ગુજરાતી પ્રજાજનો પરત્વે પોતાની નૈતિક ફરજો પણ બરાબર પીછાણી એનું પાલન કરવા કટિબધ્ધ છે. તેનું "લર્ન ગુજરાતી" પ્રકાશન સાક્ષાત ઉદાહરણ છે"
માતૃભાષા ઝૂંબેશમાં, એના પ્રચાર-પ્રસાર અને સંવર્ધનમાં ગુજરાત સમાચારનું અનુદાન અનન્ય રહ્યું છે. આ સપ્તાહની મારી કોલમનું સમાપન "જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો...”ની પ્રેરક પંક્તિઓથી કરીશ.
ક્રમશ:


comments powered by Disqus