લિક્વિડ શુગરઃહૃદયરોગ, સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ સૌથી વધુ

Thursday 14th July 2022 03:01 EDT
 
 

ફાસ્ટ ફૂડ જેમ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એટલું જ નુકસાનકારક છે તેની સાથે પીવાતું સોફ્ટ ડ્રિન્ક. આપણે સહુએ જાણી લેવું જોઇએ કે મનુષ્યનું પાચન તંત્ર લિક્વિડ કેલરી માટે બનેલું નથી. સોડા, સ્પોર્ટ્સ ડ્રિન્ક્સ કે તેના જેવા બીજા ગળ્યા પીણા પીવાથી ભૂખ દૂર થતી નથી. સાથે જ જો આ શુગરી ડ્રિન્ક પીવાની સાથે વ્યક્તિ લાંબો સમય બેસી રહે છે તો તેને જીવનશૈલી સંબંધિત બીમારીઓ જેમ કે, ડાયાબિટિસ, હાઈપરટેન્શન, કિડનીની બીમારી વગેરે થવાનું જોખમ વધી જાય છે. બ્રિટિશ ફાર્મસિસ્ટ નીરજ નાઈક દ્વારા કરાયેલા એક સંશોધનનું તારણ કહે છે કે કોલ્ડ ડ્રિન્કના ૩૫૦ એમએલના એક કેનમાં લગભગ ૩૭ ગ્રામ કન્સન્ટ્રેટ શુગર એટલે કે ૧૦ ચમચી જેટલી ખાંડ હોય છે. આટલું જ નહીં, માત્ર એક કેન શુગરી સોફ્ટ ડ્રિન્ક પીવાથી ૨૦ મિનિટમાં જ વ્યક્તિના શરીરમાં શુગરનું સ્તર વધી જાય છે. વળી, કોક જેવા તમામ સોફ્ટ ડ્રિન્કમાં રહેલું કેફીન ૪૦ મિનિટમાં જ શરીરમાં અવશોષિત થઈ જાય છે. જેના કારણે ડોપામાઈન હોર્મોન વધે છે. પરીક્ષણમાં એ વાત પણ જોવા મળી કે, સોફ્ટ ડ્રિન્ક પણ વ્યક્તિને નશાની જેમ એડિક્ટ બનાવે છે.
પહેલાં તો આપણે એ સમજીએ કે લિક્વિડ શુગર એટલે શું? પીણાના સ્વરૂપમાં મળતા લગભગ તમામ ગળ્યા પદાર્થ લિક્વિડ શુગર છે. સોડા, કોલ્ડ ડ્રિન્ક, ચાથી માંડીને ખાંડથી તૈયાર થતાં તમામ પ્રકારના શેક, ફ્રૂટ પંચ વગેરે તમામ લિક્વિડ શુગર ગણાય છે. ખાંડ વગરનું ફ્રુટ જ્યુસ પણ લિક્વિડ શુગર જ છે. તેમાં શુગર કોન્સન્ટ્રેટેડ સ્વરૂપમાં હોય છે, જેનાથી શરીરનું કેલરી ઈન્ટેક વધે છે. જે અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બને છે.
લિક્વિડ શુગરની તંદુરસ્તી પર અસર
લિક્વિડ શુગરથી સ્થૂળતા, ડાયાબિટિસ થવાનું સૌથી વધુ જોખમ સર્જાય છે. લિક્વિડ શુગર વજનને નિયંત્રિત કરતા હોર્મોન લેપ્ટિનને પ્રભાવિત કરે છે, જેના કારણે થોડા સમયમાં જ વ્યક્તિને વધુ કેલરી ન ખાવાનો અહેસાસ થવાનું બંધ થઈ જાય છે. પરિણામે વ્યક્તિ વધુ કેલરી આરોગે છે અને સ્થૂળતા વધે છે. રિસર્ચ મુજબ વધુ શુગર ખાનારા વ્યક્તિમાં હૃદય સંબંધિત રોગનું જોખમ 38 ટકા વધુ હોય છે.
શુગરી ડ્રિન્કમાં કેટલી શુગર?
વિવિધ અભ્યાસોનું તારણ દર્શાવે છે કે 350 એમએલના એક કેનમાં 10-13 ચમચી ખાંડ હોય છે. બ્રિટિશ રિસર્ચ અનુસાર 350 એમએલના એક સોફ્ટ ડ્રિન્કમાં લગભગ 10 થી 13 ચમચી ખાંડ હોય છે. આ ખાંડ શરીરમાં વધેલા કેલરીના પ્રમાણથી ઓબેસિટી હાઈપોવેન્ટિલેશન સિન્ડ્રોમ (OSH)નું જોખમ વધારે છે. તેનાથી વ્યક્તિમાં સ્થૂળતાનું જોખમ ઝડપથી વધે છે.
લિક્વિડ શુગર રાત્રે કેટલી નુકસાનકારક?
લિક્વિડ શુગરમાં કેફીન હોય છે, પરિણામે ઊંઘ સંબંધિત બીમારીઓ વધે છે. સ્લીપ ફાઉન્ડેશનના અનુસાર 96 ટકા સોફ્ટ ડ્રિન્કમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે. કેફીન એલર્ટનેસ વધારે છે. આથી રાતના સમયે સોફ્ટ ડ્રિન્ક જેમ કે કોક, સોડા વગેરે પીવાથી અનિદ્રાની ફરિયાદ વધે છે. અન્ય શુગરી ડ્રિન્ક રાત્રે પીવાથી શારીરિક ગતિવિધિ મર્યાદિત હોવાને કારણે ડાયાબિટિસનું જોખમ વધી જાય છે.


comments powered by Disqus