ક્વીનની અંગત સંપત્તિની આસપાસ રહસ્યના તાણાવાણા

ક્વીનનો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો પણ અત્યંત સિક્રેટ

Wednesday 14th September 2022 05:25 EDT
 
 

લંડન

કિંગ ચાર્લ્સ ત્રીજાને વારસામાં રાજગાદી ઉપરાંત ક્વીનની અંગત સંપત્તિ મળી છે પરંતુ ક્વીનની મોટાભાગની સંપત્તિની આસપાસ રહસ્યના તાણાવાણા છે અને દાયકાઓ સુધી આ રહસ્ય અકબંધ રહેવાની સંભાવના છે. ક્વીન રાષ્ટ્ર વતી બંકિંગહામ પેલેસ, વિન્ડસર કેસલ, ક્રાઉન જ્વેલ્સ અને રોયલ કલેક્શનની માલિકી ધરાવતા હતા પરંતુ સાથે સાથે તેઓ કલાકૃતિઓ અને રેસમાં ભાગ લેતાં ઘોડા સહિતની અંગત મિલકતો પણ ધરાવતા હતા. 2011ના એક અંદાજ પ્રમાણે મહારાણી પાસે 370 મિલિયન પાઉન્ડની અંગત સંપત્તિ હતી. ક્વીનની પ્રાઇવેટ સંપત્તિમાં સેન્ડરિંગહામ અને બાલમોરલની સંપત્તિઓ સામેલ છે. 1852માં ક્વીન વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટે તેની ખરીદી કરી ત્યારથી તે રાજવી પરિવારની અંગત સંપત્તિ છે. તે ઉપરાંત રાજવી પરિવાર પાસે કોમનવેલ્થ દેશોની ટપાલ ટિકિટોનું મોટું કલેક્શન છે જે સેન્ટ જેમ્સ પેલેસ ખાતે રખાયું છે. 2017ના એક અંદાજ પ્રમાણે ક્વીને ઘોડાની રેસમાંથી 7 મિલિયન પાઉન્ડની કમાણી કરી હતી.

જોકે ક્વીનનો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો અત્યંત રહસ્યમય છે. તેમણે ક્યાં અને કેટલું રોકાણ કરેલું છે તે ક્યારેય જાહેર કરાયું નથી. 6 વર્ષ પહેલાંના એક અંદાજ પ્રમાણે ક્વીનનું પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ 100 મિલિયન પાઉન્ડની આસપાસ થવા જાય છે. છેલ્લી એક સદીથી ચાલી આવતી પરંપરા પ્રમાણે રાજવી પરિવારના કોઇ વરિષ્ઠ સભ્યનું નિધન થાય તો તેમના વીલને કોર્ટ દ્વારા સીલ કરી દેવામાં આવે છે. જેથી રાજવી પરિવારની પ્રાઇવસી જળવાઇ રહે. 2021માં હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે ક્વીનના ગૌરવની જાળવણી માટે ડ્યુક ઓફ એડિનબરોનું વીલ 90 વર્ષ સુધી ગુપ્ત રાખવામાં આવશે.

કિંગ ચાર્લ્સ ત્રીજાની હાલની સંપત્તિ 100 મિલિયન પાઉન્ડની આસપાસ હોવાનું મનાય છે પરંતુ તેમની માતાના નિધન બાદ હવે તેમને ડચી ઓફ લેન્કેસ્ટરનો વારસો મળશે. બ્રિટનના રાજવીની આવકનો મૂળ સ્ત્રોત આ સંપત્તિઓ છે. ડચી ઓફ લેન્કેસ્ટર ડ્યુક ઓફ લેન્કેસ્ટર એવા ક્વીનની પ્રાઇવેટ એસ્ટેટ ગણાય છે. આ એસ્ટેટમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 18,481 હેક્ટર જમીન તેમજ કોમર્શિયલ, એગ્રિકલ્ચરલ અને રેસિડેન્સિયલ પ્રોપર્ટીઓ આવેલી છે.


    comments powered by Disqus