જાપાનમાં ચૂંટણીપ્રચાર દરમિયાન પૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની હત્યા કરાઈ તેમાં ભારતને સૌથી વધુ આઘાત લાગ્યો છે. શિન્ઝો આબે સાચા અર્થમાં ભારતના મિત્ર હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આબેની મિત્રતાએ ભારત-જાપાન સંબંધોમાં નવા આયામો ઉભા કર્યા હતા. આબેના શાસનમાં ભારત-જાપાનના સંબંધો અત્યંત મજબૂત બન્યા હતા. આબેના સમયમાં જ ભારત-જાપાન વચ્ચે શિંકનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બુલેટ ટ્રેન માટેના કરાર થયા અને પરમાણુ કરાર પણ થયા. બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ એ હદે વધ્યો છે કે અત્યારે જાપાન ભારતમાં ત્રીજા નંબરનું સૌથી મોટું રોકાણકાર છે. જાપાનમાં સૌથી લાંબો સમય સુધી શાસન કરનારા શિન્ઝો આબેએ જાપાનને વધારે તાકાતવર બનાવી, અર્થતંત્રને નવી ઉંચાઈ આપી હતી.
સમગ્ર વિશ્વ ચીનની વધતી આર્થિક અને લશ્કરી તાકાતથી ચિંતામાં પડ્યું હતું ત્યારે વિઝનરી શિન્ઝોએ ક્વાડ ગ્રૂપને સક્રિય કરવા વિશેષ રસ લીધો હતો. ભારતને પણ ચીન કનડી રહ્યું છે અને જાપાન સાથે ચીનને ઐતિહાસિક દુશ્મની છે. આબેએ ચીનની વધતી તાકાતને રોકવા માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સાથે મળીને ધરી બનાવીને ક્વાડ સંગઠનને સક્રિયતા બક્ષી. આજે ક્વાડ ભારતના હિતો સાચવવામાં અને ચીનને ઈન્ડો-પાસિફિક રીજિયનમાં ખાળવા મહત્વની ભૂમિકા ભજવે છે. ચીનને તેની નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરનારા શિન્ઝો આબે પ્રતિ એટલો ખાર હતો કે આબેની હત્યાના પગલે ચીનમાં ઉજવણી કરાઈ હોવાના પણ અહેવાલો છે. આના કારણે ચીને આબેની હત્યાનું ષડયંત્ર ઘડ્યું હોવાની શંકા બળવત્તર બની છે. જોકે, આની પુષ્ટિ થઈ શકે નહિ તે સ્વાભાવિક છે.
ચીન અળવીતરું રાષ્ટ્ર છે. ચોરને કહે ચોરી કર અને શાહુકારને કહે જાગતો રહેજેની દોંગી નીતિ ધરાવતું ચીન ભારતના વધતા પ્રભાવને ખાળવા ઘણું કરી રહ્યું છે. ચીન ભારતની સરહદે વારંવાર અટકચાળો કરી રહ્યું છે અને ભારતીય પ્રદેશો પરના મતેના જૂઠા દાવાઓ પણ નવા નથી. જૂન મહિનામાં ચીન ફાઇટર જે્ટ્સ અને એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ સહિત એર ડિફેન્સના શસ્ત્રો સાથે ભારતીય સરહદ નજીક યુદ્ધાભ્યાસ કરી રહ્યું હતું ત્યારે તેનું યુદ્ધવિમાન લદ્દાખ ઉપરથી ભારતના વિસ્તારમાં એકદમ નજીકથી પસાર થયું હતું. આ નાનીસૂની ઘટના નથી. તાઈવાન સાથે પણ આવી સતત હરકતો સાથે ચીન તેને ડરાવવાનો પ્રયત્ન કરતું રહે છે.
જોકે, ભારત આવી રમતોથી ડરે તેમ નથી. ચીન પણ સમજે છે કે આ 1962નું ભારત નથી. આજે ભારત આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે છે. અમેરિકાની પ્રતિબંધોની ધમકીઓ છતાં ભારતે રશિયા સાથે ક્રુડ ઓઈલ સહિતનો વેપાર યથાવત રાખ્યો છે. ભારત માટે તેના રાષ્ટ્રહિતો જ સર્વોપરી છે.
