વધુ પડતા ગરમ કપડાં પહેરીને ડ્રાઇવ કરનારને 100 પાઉન્ડનો દંડ થઇ શકે

Wednesday 14th December 2022 05:54 EST
 
 

લંડન

શિયાળાની કાતિલ ઠંડીથી બચવા માટે ઢગલાબંધ ગરમ કપડાં પહેરીને કાર ડ્રાઇવિંગ કરશો તો તમને 100 પાઉન્ડ સુધીનો દંડ થઇ શકે છે. ઠંડીમાં બહાર જતી વખતે ઘણા લોકો ગરમ કપડાંથી પોતાને ઢાંકીને કાર ડ્રાઇવ કરતા હોય છે. પરંતુ હવે કાર ચલાવતી વખતે ડ્રાઇવિંગમાં અડચણરૂપ થાય તેવા ગરમ કપડાં પહેર્યાં હશે તો ડ્રાઇવિંગ લાયસન્સના પોઇન્ટ ઘટી શકે છે અને દંડ પણ થઇ શકે છે.

કાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કાર ડ્રાઇવ કરતી વખતે અડચણરૂપ થાય તેવા ક્લોધિંગ સ્ટેપલ્સ પહેર્યાં હશે તો તેમને દંડ થઇ શકે છે. લાંબા સ્કાર્ફ કે ઓવરસાઇઝ કોટ પહેરીને ડ્રાઇવિંગ કરવું એ હાઇવે કોડનું ઉલ્લંઘન છે. નિયમ 97 અનુસાર ડ્રાઇવરે એવા જૂતા કે કપડાં પહેરવા જોઇએ જે તેમને કારના કન્ટ્રોલનો ઉપયોગ કરવામાં બાધારૂપ ન બને.

જો આ પ્રકારના કપડાં પહેરીને ડ્રાઇવિંગ કરતી વખતે અકસ્માત સર્જાય તો તમને 100 પાઉન્ડનો દંડ અને તમારા લાયસન્સમાં 3 પોઇન્ટનો ઘટાડો ભોગવવો પડશે. એક અભ્યાસ પ્રમાણે બ્રિટનમાં સૌથી વધુ કાર અકસ્માત વરસાદની સિઝનમાં થતા હોય છે.


    comments powered by Disqus