મોરબીનો ઝૂલતો પુલ તૂટવામાં પાલિકાનો જ વાંકઃ હાઇ કોર્ટમાં રિપોર્ટ

Wednesday 14th December 2022 07:17 EST
 
 

અમદાવાદ: મોરબીના સસ્પેન્શન ઝુલતા પુલની દુર્ઘટનામાં નાનાં બાળકો સહિત 135 નિર્દોષ લોકોનાં અકાળે મૃત્યુના કેસમાં હાઇકોર્ટની ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ એ. જે. શાસ્ત્રીની ખંડપીઠે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજી પર સોમવારે સુનાવણી થઈ હતી.
સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપેલો છે કે, એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ જે ભલામણો કરી છે, તેનો અમલ કરો, યોગ્ય રેકર્ડ રાખો. આવી દુર્ઘટનાને નિવારવા માટે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર) બનાવો અને અપનાવો. 24 નવેમ્બરે હાઇકોર્ટે નિર્દેશ આપેલો કે આ પ્રકારની દુર્ઘટનાઓના મુદ્દે નિયમનકારી પદ્ધતિ (રેગ્યુલેટરી મિકેનિઝમ) અને પુનર્વસન માટેનાં યોગ્ય પગલાં લેવા માટેની કોઈ ઠોસ નીતિ બનાવો.
હાઈકોર્ટે એવી પણ સૂચના આપી હતી કે રાજ્યમાં કુલ કેટલા બ્રિજ છે અને તેની સ્થિતિ શું છે તે જણાવો. હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કરેલો કે, આ દર્દનાક દુર્ઘટના છતાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ કરી નથી ? મોરબીના ચીફ ઓફિસર સામે આરોપ કેમ નક્કી કરાયા નથી ? આ સમયે, સરકારની રજૂઆત હતી કે મોરબી નગરપાલિકાને બરખાસ્ત કરવા અંગે વિચારીએ છીએ. દરમિયાન સરકારના વિરોધ વચ્ચે હાઇકોર્ટે બે યુવા વકીલની આ કેસ માટે એમિક્સ ક્યુરી તરીકે નિમણૂક કરી વધુ સુનાવણી 21 ડિસેમ્બરે નિશ્ચિત કરી છે.


comments powered by Disqus