2014થી 2022. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારને સત્તારૂઢ થયાના આઠ વર્ષ ભારતના માળખાકીય વિકાસમાં સીમાસ્થંભ સ્વરૂપ સાબિત થયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસ હાઇવે, રેલવે અને નવા એરપોર્ટ વિકસાવવાની સાથે તમામ સેક્ટરમાં માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મોદી સરકારના આ 8 વર્ષના કાર્યકાળમાં ઇન્ફ્રા પ્રોજેક્ટોને મંજૂરી અને તેને પૂરા કરવાની દિશામાં મહત્વના પગલાં લેવાયા અને વિકાસની ગાડીએ વેગ પકડ્યો હતો. અગાઉની સરકારોમાં પ્રોજેક્ટો ફક્ત કાગળ પર જ મંજૂર કરાતા હતા અને ગ્રાઉન્ડ લેવલ પર તેનું કોઇ અસ્તિત્વ લાંબા સમય સુધી દેખાતુ નહોતું. મોદી સરકાર અને હાઇવે બિલ્ડિંગ મેન તરીકે જાણીતા બનેલા તેમના મંત્રી નિતિન ગડકરીના કાર્યકાળમાં ભારતના રોડ નેટવર્કે જાણે કે હરણફાળ ભરી છે. મોદી સરકારે સડક આધારિત લોજિસ્ટિક નેટવર્ક વિકસાવવામાં મોટી સફળતા હાંસલ કરી છે. કાશ્મીરથી કન્યાકુમારી હાઇવે, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ હાઇવે, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે, દિલ્હી – દેહરાદૂન, દિલ્હી – અમૃતસર, દિલ્હી-ચંડીગઢ, દિલ્હી – જયપુર, મુંબઇ – પૂણે, ગંગા એક્સપ્રેસવે તો પરિપૂર્ણ કરાયેલા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સનું નાનું ઉદાહરણ છે. હાલ ઘણા પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે જે આગામી વર્ષોમાં શહેરો વચ્ચેના અંતર ઘટાડવાની સાથે સુવિધાજનક મુસાફરી અને માલસામાનની ઝડપી હેરફેર શક્ય બનાવશે. દેશનું આ વિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અર્થતંત્રની ગાડીને વેગ આપી રહ્યું છે. આજે વિશ્વના વિકસિત દેશોના અર્થતંત્રો મંદી સામે ઝઝૂમી રહ્યાં છે ત્યારે વિશ્વ બેન્કે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ 6.5 ટકાથી વધારીને 6.9 ટકા કરી દીધો છે. મોદી સરકાર દ્વારા દેશની સુરક્ષા માટે જરૂરી સરહદી માળખાકીય વિકાસને પણ અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે. સરહદી વિસ્તારોમાં અટલ ટનલ સહિતના ટનલ પ્રોજેક્ટ શરૂ કરીને ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. સરહદી રસ્તાઓને પહોળા કરવામાં આવી રહ્યાં છે. લદ્દાખથી અરૂણાચલપ્રદેશ સુધીના 4000 કિમી લાંબા સરહદી માર્ગના પ્રોજેક્ટ પર સરકાર ઝડપથી આગળ વધી રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં નવી રેલવે લાઇન, વંદે ભારત જેવી નવી લક્ઝુરિયસ ટ્રેન સેવા, વિસ્ટા ડોમ કોચ, ટ્રેનની સંખ્યામાં વધારો, રેલવે ટ્રેક ડબલ કરવા અને વિદ્યુતીકરણની કામગીરી, રેલવે સ્ટેશનો પર એરપોર્ટ જેવી સુવિધા, જેવા ઘણા પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યાં છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ છઠ્ઠી વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તે ઉપરાંત અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર પણ પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. રિજિયોનલ રેપિડ રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અંતર્ગત આ કામગીરી ચાલી રહી છે. શહેરોમાં મુસાફરી સરળ બનાવવા મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરાઇ રહ્યાં છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં મેટ્રો રેલ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આજે લાખો અમદાવાદી ઝડપથી શહેરના એક છેડાથી બીજા છેડે પહોંચી શકે છે.
ગયા સપ્તાહમાં વડાપ્રધાન મોદી દ્વારા ગોવામાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરાયું. 2014માં મોદી સત્તા પર આવ્યા પછી ભારતમાં એરપોર્ટ નિર્માણ બમણા પર પહોંચ્યું છે. 2014માં દેશમાં 74 એરપોર્ટ કાર્યરત હતા જે 2022માં વધીને 141 પર પહોંચી ગયાં છે. સરકારે વધુ 21 ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણને લીલી ઝંડી આપી છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં થઇ રહેલો વિકાસ આંખને આંજી દે તેવો છે.
