લંડનઃ કેનેડાના ક્યુબેક પ્રોવિન્સની એસમ્બ્લીએ કેનેડાના રાજવી ગણાતા બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતિયના નામે શપથ લેવાને વૈકલ્પિક બનાવતા ખરડાને સ્વીકારી લીધો છે. હવે ફક્ત ક્યુબેકની જનતાને નામે શપથ લેવાનું જ ફરજિયાત રહેશે. ક્યુબેકોઇસ પાર્ટીના નેતા પોલ પ્લામોન્ડોને જણાવ્યું હતું કે, ક્યુબેક માટે આ મહાન ક્ષણ છે. બ્રિટિશ સંસ્થાનવાદમાંથી મુક્તિની દિશામાં ક્યુબેકનું આ વધુ એક પગલું છે. ક્યુબેકની સત્તાધારી ગઠબંધન દ્વારા રજૂ કરાયેલા ખરડાનો સ્વીકાર થયા બાદ પોલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી આપણે આ બાબતોને હળવાશથી લેતાં હતાં અને એમ માનતા હતા કે તેમાં કોઇ બદલાવ થઇ શક્તો નથી પરંતુ ફક્ત 12 મિનિટમાં આ સુધારો થઇ ગયો હતો.
ઓક્ટોબરમાં થયેલી ચૂંટણી બાદ ગયા સપ્તાહમાં એસેમ્બ્લીના પહેલા સત્રમાં પોલ અને તેમના બે સાથીઓએ કિંગના નામે શપથ લેવાનો ઇનકાર કરી દીધો હતો જેના કારણે તેમને એસેમ્બ્લીમાંથી રવાના કરી દેવાયાં હતાં. ત્યારબાદ એસેમ્બ્લીના સભ્યો દ્વારા આ ખરડો લાવવામાં આવ્યો હતો.
એપ્રિલ 2022માં હાથ ધરાયેલા સરવેમાં કેનેડાના નાગરિકોએ દેશમાંથી બ્રિટિશ તાજની આધીનતા દૂર કરવાની તરફેણ કરી હતી. ક્યુબેકમાં
71 ટકા લોકોએ બ્રિટિશ આધિપત્ય ફગાવી દેવાને સમર્થન આપ્યું હતું.

