વડીલો સહિત સૌ વાચકમિત્રો, ઠીક ઠીક સમય પછી આપણે મળી રહ્યા છીએ. ફરી એક વખત આપની સમક્ષ રૂબરૂમાં હાજર થવા માટે સદભાગી બન્યો છું. પરમાત્માની કૃપા તેમજ આપ સહુના અને પરિવારજનોના આશીર્વાદથી આ ઘઘો હેમખેમ છે. 86 વર્ષ પૂરા થવા આવ્યા છે, પણ જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞ માટે સંપૂર્ણ સમર્પિત છું. વચ્ચે તબિયતમાં કંઇક ઇન્ફેક્શન લાગ્યું હતું. થોડા દિવસ દવાખાને પણ જઇ આવ્યો, પરંતુ હવે સુખરૂપ છે. શરીર છે ચાલ્યા કરે. જોકે હવે પૂર્વવત કરતાં વધારે તબિયત સાચવી લઉં છું. ‘કાયમના મિત્ર’ ડાયાબિટીસનો સાથસહકાર મળતો રહ્યો છે અને બીજા કોઇ ગંભીર દર્દ હેરાન કરતા નથી. પ્રકાશન પ્રવૃત્તિમાં આયોજનપૂર્વક નવા અને સક્ષમ સાથીઓ સામેલ થયા છે અને થઇ રહ્યા છે. એ અર્થમાં મારી ગેરહાજરી જોતાં કેટલાક મિત્રોએ - શુભેચ્છકોએ જે પૃચ્છા કરી છે તેમનો આભાર માનું છું. મારી પ્રાથમિક્તા જ્ઞાનયજ્ઞ-સેવાયજ્ઞની છે. હું બીજી બાબતોમાં ધ્યાન આપું છું. તેના પરિણામે કામ સરળ ચાલે છે. ગુજરાત સમાચાર - Asian Voice જોઉં છું, વાંચુ છું. દીપોત્સવી અંક તો ખરેખર અફલાતુન હતો - બધી જ રીતે. આ માટે સહુ સાથીઓનો આભાર માનું છું. કંઇકેટલાય લોકોએ દીપોત્સવી અંકની ભરપૂર પ્રશંસા કરી છે તે અમારું સદભાગ્ય સમજું છું.
વાચક મિત્રો, આજે આપ સહુ સમક્ષ ઐતિહાસિક ઘટનાની ચર્ચા કરવા હાજર થયો છું. ઘણી વખત આપણે ઐતિહાસિક ઘટનાને સમજવામાં - મૂલવવામાં થાપ ખાઇ જતા હોઇએ છીએ. આપે વીતેલા સપ્તાહના ગુજરાત સમાચારમાં વાંચ્યું જ હશે કે જાણીતા ફિલ્મ કલાકાર અને ભૂતપૂર્વ સાંસદ પરેશ રાવલે એક સભાને સંબોધતાં એવું કહ્યું કે સાબરમતી કે સંત તુને અકેલે નહીં કિયા કમાલ... તેમના આ શબ્દોના આ અર્થઘટનમાં ભારે મતભેદ - ઉન્માદ જોવા મળ્યા છે. ઘણા લોકોએ આ શબ્દોને ગાંધીજીનું અપમાન ગણાવીને તેની આકરી ટીકા કરી છે,
પણ સાચી વાત તો એ છે કે આપણી પૂર્વ ભૂમિકા સમજવાની જરૂર છે.
ગાંધીજીની હત્યા બાદ એ કપરા દિવસોમાં તેમને અંજલિ અર્પતું એક ગીત બહુ જાણીતું થયું હતું. તેના શબ્દો હતાઃ દે દી હમે આઝાદી બિના ખડગ, બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ...
તે દિવસોની વાત કરીએ તો, એ સમયનો માહોલ તો આપણે એકદમ નહીં સમજી શકીએ, પણ ઇતિહાસ પર સરસરતી નજર જરૂર ફેરવશું તો કંઇક ચિત્ર સ્પષ્ટ થશે.
1946થી 1950 સુધીનો એ ગાળો ભારત માટે બહુ કષ્ટદાયક - દુઃખદાયક રહ્યો તેનો ઇતિહાસ સાક્ષી છે. ઓગસ્ટ 1946માં કોલકતામાં મુસ્લિમ લીગે એક્શન ડે મનાવ્યો. તેના કલાકોમાં જ 16 હજાર હિન્દુઓની કરપીણ કત્લેઆમ થઇ. આ પછી બંગાળ અને પંજાબમાં કોમી એખલાસનો માહોલ ખોરવાયો. 1947ના પ્રારંભે બ્રિટિશ પાર્લામેન્ટમાં લેબર સરકારે પ્રસ્તાવ મૂક્યો અને પાસ થયો ઇન્ડિયા ઇન્ડીપેન્ડન્સ એક્ટ 1947. આ કાયદા અનુસાર હિન્દુસ્તાનના 565 રજવાડાંને ભારતમાં કે પાકિસ્તાનમાં જોડાવાનો અથવા સ્વતંત્ર બનવાનો હક્ક (અધિકાર) અપાયો હતો. સામ્રાજ્યવાદીઓની આ મેલી મુરાદને સરદાર સાહેબે ભોંયપરસ્ત કરી, અખંડ ભારતની આપણને કાયમી ભેટ આપી.
સમય વર્તે સાવધ થવામાં બ્રિટિશ શાસકો - આજકાલથી નહીં, સદીઓથી - માહેર છે. બીજા વિશ્વયુદ્ધમાં જર્મની સામે જીતવા છતાં ખોખલું થયેલું બ્રિટન અને બીજા દેશો અમેરિકાના માર્શલ પ્લાનની મદદ પર જીવતા હતા.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સિંગાપોર અને મલેશિયા સહિતના અગ્નિ એશિયાના દેશોમાં ગોઠવાયેલી બ્રિટિશ સેનામાં સામેલ હિન્દી સૈનિકોએ આઝાદ હિન્દ સેનામાં સામેલ થવા કુરબાની આપી. બર્માની સરહદથી આસામના કોહિમા સુધી બ્રિટિશ સેનાને ભગાડી. છાવણી નાંખી. ભારતના હિન્દુ - મુસ્લિમ - શીખ બધા સૈનિકો એકસાથે હતા.
અને બ્રિટિશ શાસકોને પહેલી વખત લાગ્યું કે ભારતને ગુલામીની બેડીમાં જકડી રાખવાનું મુશ્કેલ બની રહ્યું છે.
બીજો એક પ્રસંગ જોઇએ. આ ઘટના દર્શાવે છે કે બ્રિટિશ શાસકો સમયના વહેણને કેટલા સુક્ષ્મ રીતે પારખી શકે છે. 1928માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે મહેસૂલના ભારે બોજ તળે દબાયેલા ખેડૂતોએ સંપૂર્ણપણે શાંતિપૂર્વક જોરજુલમ - અત્યાચારો સહન કર્યા, પણ વિરોધ ન છોડ્યો. સરદાર વલ્લભભાઇ પટેલની રાહબરી હેઠળ બ્રિટિશ સામ્રાજ્ય સામે સંઘર્ષ છેડ્યો. આ લડતના પરિણામે બ્રિટનની હાઉસ ઓફ કોમન્સમાં તે સમયે એક શબ્દ બોલાયો હતોઃ આખું હિન્દુસ્તાન બારડોલાઇઝ થશે તો બ્રિટિશ સેના અને સામ્રાજ્યવાદ ક્યાં જશે?
આમ તે વખતે ગાંધીજીની શાંતિપૂર્ણ ચળવળ કામમાં આવી, પણ ગાંધીજીની વિચારસરણી ક્યા ક્યા તબક્કે કામમાં આવી, તેના પરિણામે ક્યા ક્યા પરિવર્તન થયા હશે તે પણ સમજવા રહ્યા.
ગાંધીજી ૧૮૭૯-૮૦માં બેરિસ્ટર બનવા માટે બ્રિટન આવ્યા. તે વેળા તેમણે જોયું કે દેશમાં લોકતંત્ર છે, રાજાશાહી છે ખરી પણ ઔપચારિક જ. વ્યક્તિ ભરપૂર સ્વતંત્રતા ભોગવે છે એટલું જ નહીં, બ્રિટિશ પ્રજા પણ ન્યાય પ્રત્યે લગાવ ધરાવે છે. 1857નો બળવો કહો કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની પહેલી ક્રાંતિ કહો, પાર્લામેન્ટમાં વોરન હેસ્ટિંગ્સ સામે ખટલો ચાલ્યો હતો. ગાંધીજીએ એ પણ જોયું કે યુરોપના બીજા દેશો જેવા કે ફ્રાન્સ, પોર્ટુગલ, જર્મની કરતાં બ્રિટિશ માનસ જૂદું છે. અહીંયા ગાંધીજીએ એ પણ જોયું હશે કે માત્ર હિંસક પ્રતિકારથી દેશની આઝાદી શક્ય નથી. 1857માં પણ હિન્દુસ્તાન ગુલામીની ઝંઝીરમાંથી આઝાદ થઇ શક્યું નહોતું, બલ્કે હિન્દી સૈનિકોની મોટા પાયે કત્લેઆમ થઇ હતી.
આમ આદમી હોય કે મહાત્મા (ગાંધી) - દરેક વ્યક્તિના માનસ પરિવર્તન સાથે અનેક પરિબળો સંકળાયેલા હોય છે. માનવમાત્રના વિચારો પરિપકવ થાય છે તેના મૂળમાં અનેક કારણો રહેલા હોય છે. ગાંધીજી 1892માં સાઉથ આફ્રિકા ગયા. તેમનો ઇરાદો એકાદ ખટલામાં વકીલ તરીકે કામ કરવાનો હતો. પરંતુ પેલી રેલવે ટ્રેનની ઘટનામાં તેમને પિટસબર્ગ રેલવે સ્ટેશને ઉતારી દેવાયા. કહો કે ધક્કો મારીને ફેંકી દેવાયા. તેમણે પૂરી મક્કમતા સાથે, પણ શાંતિપૂર્વક વિરોધ કર્યો. આ ઘટના અખબારી માધ્યમોમાં ચમકી અને દુનિયાભરમાં હાહાકાર મચી ગયો. મોહનદાસ ગાંધી (M.K.) માત્ર વ્યક્તિ તરીકે જ નહીં, શાંતિપૂર્વક પ્રતિકાર કરવાની પદ્ધતિના કારણે દુનિયામાં જાણીતા થયા. અન્યાય સામે ઉઠાવાયેલા અવાજને જે પ્રકારે માધ્યમોએ ચમકાવ્યો, તેમના સમર્થનમાં જે પ્રકારે અવાજ ઉઠ્યો તેનાથી ગાંધીજીએ અનુભવ્યું કે બ્રિટિશ પ્રજા અલગ છે.
1912માં ગોપાલકૃષ્ણ ગાંધીએ મોહનદાસને સમજાવ્યું કે તેમનું ખરું કાર્યક્ષેત્ર આફ્રિકા કે વકીલાતનો વ્યવસાય નહીં, પરંતુ ભારત છે. સ્વાભાવિક છે કે બન્ને મહાનુભાવો વચ્ચે એ મુદ્દે પણ વિશદ્ ચર્ચા થઇ જ હશે કે દેશને ગુલામીની જંજીરમાંથી મુક્તિનો સાચો માર્ગ ક્યો?
વાચક મિત્રો, હું પણ દક્ષિણ આફ્રિકામાં આવેલા બધા ગાંધી આશ્રમો જોઇ આવ્યો છું. એ સ્થાન અને પ્રજાને નજદીકથી જોયા છે. આ આફ્રિકા ખંડને 1870 દરમિયાન કેથેલિક વડા પોપના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ભાગોમાં વહેંચી દેવાયો હતો. અમુક ભાગ અંગ્રેજો પાસે હતો તો અમુક ડચ લોકો હસ્તક હતો. જેમ કે, અત્યારના ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે તેમજ સાઉથ આફ્રિકાનો ભાગ બ્રિટિશ શાસકો હસ્તક હતો જ્યારે અંગોલા અને મોઝામ્બિક પોર્ટુગીઝ પાસે તો કોંગો બેલ્જિયમ પાસે હતું. સોમાલિયાનો અમુક હિસ્સો ઇટાલી પાસે હતો. આ રીતે પોપે આફ્રિકન ખંડ યુરોપિયન દેશોને વહેંચી આપ્યો હતો. 1912માં ટાંગાનિકામાં પ્રજાએ પાણીની માગના પોકાર સાથે માજી માજી નામે બળવો પોકાર્યો હતો. જર્મન શાસકોએ હજારોને મોતને ઘાટ ઉતારી નાંખ્યા અને બળવો દાબી દીધો. 1952માં કેન્યામાં માઓ માઓ બળવો થયો હતો ત્યારે પણ બળવાખોરોના આ જ હાલ થયા હતા.
ગાંધીજીએ આ બધું જોયું હશે, જાણ્યું હશે, અને વિચાર્યું હશે. તેમને લાગ્યું હશે કે આ સામ્રાજ્યવાદી શાસકોનું નાક દબાવવું હોય તો હિંસા કામમાં નહીં આવે. બીજી બાજુ તેમણે એ પણ જોયું હશે કે બ્રિટિશ પ્રજામાં એક વર્ગ ઉદાર છે. આથી જ ગાંધીજી 1915માં ‘તલવાર મ્યાન’ કરીને કાયમ માટે ભારત પહોંચી ગયા. અહીં તેમણે જોયું કે બ્રિટિશ સલ્તનતને હરાવવા માટે તેમના જ દેશમાં જનમત ઉભો કરવો આવશ્યક છે. અને આ માટે તેમને અહિંસા, અસહકાર આંદોલન વગેરે બહુ ઉપયોગી બન્યા.
વાચક મિત્રો, તમે જૂઓ કે બીજા વિશ્વયુદ્ધ સુધી બ્રિટિશ શાસકોના પેટનું પાણી પણ હલતું નથી, પણ પછી બારડોલી સત્યાગ્રહ, ભગતસિંહ અને ખુદીરામ બોઝ જેવા ક્રાંતિકારી યુવાનો દ્વારા બ્રિટિશ અમલદારો પર જીવલેણ હુમલા, 1946માં મુંબઇ ખાતે નેવીમાં ફરજ બજાવતા ભારતીય સૈનિકો દ્વારા બળવો જેવા ઘટનાક્રમોએ બ્રિટિશ શાસકોને હચમચાવી નાંખ્યા. તેમણે જોયું કે ભારતમાં હવે રહી શકાય તેમ નથી. શાંતિમાર્ગે પણ તેમની સામેનો વિરોધ દિનપ્રતિદિન પ્રચંડ થઇ રહ્યો હતો તો બીજી તરફ સિંગાપોર - મલેશિયામાં લોહિયાળ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આવી ઘટનાઓથી તેમને સમજાઇ ગયું હતું કે હવે ભારતમાં પગ ટકાવવો શક્ય નથી.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા આ તમામ પાસાંઓ પર નજર ફેરવતાં એક હકીકત સ્વીકારવી જ રહી કે જેમ દસકાઓના હિંસક વિરોધ છતાં હિન્દુસ્તાનને આઝાદી નહોતી મળી એમ માત્ર અહિંસાથી જ આઝાદી મળી છે તે સ્વીકારી લેવું તાર્કિક રીતે અધકચરું છે.
બ્રિટન માટે ભારત સુવર્ણખજાનો ભરેલા ચરુસમાન હતું. અને આ ખજાનો લૂંટવા જ તેણે ભારતમાં અડીંગો જમાવ્યો હતો એ સર્વવિદિત છે. આ સંદર્ભે ભારતના એક સમયના વરિષ્ઠ રાજદ્વારી અને હવે કોંગ્રેસના સાંસદ એવા શશી થરુરે લખેલું પુસ્તક An Era of Darkness: The British Empire in India વાંચવા જેવું છે. ભારત કેવો જાહોજહાલી ધરાવતો દેશ હતો અને બ્રિટિશ શાસકોએ ક્યા પ્રકારે શોષણ કર્યું હતું તેનું ઘણી વાતો થરુરે આ પુસ્તકમાં બયાન કરી છે. છત અને અછત વચ્ચે હંમેશા સંઘર્ષ રહેવાનો એ દુનિયાનો ધારો છે. અછતવાળા છતવાળાની સંપત્તિ-સમૃદ્ધિ પચાવી પાડવા પ્રયાસ કરવાના અને છતવાળા અછતવાળા પર પ્રભુત્વ જમાવવા માટે મથવાના. આ ખેંચતાણને કારણે સંઘર્ષ ન થાય તો જ નવાઇ.
ભારતની જ વાત કરીએ તો, યુગો યુગોથી આ દેશની ભૂગોળ એવી છે કે 60થી 70 ટકા પ્રદેશ દરિયાથી ઘેરાયેલો છે. બાકીના પ્રદેશમાં 2500 માઇલની હિમાલયની બર્ફિલી પર્વતમાળા ફેલાયેલી છે. અરુણાચલ પ્રદેશથી અફઘાનિસ્તાન સુધી પહોંચતી હિમકંદરાઓ કવચનું કામ કરે છે. વાયવ્ય સરહદી ક્ષેત્રમાં વસતી શક અને હૂણ પ્રજા 7મી સદી સુધી બુદ્ધિષ્ઠ હતી. આજે ઇસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા શાસિત અફઘાનિસ્તાન સાતમી સદી સુધી બુદ્ધિષ્ઠ - હિન્દુઓનો દેશ હતો. ઇસ્લામના આગમન સાથે કુદરતી સમૃદ્ધિથી તરબતર એવા આ પ્રદેશ સાથે આર્થિક પાસું જોડાયું. લૂંટ-ધાડના દૂષણનું આગમન થયું. આજુબાજુમાં પડોશમાં જ વસેલાં તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન વગેરે પ્રમાણમાં ઠીકઠાક હતા, પણ અફઘાનિસ્તાનની વાત અલગ હતી. દરિયાથી દૂર આવેલા આ પ્રદેશમાં પાણીની ભારે અછત હોવાથી ખેતી ભાગ્યે જ ક્યાંય હતી. આમ ગરીબી વધુ હતી (અને આજે પણ એ જ હાલત છે). આવા સૂકાભઠ પ્રદેશમાંથી નવમી સદી દરમિયાન મોહમ્મદ ગઝની જેવા લૂંટારુઓએ સમૃદ્ધ ભારત પર નજર માંડી. ગઝની જેવા લૂંટારા ભારત ધસી જતા અને લૂંટફાટ કરીને પરત ફરી જતા.
સમયના વહેવા સાથે તેમણે ભારતમાં જ ડેરાતંબૂ તાણ્યા. પંજાબ અને સિંધમાં અમુક વસાહતો બની. આવા જ એક લૂંટારુ શાસક મોહમ્મદ ઘોરીએ સન 1192માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને સત્તા હસ્તગત કરી. સમયના વહેવા સાથે આવા શાસકો પંજો પ્રસારતા ગયા અને સત્તા હસ્તગત કરતા હતા. આ સિલસિલાનો અંત આવ્યો 1857માં, મુઘલ શાસકોના અંત સાથે. અંતિમ મુઘલ શાસક બહાદુરશાહ ઝફરે બ્રિટિશ ઇસ્ટ ઇંડિયા કંપનીની આર્મીના મેજર વિલિયમ હડસન સામે શરણાગતિ સ્વીકારી. અને ભારતમાં અંગ્રેજોના યુગનો ઉદય થયો.
ઇતિહાસથી સુપેરે વાકેફ ગાંધીજીએ સમય સમજીને વિચાર્યું હશે કે હિન્દુસ્તાનને શક્તિશાળી અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે માત્ર હિંસા કે લોહિયાળ વિરોધથી કામ નહીં ચાલે. અને આ જ કારણથી સંભવતઃ તેમણે અહિંસા અને અસહકાર ચળવળ જેવા ‘નિર્દોષ’ - અને છતાં ખૂબ જ અસરકારક - ‘શસ્ત્રો’ અજમાવ્યા.
સમગ્રતયા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશો તો જણાશે કે ભારતની આઝાદીમાં માત્ર હિંસક કે માત્ર અહિંસક પરિબળોનું નહીં, પણ બન્નેનું સમતોલ યોગદાન છે. એક તરફ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, ખુદીરામ બોઝ જેવા ક્રાંતિકારીઓએ બ્રિટિશ શાસકોના પાયા હચમચાવ્યા તો બીજી તરફ, ગાંધીજીના નેતૃત્વમાં શરૂ થયેલા અહિંસક આંદોલને અંગ્રેજ શાસકોને ભીંસમાં લીધા. આ તમામ પ્રયાસોનો સરવાળો દેશને સ્વતંત્રતાના પંથે દોરી ગયો. અને જુઓ, આજે આપણે ભારતની આઝાદીનું 75મું વર્ષ ઉજવી રહ્યા છીએ. અસ્તુ. (ક્રમશઃ)

