લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડા પ્રધાન પદેથી બોરિસ જ્હોન્સનના રાજીનામાની જાહેરાત સાથે જ ટોરી પાર્ટીમાં ભારે હલચલ મચી છે. ઓછામાં ઓછાં 11 ટોરી સભ્યોએ પાર્ટીના નેતા બનવાની સ્પર્ધામાં ઝૂકાવ્યું છે. સૌપહેલા ભારતીય મૂળના એટર્ની જનરલ સુએલા બ્રેવરમેને વડા પ્રધાનપદ માટે દાવેદારી નોંધાવી દીધી છે. જોકે, ભારતવંશી રિશિ સુનાકનું નામ આગળ હોવાનું મનાય છે. આ ઉપરાંત, ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ, ચાન્સેલર નધિમ ઝાહાવી, એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન, જુનિયર ટ્રેડ મિનિનસ્ટર પેની ડોરમોઉન્ટ, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સ, પૂર્વ હેલ્થ સેક્રેટરી અને પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદ, પૂર્વ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટ, પૂર્વ ઈક્વલિટિઝ મિનિસ્ટર કેમી બેડનોક, ફોરેન એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન ટોમ ટુગેન્ધાટ, પૂર્વ મિનિસ્ટર જેક બેરી તેમજ ટોરી સાંસદ અને નવા ફોરેન ઓફિસ મિનિસ્ટર રહેમાન ચિશ્તી પણ મેદાને જંગમાં છે. એક અફવા ચાલી હતી કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પદત્યાગ કરીને ફરી નેતાગીરીની સ્પર્ધામાં ઝૂકાવશે. જોકે, તેમના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે જ્હોન્સન કોઈ ઉમેદવારની તરફેણ કરશે નહિ. બૂકીઓના ફેવરિટ અને કન્ઝર્વેટિવ લોકપ્રિયતા પોલ્સમાં અગ્રેસર રહેલા ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસ, જસ્ટિસ સેક્રેટરી અને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ડોમિનિક રાબ, પૂર્વ લેવલિંગ અપ સેક્રેટરી માઈકલ ગોવ અને પૂર્વ બ્રેક્ઝિટ મિનિસ્ટર સ્ટીવ બેકરે પક્ષના નેતા અને વડા પ્રધાન પદની સ્પર્ધામાં નહિ હોવાની જાહેરાત કરી છે. છેલ્લે છેલ્લે ગ્રાન્ટ શાપ્સે પણ ઉમેદવારી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.
ગંભીર ઉમેદવાર પેની મોરડોઉન્ટ
જુનિયર ટ્રેડ મિનિસ્ટર પેની મોરડોઉન્ટ ઘણા સમયથી ખાનગી લીડરશિપ અભિયાન ચલાવી રહ્યાં હતાં પરંતુ, ખુલીને બહાર આવેલા ન હોવાથી બોરિસતરફી અને બોરિસવિરોધી સાંસદો માટે અસ્પૃશ્ય બની રહ્યાં હતાં. તેમણે પાર્ટીગેટ કૌભાંડમાં બોરિસ સરકારની ભારે નિંદા કરી હતી. સામાજિક ઉદારમતવાદી પેની મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સના અધિકારોની તરફેણ કરતાં હોવાથી આ મતદારો તેમની તરફ આકર્ષાય તેવી સંભાવના છે. આમ છતાં, તેઓ સાંસદોનું સમર્થન મેળવવામાં સફળતા સાથે ગંભીર ઉમેદવાર તરીકે બહાર આવ્યા છે.
‘રેડી ફોર રિશિ’ સુનાક બૂકીઓના ફેવરિટ
પૂર્વ ચાન્સેલર રિશિ સુનાક વડા પ્રધાન અને પક્ષના નેતાપદની સ્પર્ધામાં બૂકીઓની મુખ્ય પસંદગી બન્યા છે. બૂકમેકર્સને સંબંધ છે ત્યાં સુધી સુનાકે સરસાઈ સાથે આરંભ કર્યો છે. નવા કન્ઝર્વેટિવ નેતા બનવા માટે તેઓ આગળ (2/1) છે જ્યારે બીજા ક્રમે પૂર્વ ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ (8/1) છે.
‘રેડી ફેર રિશિ’ના સ્લોગન હેઠળ ટ્વીટર પર સુનાકનો વીડિયો મેસેજ જણાવે છે કે,‘હું કન્ઝર્વેટિવ પાર્ટીના આગામી નેતા અને તમારા પ્રાઈમ મિનિસ્ટર થવાની સ્પર્ધાંમાં ઉભો છું. આપણે વિશ્વાસનું પુનર્સ્થાપન કરીએ, ઈકોનોમીનું પુનર્નિર્માણ કરીએ અને દેશને એકસંપ બનાવીએ.’ પૂર્વ ચાન્સેલર સુનાકે એવો સંકેત પણ આપ્યો છે કે તેઓ વર્તમાન સરકારના ખર્ચ પ્લાનિંગમાં ગણનાપાત્ર ફેરફાર નહિ કરે કારણકે દેશ સમક્ષ ‘ગંભીર પડકારો છે જેને પ્રામાણિકતા, ગંભીરતા અને મક્કમતાથી હલ કરવાની જરૂર છે.’
સુનાકને 80થી 100 ટોરી સાંસદોનું સમર્થન હોવાનું કહેવાય છે. પૂર્વ ચીફ વ્હીપ માર્ક હાર્પર, પૂર્વ પાર્ટી સહ-અધ્યક્ષ ઓલિવર ડાઉડેન અને હાઉસ ઓફ કોમન્સના નેતા માર્ક સ્પેન્સર સહિત ઘણા સભ્યોએ તેમને ટેકો જાહેર કરી દીધો છે.
2015માં પ્રથમ વખત સાંસદ બનેલા સુનાકના લગ્ન ઈન્ફોસિસના સહ સ્થાપક નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા સાથે થયા છે. બિલિયોનેર અક્ષતાના નોન-ડોમ ટેક્સ સ્ટેટસના કારણે સુનાકને ભારે વિવાદનો સામનો કરવો પડ્યો હતો. સુનાકે કોરોનાકાળમાં બ્રિટિશ લોકો અને બિઝનેસીસને ભારે રાહત આપનારી લોકપ્રિય યોજનાઓ જાહેર કરી હતી અને અર્થતંત્રને બચાવ્યું હતું હતું. જોકે, અર્થતંત્રમાં ભારે દેવાંના કારણે નાગરિકો પર ટેક્સના બોજાને વધારવાની પણ ફરજ પડી હતી.
ટોમ ટુગેન્ધાટનું રાજકીય કદ વધ્યું
ફોરેન એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન ટોમ ટુગેન્ધાટ એક માત્ર ઉમેદવાર છે જેમણે મિનિસ્ટર તરીકે કામગીરી બજાવી નથી. આમ છતાં, કન્ઝર્વેટિવ પાર્ટીમાં તેઓ ભારે વજન ધરાવતા નેતા ગણાય છે. તેઓ કોઈ જૂથ સાથે સંકળાયેલા નથી પરંતુ, પાર્ટીના વ્યાપક ફલકને આકર્ષવા માગે છે અને તેમાં સફળ પણ થઈ રહ્યા છે. ટુગેન્ધાટે ગત જાન્યુઆરીમાં જ નેતાપદની ઉમેદવારી કરવાની ઈચ્છા દર્શાવી હતી. તેમના સમર્થકોમાં ડેમિયન ગ્રીન, એન-મેરી ટ્રેવેલીન, પૂર્વ મિનિસ્ટર સ્ટીફન હેમન્ડ તેમજ સાંસદ એરોન બેલ છે.
સાજિદ જાવિદ- ટેક્સમાં કાપનું વચન
પૂર્વ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે પણ પક્ષના નેતાપદની રેસમાં ઝૂકાવ્યું છે. તેમણે ટેક્સમાં કાપનું વચન આપ્યું છે અને સુનાકના ચાન્સેલર તરીકેના કાર્યકાળની ખુલ્લી અને આકરી ટીકા કરી છે. પૂર્વ ચાન્સેલરના ઈકોનોમિક પ્લાનમાં આગામી વર્ષ માટે 1p ઈન્કમ ટેક્સમાં કાપ તેમજ ફ્યૂલ ડ્યૂટીમાં વધુ કામચલાઉ કાપનો સમાવેશ થાય છે. જાવિદના સમર્થક સાંસદોમાં રાચેલ મેક્લીન, ક્રિસ ફિલિપ, સાકિબ ભટ્ટી અને રોબિન વોકરનો સમાવેશ થાય છે. પાકિસ્તાની ઇમિગ્રન્ટ બસચાલકના 52 વર્ષીય પુત્ર જાવિદ કન્ઝર્વેટિવ પાર્ટીમાં લોકપ્રિય નેતા છે. સુનાકની જેમ તેમને પણ વ્યક્તિગત સંપત્તિને લગતા મામલાઓ પર સવાલોનો સામનો કરવો પડ્યો છે.
લિઝ ટ્રસની વધી રહેલી લોકપ્રિયતા
ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ સ્પષ્ટવક્તા અને નીડર રાજકીય નેતા તરીકે લોકપ્રિય છે. રશિયા સંદર્ભે તેઓ સમાધાનવૃત્તિ ધરાવતાં નથી. ટ્રસ બે વર્ષ ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી પદે પણ હતાં. તેઓ એક સમયે ટ્રેઝરીના ચીફ સેક્રેટરી હતાં અને તેઓ પોતાને ઓછાં ટેક્સ અને વધુ ઉત્પાદનલક્ષી સુધારાવાદી ગણાવી બ્રિટનની ગાડી પાટા પર ચડાવવાનું વચન આપી રહ્યાં છે. તેઓ ટેક્સમાં કાપ અને ખર્ચાની સમીક્ષા કરવા માગે છે. તેમણે ઈયુમાં રહેવા તરફી મત આપ્યો હતો પરંતુ, પાછળથી બ્રેક્ઝિટીઅર બન્યાં હતાં. તેમણે સૌથી વધુ સમય સતત કેબિનેટ મિનિસ્ટરનો હોદ્દો સંભાળેલો છે. તેમના સમર્થકની સંખ્યા વધી રહી છે.
સુએલા બ્રેવરમેન ઉમેદવારીમાં અગ્રેસર
જ્હોન્સનના રાજીનામાં પછી ટોરી પાર્ટીના નેતાપદ માટે સૌપ્રથમ ઉમેદવારીની જાહેરાત ભારતીય મૂળના 42 વર્ષીય સુએલા બ્રેવરમેને કરી હતી. વર્તમાન એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન કન્ઝર્વેટિવ પક્ષની પ્રો-બ્રેક્ઝિટ પાંખમાં મજબૂત પ્રભુત્વ ધરાવતા હોવાનું મનાય છે. બ્રેવરમેન કહે છે કે ટોરી પાર્ટીના ૨૦૧૯ના ચૂંટણી ઘોષણાપત્રમાં દેશ માટે જે આશાસ્પદ વિઝન દર્શાવાયું હતું તે વચનોને તેઓ પૂરાં કરી શકે તેમ હોવાથી તેમણે ઉમેદવારી નોંધાવી છે. સુએલાનાં માતા-પિતા ભારતીય છે.
વેક્સિનેશન અભિયાનમાં સફળ નધિમ ઝાહાવી
વર્તમાન ચાન્સેલર નધિમ ઝાહાવીને બહુ ઝડપથી બઢતી મળી છે. ઝાહાવીએ કોરોના વેક્સિનેશન અભિયાનને ઝડપથી આગળ ધપાવ્યું હતું. તેઓ અને તેમના પત્ની લૌરા સંપત્તિના વિવાદમાં ફસાયેલા છે. તેમણે એજ્યુકેશન અને અર્થતંત્ર મુદ્દે વધુ ધ્યાન આપવાની સાથે કોર્પોરેટ ટેક્સમાં કાપ અને એનર્જી પર VAT ઘટાડવાની તરફેણ પણ કરી છે.
જ્હોન્સન સરકારમાં ન હોય તેવા પ્રબળ દાવેદાર જેરેમી હન્ટ
બોરિસ જ્હોન્સન જ્યારે લોકપ્રિયતાની ટોચ પર હતા ત્યારે પૂર્વ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે પોતાને હાંસિયામાં ધકેલી દીધા હતા પરંતુ બોરિસ જ્હોન્સનની વિદાય સાથે હવ તેમણે ટોરી નેતાગીરી માટે પોતાનો દાવો ઠોકી દીધો છે. તેમણે સુનાકથી વિપરીત ટેક્સીસમાં ભારે કાપ મૂકવાની ખાતરી ઉચ્ચારી છે.
2019માં બોરિસ જ્હોન્સન બાદ જેરેમી હન્ટ પીએમ પદના પ્રબળ દાવેદાર હતા. પરંતુ પીએમ પદના દાવેદારોની મોટી સંખ્યા જોતાં તેમણે પોતાને અળગા કરી લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘આપણે પ્રામાણિકતાથી સ્વીકારવું જોઇએ કે આપણે છેલ્લા એક વર્ષમાં ઘણા મતદારોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ફક્ત હું એકલો જ એવો મોટો ઉમેદવાર હતો જે બોરિસ જહોન્સન સરકારમાં જોડાયો નહોતો. આપણે મતદારોનો વિશ્વાસ પુનઃહાંસલ કરવો પડશે.’ જેરેમી હન્ટ ગેરકાયદે ઇમિગ્રન્ટોને રવાન્ડા જ નહીં પરંતુ અન્ય દેશમાં હાંકી મૂકવાનું પણ વલણ ધરાવે છે. હન્ટ કોર્પોરેટ ટેક્સ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાના હિમાયતી હોવાની સાથે પાંચ વર્ષ માટે બિઝનેસ રેટ હટાવી લેવાની પણ તરફેણ કરે છે. હન્ટે પાર્ટીમાં પોતાનો પાયો મજબૂત બનાવવા એસ્થર મેક્વેને ડેપ્યુટી વડા પ્રધાનપદ આપવાનું પણ જણાવ્યું છે.
કેમી બેડનોકની ઉમેદવારીથી આશ્ચર્ય
પૂર્વ ઈક્વલિટિઝ મિનિસ્ટર કેમી બેડનોકે ઉમેદવારી કરવા સાથે આશ્ચર્ય સર્જાયું છે. તેમણે દેશ માટે મજબૂચ અને મર્યાદિત સરકાર અને સત્યનો આશરો સૂત્ર સાથે બદલાવની તરફેણ કરી છે. રેડવોલ સાંસદો લી એન્ડરસન, બેન બ્રેડલી અને ટોમ હન્ટ સહિતના સાંસદો બેડનોકનું સમર્થન કરી રહ્યા છે.

