સિધ્ધિના શિખરો સર કરતા “ગુજરાત સમાચાર-એશિયન વોઇસ”ની અમેરિકાના ફલોરિડામાં બોલબાલા

- કોકિલા પટેલ Thursday 15th December 2022 01:29 EST
 
 

ગયા રવિવારે મારા મોબાઇલ પર અમેરિકાથી અજાણ્યા નંબરથી ફોન આવ્યો એટલે મેં કોઇ ફ્રોડસ્ટર હશે એમ સમજીને કોલ આન્સર ના કર્યો પણ બે-ત્રણ વાર કોલ આવતાં મેં ફોન આન્સર કર્યો તો સામેથી અમેરિકન ઇંગ્લીશ બોલતાં સંધ્યા પટેલે "આર યુ કોકિલા પટેલ?” પ્રશ્ન પૂછયો એટલે મેં "યસ, વોટ યુ વોન્ટ?!” ત્યારે એ અમેરિકન ગુજરાતી સંધ્યાબહેને મને જણાવ્યું કે, “અમને દર વીકે તમારું ગુજરાત સમાચાર-Asian Voice મળે છે અને મારી મમ્મીને વાંચવાનું ખૂબ ગમે છે, અહીં અમેરિકામાં મારી મમ્મીને તમે આવી સરસ સર્વિસ આપો છો એટલે મારે તમને થેન્ક્યુ કહેવું છે.”
મેં સંધ્યાબહેનને કહ્યું, “તમે અમેરિકાથી ફોન કરીને અમારા તંત્રીશ્રી સી.બી. સાહેબ અને અમારા તંત્રીમંડળનો આભાર વ્યક્ત કર્યો એ અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. તમારા મમ્મીનું નામ શું છે? ત્યારે સંધ્યાબહેને કહ્યું કે, “મારા મમ્મી-પપ્પા આફ્રિકાથી આવીને વર્ષો સુધી લંડનમાં જ રહ્યાં છે. મારા પપ્પાના દેહાંત પછી મારી મમ્મી કાયમ માટે અમારી સાથે ફ્લોરિડા આવીને રહ્યાં છે. મારા પપ્પા ગયા વર્ષે સ્વર્ગવાસી થયા ત્યારે તમે એમના વિષે બહુ સરસ લખ્યું હતું એ બદલ તમારો ખૂબ આભાર.”
વરસ દહાડે "ગુજરાત સમાચાર"માં હજારોની સંખ્યામાં આભાર દર્શન પ્રસિધ્ધ થતાં હોય છે એટલે સંધ્યાબહેનને મેં એમના પપ્પાજીનું નામ શું એવી પૃછા કરી તો ખબર પડી કે "તારાપુરના મૂળ વતની અને વર્ષોથી સાઉથ લંડનમાં રહેતા જાણીતા સામાજિક સેવક દિવંગત શ્રી ઇશ્વરભાઇ પટેલનો મેં એકાદ વર્ષ અગાઉ એમની શ્રધ્ધાંજલિરૂપે મેં અંગ્રેજી અને ગુજરાતીમાં આખા પાનાનો લેખ પ્રસિધ્ધ કર્યો હતો એ મને યાદ આવ્યું.
સંધ્યાબહેને કહ્યું કે, “તમારા ગુજરાત સમાચાર-Asian Voice" અમે ફલોરિડામાં જ્યાં રહીએ છીએ ત્યાં ખૂબ પોપ્યુલર થઇ ગયાં છે. મારા મમ્મી સૂર્યાબહેન ગુજરાત સમાચાર વાંચી લે પછી અમારા ગુજરાતી મિત્રો-સ્નેહીજનો વાંચવા લઇ જાય છે અને એ સૌને વાંચવાની ખૂબ મજા આવે છે. તમે અમેરિકા આવો તો ખાસ ફલોરિડા અમારે ઘરે આવજો. અમે સૌ સી.બી. પટેલ અને તમને મળવા ખૂબ ઉત્સુક છીએ.
ઇશ્વરભાઇનાં ધર્મપત્ની આદરણીય સૂર્યાબહેને પણ મારી સાથે વાત કરી દિપોત્સવી અંક અને "ગુજરાત સમાચાર" સમયસર મળે છે એનો ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus