ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની ઘોર ખોદી, ભાજપનો કિલ્લો અકબંધ રહ્યો

Wednesday 14th December 2022 05:18 EST
 

આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયાં. ભાજપે 52.5 ટકા મત સાથે 182માંથી 156 બેઠકો હાંસલ કરીને વિક્રમ સર્જવાની સાથે વિધાનસભામાં વિરોધપક્ષને નામશેષ કરી નાખ્યો. આ ચૂંટણીમાં ભાજપને 2017ના 1,47,24,031 મતની સરખામણીમાં 3.45 ટકા વધુ એટલે કે 1,67,07,957 મત મળ્યાં જ્યારે 2017માં 77 બેઠક મેળવનાર કોંગ્રેસ ફક્ત 17 બેઠક પ્રાપ્ત કરવામાં સફળ રહી. કોંગ્રેસ 14.14 ટકા મતો ગુમાવીને ફક્ત 27.3 ટકા મત જ મેળવી શકી. 2017માં કોંગ્રેસને 1,24,37,661 મત મળ્યાં હતાં. 2022માં ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી ફક્ત 86,83,966 મત મેળવી શકી છે. આ આંકડા જોતાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર મોટાપાયે ઝંપલાવનાર આમ આદમી પાર્ટીએ ભાજપ કરતાં કોંગ્રેસને વધુ નુકસાન પહોંચાડ્યું છે. 2017માં 29 બેઠકો પર ચૂંટણી લડી આમ આદમી પાર્ટીએ ફક્ત 29,509 મત હાંસલ કર્યાં હતાં જેની સામે 2022માં 181 બેઠક પરથી ચૂંટણી લડીને પાર્ટીએ 12.9 ટકા એટલે કે 41,12,055 મત મેળવવાની સાથે પાંચ બેઠકો પર વિજય હાંસલ કર્યો છે. આપના સુપ્રીમો કેજરીવાલ ભાજપના ગઢમાં સેંધમારીનો દાવો કરી રહ્યા છે પરંતુ આપના આવવાથી ભાજપને નહીંવત જ્યારે કોંગ્રેસને મસમોટું નુકસાન થયું છે. આમ આદમી પાર્ટી જે પાંચ બેઠકો પર વિજયી બની છે તેમાં ડેડિયાપાડામાં બીટીપીને 2991 મતનું નુકસાન થયું જ્યારે ભાજપને 2017 કરતાં બે હજાર મત વધુ મળ્યાં છે. ગારિયાધારમાં ભાજપને 5500 મત વધુ મળ્યા જેની સામે કોંગ્રેસને 33,000 કરતાં વધુ મતનું નુકસાન થયું. બોટાદમાં ભાજપને 2000 મત ઓછા મળ્યા પણ કોંગ્રેસને 60,000 મતનું નુકસાન ઉઠાવવું પડ્યું. જામજોધપુર બેઠક પર ભાજપને 2017 કરતાં 700 મત વધુ મળ્યાં જ્યારે કોંગ્રેસને 50,000 કરતાં વધુ મતનું નુકસાન વેઠવું પડ્યું. વિસાવદરમાં ભાજપને 2017ની સરખામણીમાં 300 મત વધુ મળ્યા અને કોંગ્રેસને 64000 કરતાં વધુ મત ગુમાવવા પડ્યાં. આમ આપે જીતેલી પાંચ બેઠકમાં કોંગ્રેસને જ મતોમાં મોટું નુકસાન થયું છે.
વિધાનસભાની 37 બેઠક એવી છે જ્યાં ભાજપના મતોમાં ઘટાડો થયો હતો. 11 બેઠકોમાં ભાજપના મતોમાં 2017ની સરખામણીમાં 10,000 કરતાં વધુનો ઘટાડો થયો હતો. આ 37 પૈકીની 23 બેઠકોમાં ભાજપનો જ્યારે કોંગ્રેસનો 9 બેઠકો પર વિજય થયો હતો. આમ આદમી પાર્ટીએ બે બેઠક પ્રાપ્ત કરી હતી. આ 37 બેઠકો પર આમ આદમી પાર્ટી ભાજપના મત આંચકી લેવામાં સફળ રહી હતી. જોકે આમ આદમી પાર્ટીને ભાજપના મતોનો મર્યાદિત લાભ થયો હતો કારણ કે આ બેઠકો પર કોંગ્રેસે પણ મોટું નુકસાન સહન કર્યું હતું. 19 બેઠકોમાં આમ આદમી પાર્ટીને 50,000 કરતાં વધુ મત મળ્યાં છે. જોકે આ 19 બેઠકોમાં ભાજપે ફક્ત 35,661 મત ગુમાવ્યા છે જેની સામે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓને મોટું નુકસાન થયું છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા મતદાનના આંકડા જોતાં એમ લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ભાજપના ગઢના કાંગરા ખેરવવામાં સફળ રહી નથી. આમ આદમી પાર્ટીને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના મતો જ ટ્રાન્સફર થયાં છે. આમ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભાજપને નુકસાન કરવાને બદલે કોંગ્રેસની ઘોર ખોદી નાખી છે.


comments powered by Disqus