લંડનઃ વિશ્વમાં મહાન આધ્યાત્મિક ગુરુઓમાંના એક અને દર્શનીય નીસડન ટેમ્પલના સર્જક પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી વર્ષગાંઠ નિમિત્તે રવિવાર - 17 જુલાઈએ એલ્પર્ટનથી નીસડન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે.
‘નગરયાત્રા’માં દેશભરમાંથી સેંકડો સ્ત્રી-પુરુષ અને બાળકો સામેલ થશેે. આ નગરયાત્રામાં થ્રી-ડી સજાવટ સાથેના ફ્લોટ્સ સામેલ કરાશે જેમાં આગામી ‘Festival of Inspirations - પ્રેરણાદાયી મહોત્સવ’ના વિવિધ પાસાં રજૂ કરાશે. ફ્લોટ્સમાં મનોરંજન અને ઈન્ટરએક્ટિવ ગેમ્સ સાથે સુસજ્જ બાળકોની સાહસિક સાંસ્કૃતિક ભૂમિ ‘Island of Heroes’નો પણ સમાવેશ થશે.
ઉજવણીમાં ભક્તિ-સંગીતની સાથે સાથે રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરેલા બાળકો અને યુવાનો દ્વારા પરંપરાગત ભારતીય લોકનૃત્યો રજૂ થશે.
નગરયાત્રાનું સમાપન નીસડન ટેમ્પલના પ્રાંગણમાં રચાયેલી પ્રમુખ સ્વામી મહારાજની 27 ફૂટ ઊંચી પ્રતિમાની નિશ્રામાં થશે. ઈવેન્ટના મુખ્ય આયોજકોમાં એક પૂજા બારોટે જણાવ્યું હતું કે, આ અદ્ભૂત પ્રસંગ 1995નું સ્મરણ કરાવશે. તે સમયે પ્રમુખ સ્વામીની ઉપસ્થિતિમાં નીસડન મંદિરના ઉદ્ઘાટન સમયે આવી જ નગરયાત્રા ટ્રફાલ્ગર સ્ક્વેરથી પિકાડેલી સર્કસ સુધી યોજાઈ હતી. સેંકડો લોકોને ફરી એક વખત સાથે લાવવામાં અને પ્રમુખ સ્વામી મહારાજે જે સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન કર્યું હતું તેમાં સ્થાનિક કોમ્યુનિટીને સહભાગી બનાવવાનો અમને આનંદ છે.’
‘પ્રેરણાદાયી મહોત્સવ’
‘Festival of Inspirations - પ્રેરણાદાયી મહોત્સવ’ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની વર્ષગાંઠ પર્વે નીસડન ટેમ્પલ ખાતે આયોજિત 10 દિવસનો બહુલક્ષી સાંસ્કૃતિક ઈવેન્ટ છે. આ નિઃશુલ્ક ઈવેન્ટમાં સમગ્ર પરિવાર માટે જ્ઞાન સાથે ગમ્મત હશે. બાળકો માટે ‘Island of Heroes’થી માંડી સ્વાદરસિયા માટે ‘ફ્લેવર્સ ઓફ ઈન્ડિયા’ ફૂડ કોર્ટ, આઉટડોર સ્ટેજ પર જીવંત સંગીત અને નૃત્યથી માંડી ઈનડોર સ્ટેજીસ પર મલ્ટિમીડિયા કાર્યક્રમો, ઈન્ટરએક્ટિવ ક્લાસીસ, વર્કશોપ્સ સાથેના નિઃશુલ્ક કોમ્યુનિટી હેલ્થ હબથી માંડી પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા સમક્ષ મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમ યોજાશે.
બાળકો માટે ખાસ ઈવેન્ટ
બાળકો માટે ‘Island of Heroes’ વિશેષ ઈવેન્ટ યોજાશે જેમાં મ્યુઝિકલ કાર્યક્રમો, અલ્ટ્રાવાયેલેટ લાઈટ શો, એસ્કેપ રૂમ સહિતની રમતોની મોજ માણી શકાશે. ભૂતકાળ અને વર્તમાનના નાયકોમાંથી પ્રેરણા મેળવી તેઓ પણ ભાવિ હીરો બનવા પ્રોત્સાહન મેળવી શકશે. બાળકો માટે દોઢથી બે કલાકનો અનુભવ વિશિષ્ટ બની રહેશે. ઈવેન્ટની ડિઝાઈન, નિર્માણ, નિર્દેશન, પરફોર્મન્સ 600થી વધુ બાળકો, કલાકારો, ક્રુ મેમ્બર્સ અને નીસડન મંદિરના વોલન્ટીઅર્સ- સ્વયંસેવકો દ્વારા થયું છે. આનો હેતુ પેરન્ટ્સ અને તેમના બાળકોને હિન્દુઈઝમના સર્વકાલીન શાણપણ અને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જીવાયેલા સાર્વત્રિક મૂલ્યોથી પ્રેરણા પ્રાપ્ત થશે જેનાથી તેઓ બહુસાંસ્કૃતિક સમાજના તેજસ્વી સભ્યો બની શકશે.
BAPS સ્વામિનારાયણ સંસ્થા એક મિલિયનથી વધુ સભ્યો, 55,000 વોલન્ટીઅર્સ અને 3850 કેન્દ્રો ધરાવે છે તેમજ વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયોની કાળજી રાખવા સાથે યુએન સાથે સંકળાયેલી છે. યુકેમાં BAPS સૌથી મોટા અને સૌથી સક્રિય હિન્દુ સંગઠનોમાં એક છે.

