સક્ષમ અને વિશ્વસનીય નેતૃત્વની જરૂર

Wednesday 13th July 2022 06:51 EDT
 

આખરે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરવી પડી તેની પાછળ તેમનો અહંકાર ભાગ ભજવી ગયો છે. પાર્ટીગેટ કૌભાંડ હોય કે ડાઉનિંગ સ્ટ્રીટના ફ્લેટની સજાવટ હોય અને ક્રિસ પિન્ચર જેવા લોલુપ અને અશિસ્ત આચરનારા રાજકારણી વિશે જાણકારી હોવાં છતાં, તેમને પાર્ટીમાં શિસ્ત સાચવવાની કમાન સોંપી દેવાઈ હતી. આવી ધકેલ પંચા દોઢસોની નીતિએ તેમને સત્તાત્યાગ માટે મજબૂર કર્યા છે. તેમણે જેટલી વખત પોતાનો બચાવ કર્યો તેમાં તેઓ જુઠ્ઠા જ પુરવાર થયા છે. રાજકીય સાથીઓ અને લોકોની નાડ પારખવામાં જ્હોન્સન વામણા સાબિત થયા છે.
નિયમો અને સત્યની અવગણના કરનારા જ્હોન્સનની સરખામણી રોમના શાસક નીરો સાથે અવશ્ય કરી શકાય જે રોમ ભડકે બળતું હતું ત્યારે પણ ફીડલ વગાડવામાં મસ્ત હતો. મહામારીના બે વર્ષમાંથી બહાર આવ્યા પછી યોગ્ય નીતિ એજન્ડા સાથે આગળ વધવા અને લોકોને આર્થિક કળણમાંથી બહાર કાઢવાના બદલે જ્હોન્સન સરકારે મહિનાઓ સુધી આંતરિક રાજકારણ અને કૌભાંડોનો જ સામનો કર્યો.
રાજકારણ એટલે વચનોની ભરમાર અથવા હથેળીમાં ચાંદ બતાવવાની રમત. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં વિજય મળવા સાથે જ દેશના વડા પ્રધાન બનવાનું સ્વપ્ન સાકાર થઈ જાય. ટોરી પાર્ટીના જે નેતાઓએ આ સ્પર્ધામાં ઝૂકાવ્યું છે તે બધાએ ટેક્સીસમાં ભારે કાપ અથવા રાહતના વચનો આપ્યા છે. અત્યાર સુધી એક માત્ર રિશિ સુનાકે ટેક્સમાં કાપ નહિ મૂકાય તેવું વલણ સ્પષ્ટ કર્યું હતું. જોકે, હવે તેમણે પણ બેન્ડવેગનમાં જોડાઈ જવાની ફરજ પડી છે. જોકે, તેમણે કહ્યું છે કે એક વખત ઈન્ફ્લેશન કાબુમાં આવી જાય તે પછી તેઓ પણ ટેક્સ ઘટાડવાનું વિચારી શકે છે. તેમણે સાચી રીતે કહ્યુ છે કે મતદારોને પ્રામાણિકતા અને ઉત્તરદાયિત્વનું દર્શન કરાવવું પડશે અને તેમની પાસે દેશને આ તોફાનમાંથી બહાર લાવવાની યોજના તૈયાર છે. પ્રતિસ્પર્ધી નેતાઓ પણ સુનાકના પ્રભાવને સ્વીકારે છે પરંતુ, મહત્ત્વની બાબત એ છે કે બોરિસ જ્હોન્સનના વફાદારો સુનાકને દ્રોહી અને ટેક્સ વધારનારા ગણાવે છે. ઈન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ અને નેશનલ ઈન્સ્યુરન્સ ટેક્સમાં મોટા કાપ મૂકવા માગતું આ જમણેરી જૂથ સુનાકને પરાસ્ત કરવા મેદાને પડ્યું છે.
ટોરી બેકબેન્ચર 1922 કમિટીએ સાંસદોના સમર્થનના નિયમમાં બદલાવ કરવો પડ્યો છે જેથી નેતાપદના દાવેદારોમાંથી મજબૂત નેતાઓ જ સ્પર્ધામાં રહે, પરિણામ ઝડપથી મેળવી શકાય અને જ્હોન્સનને લાંબો સમય વડા પ્રધાન તરીકે સ્વીકારવા ન પડે. આ નિયમ મુજબ હવે કોઈ પણ ઉમેદવારે સ્પર્ધામાં રહેવા માટે ઓછામાં ઓછાં 20 સાંસદનું સમર્થન મેળવવું આવશ્યક રહે છે. આ નિયમની ચારણીમાં જ કેટલાક આશાવાદીઓ ખરી પડશે તે નિશ્ચિત છે. આના પરિણામે જ ગ્રાન્ટ શાપ્સે ઉમેદવારી પાછી ખેંચી લેવી પડી છે.
લોકો જીવનનિર્વાહની ગંભીર કટોકટી અનુભવી રહ્યા છે, લાખો લોકો આવક અને ખર્ચના બે છેડાં મેળવવાની પોતાની ક્ષમતા વિશે શંકા સેવવા લાગ્યા છે, ફુગાવો 11 ટકાના સ્તરે પહોંચવાની તૈયારીમાં છે. પાઉન્ડ નીચે જઈ રહ્યો છે, યુરોપમાં યુદ્ધ ખેલાઈ રહ્યું છે અને યુરોપિયન યુનિયન સાથે બ્રિટનના સંબંધોમાં કડવાશ આવી છે. આ સંજોગોમાં યુકેને સક્ષમ અને વિશ્વસનીય નેતાગીરીની જરૂર છે. નવા વડા પ્રધાન સ્થિર શાસન આપી શકશે કે વહેલી સામાન્ય ચૂંટણી આવી પડશે તે હવે સમય જ કહી શકશે.


comments powered by Disqus