વડિલો અને વ્હાલા વાચક મિત્રો,
નમસ્તે !
જુલાઇના ત્રીજા યા ચોથા સપ્તાહથી અત્રેની સ્કુલોમાં સમર વેકેશન શરૂ થશે. આ ગોલ્ડન પિરીયડ છે દાદા-દાદી કે નાના-નાની અને ગ્રાન્ડ ચિલ્ડ્રન વચ્ચેનું બોન્ડીંગ મજબૂત કરવાનો. તમે કહેશો, એ કેવી રીતે? એનો જવાબ છે: રજાના સમયમાં બાળકો પાસે કોઇ પ્રવૃત્તિ ન હોય તો તેઓ કંટાળી જાય એ સ્વાભાવિક છે. ખાસ કરીને એમના મમ્મી-પપ્પા બન્ને જોબ પર જતાં હોય ત્યારે સમય કેવી રીતે પસાર કરવો એ એક મૂંઝવણ ઉભી કરે છે. એનો સરળ ઉપાય છે જેના અમલથી બે પેઢી વચ્ચેનું અંતર ઘટશે. અને માતૃભાષા શીખવવાનો તેમજ સંસ્કાર સિંચનનો મોકો મળશે. આ તક ઝડપી લેવા જેવી છે.
બાળકોને રસ પડે એ રીતે ભાષા શિક્ષણના પાઠ રમતાં-રમતાં શીખવાડવાની તરકીબ હું આપને મારી સમજ મુજબ બતાવવાનો પ્રયાસ કરૂં છું : .
લોકડાઉનના સમયમાં મેં ઓન લાઇન મારી ત્રણ પૌત્રીઓને ગુજરાતી શીખવવાનો પ્રયાસ કર્યો અને આશ્ચર્યકારક પરિણામ આવ્યું. ટૂંક સમયમાં કક્કો-બારાખડી, શબ્દો અને ગુજરાતી બાળ કવિતાઓ/પ્રાર્થના ગાતાં થઇ ગયા. પોતાને માતૃભાષા આવડવાનું ગૌરવ અનુભવતા અને અમારા ગુજરાતમાં રહેતાં સગાં-સંબંધીઓ સાથે અગાઉ વાત કરી શકતા ન હતા તે ધીરે ધીરે "કેમ છો? મજામાં …" વગેરે બોલતાં થઇ ગયા. તે સમયે મારો એ વિષયક લેખ પણ પ્રસિધ્ધ થયો હતો.
મારા અનુભવના આધારે હું આપ સૌને કેટલીક ટીપ્સ આપું.
જો તમે સાથે કે નજીક રહેતા હો તો રૂબરૂ અને બે ઘર વચ્ચે લાંબુ અંતર હોય તો (નવી ટેકનોલોજીના આધારે) ફેસ ટાઇમ દ્વારા સંપર્ક કરી શીખવાડી શકાય. આમ જુઓ તો આપણા ગ્રાન્ડ ચિલ્ડ્રનને આપણી સાથે વાતો કરવી ગમતી હોય છે. પંચતંત્રની નાની નાની રસિક વાર્તા કહો. તેઓ પણ આવી કોઇ વાર્તા જાણતા હોય તો એમને પણ કહેવાનું કહો.
જો આપના માટે ભાષાની સમસ્યા હોય તો અરસ-પરસ ડીલ કરો. તમે મને અંગ્રેજી શીખવો અને હું તમને ગુજરાતી. બહુ મજા આવશે. ભાષા શીખવાના ફાયદા વિષે પણ બાળકો સાથે વાત કરો. એમને જ કહો, તેઓ ઓન લાઇન બધું શોધી કાઢશે. એમની જ મદદ લઇ એમને એમાં સામેલ કરશો તો તેઓ જાતે સમજતાં થશે કે માતૃભાષા શીખવાના લાભ
શું છે?
એક શિક્ષક તરીકે મારો અભિપ્રાય આપું તો બાળકોને "પ્લે વે મેથડ" અને "પરિચિતથી અપરિચિત તરફ જવું "ની ટેકનીક અપનાવવાથી વિષયમાં રસ ઉત્પન્ન કરી શકાય.
અમે "ગુજરાત સમાચાર"માં આવતા સપ્તાહથી પુન: “લર્ન ગુજરાતી" કોલમ શરૂ કરીએ છીએ. જેથી એના આધારે આપ આપના ગ્રાન્ડ ચિલ્ડ્રનને શીખવી શકશો. સામાન્ય વાત કરતા થશે તો તમને આનંદ આવશે અને એમના અને તમારા સમયનો સદુપયોગ થયાનું ગૌરવ ઉપજશે.

