રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક ઉથલપાથલોના વિશ્વમાં દાયકાઓ સુધી રાજાશાહીની લોકપ્રિયતાને ટકાવી રાખનારા મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધનથી સમગ્ર વિશ્વને આંચકો લાગ્યો છે. એલિઝાબેથ એલેકઝાન્ડ્રા મેરી તરીકે જન્મેલાં ક્વીન વિશ્વના સૌથી જૂના અને લાંબો સમય શાસન કરનારા રાષ્ટ્રવડા હતા. વિશ્વતખતા પર તેમનું વ્યક્તિ અપ્રતિમ અને અદ્ભૂત બની રહ્યું હતું. 6 ફેબ્રુઆરી. 1952ના દિવસે પ્રિન્સેસ તેમના પતિ પ્રિન્સ ફિલિપ સાથે કેન્યાના પ્રવાસે હતાં ત્યારે જ પિતા કિંગ જ્યોર્જ છઠ્ઠાના અણધાર્યા અવસાનના કારણે રાજગાદી સંભાળવી પડી ત્યારે પ્રિન્સેસ એલિઝાબેથ માત્ર 25 વર્ષના નાજૂક અને નમણી નાર હતા અને તેમના શિર કે ખભા પર બ્રિટનના વહીવટનો ભાર આવી પડ્યો હતો. બીજા જ વર્ષે તેમનો રાજ્યાભિષેક યોજાયો હતો જે પ્રથમ ટેલિવિઝન પ્રસારણ કરાયું હતુ. આ એક નવું વિશ્વ હતું જેમાં શાહી પરિવારના સભ્યો પર મીડિયાની ચાંપતી નજર રહેવાની હતી. રાજ્યાભિષેકના દિવસે જ પોતાના પ્રજાજનોને સંબોધતાં રાણી એલિઝાબેથે પ્રતિજ્ઞા લીધી હતી કે દેશવાસીઓએ તેમના પ્રતિ જે વિશ્વાસ દર્શાવ્યો છે તેને અનુરુપ તેઓ પણ તેમની સેવામાં જીવનભર રહેશે અને સમગ્ર જીવનમાં તેમના વિશ્વાસને જાળવી રાખવા સતત કાર્યરત રહેશે. 70 વર્ષ અગાઉ લીધેલી પ્રતિજ્ઞા ક્વીન એલિઝાબેથે આજીવન પાળી બતાવી હતી.
યુએસ પ્રમુખ જો બાઈડેને ક્વીનને અંજલિ આપતા યોગ્ય જ કહ્યું છે કે બ્રિટિશ ઈતિહાસના પાનાઓ પર અને આપણા વિશ્વની કથામાં તેમની ધરોહર-વારસો આંખે ઉડીને વળગશે. ક્વીનના માનમાં વ્હાઈટ હાઉસ ખાતે ફ્લેગ્સ અર્ધી કાઢીએ ફરકાવાયા હતા અને પેરિસમાં એફિલ ટાવરની લાઈટ્સ બંધ કરી દેવાઈ હતી, બ્રાઝિલમાં ક્રાઈસ્ટ ધ રેડેમીઅરની પ્રતિમાને યુનિયન જેકના રંગોથી પ્રકાશિત કરવામાં આવી હતી અને સરકારે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલી અને સિક્યુરિટી કાઉન્સિલમાં પણ સભ્યોએ ઉભા થઈને એક મિનિટનું મૌન પાળી દિવંગત ક્વીનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. એક પૂર્વ સામ્રાજ્યના બંધારણીય વડાનું આ અનોખું સન્માન હતું.
ક્વીન એલિઝાબેથ દ્વિતીય દેશના બંધારણીય વડા હતાં. બ્રિટનમાં કોઈ લેખિત બંધારણ નથી પરંતુ, તેઓ પરંપરાને વળગીને ચાલે છે, તેનું પાલન કરે છે. ક્વીને જ્યારે 1952માં રાજગાદી સંભાળી ત્યારે વિશ્વમાં જ્યાં સૂર્ય કદી અસ્ત થતો નહિ તેવાં બ્રિટિશ સામ્રાજ્યનાં કાંગરા ખરવા લાગ્યા હતા. બ્રિટન દ્વિતીય વિશ્વ યુદ્ધના મારથી હજુ ત્રસ્ત હતું. ફૂડ રેશનિંગનો અમલ ચાલુ હતો તેમજ બ્રિટિશ સમાજમાં ક્લાસ અને પ્રિવિલેજનું વર્ચસ્વ હતું. અનેક દેશોએ સ્વતંત્રતા હાંસલ કરી લીધી હતી અને છતાં, પૂર્વ બ્રિટિશ સંસ્થાનોના બનેલા કોમનવેલ્થ સમૂહનું વડપણ ક્વીન સ્વીકારે તેમાં કોઈ જ દેશે વાંધો કે વિરોધ નોંધાવ્યો ન હતો. ક્વીન એલિઝાબેથે ઘણાં પરિવર્તનો અને ઉથલપાથલો નિહાળી છે. સર વિન્સ્ટન ચર્ચિલથી માંડી છેલ્લે લિઝ ટ્રસ સુધી 15 પ્રાઈમ મિનિસ્ટર્સે ક્વીનના શાસનના ગાળામાં ફરજ બજાવી છે. આ જ ગાળામાં યુએસના 14 પ્રેસિડેન્ટ્સ પણ બદલાયા છે. બ્રિટિશ સામ્રાજ્યમાંથી કોમનવેલ્થ સમૂહ તેમજ યુરોપિયન યુનિયનના સભ્ય તરીકે બ્રિટન જોડાયું અને તેમાંથી બહાર પણ આવ્યું તે ક્વીન એલિઝાબેથે નિહાળ્યું છે. નારીવાદનો ઉદય, સ્ત્રીઓ પ્રતિના અભગમો બદલાયા અને બ્રિટનને વધુ કોસ્મોપોલિટન અને બહુવંશીય સમાજ બનતા પણ ક્વીને નિહાળ્યો છે. બ્રિટનની આર્થિક અવનતિ થઈ રહી હતી ત્યારે ક્વીન એલિઝાબેથ બ્રિટિશરો માટે સ્થિરતા અને સાતત્યનું પ્રતીક બની રહ્યાં હતાં. તેઓ રાજાશાહીની પ્રાચીન સંસ્થાનું અર્વાચીન વિશ્વ સાથે સામંજસ્ય સાધવા સતત પ્રયાસરત રહ્યાં. તેમના જ પૌત્ર પ્રિન્સ વિલિયમના કહેવા અનુસાર ક્વીને રાજાશાહીને આધુનિક સ્વરૂપ બક્ષ્યું જે કોઈ કરી શક્યું નથી.
ક્વીને તેમના પરદાદી ક્વીન વિક્ટોરિયાનો 63 વર્ષથી વધુ સમય રાજગાદી પર રહેવાનો વિક્રમ તોડ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આ સીમાચિહ્ન પાર કરવાની ઈચ્છા તેમણે કદી રાખી ન હતી. નિશ્ચિતપણે દીર્ઘ જીવન હોય ત્યારે ઘણાં માઈલસ્ટોન્સ પસાર થઈ જાય છે અને આ પણ તેવો જ માઈલસ્ટોન હતો. આ ક્વીન એલિઝાબેથનું નમ્રતાનું એક ઉદાહરણ છે. ક્વીને લોખંડી રાજાશાહીને બહિર્મુખ બનાવી અને લોકો સાથે વધુ ખુલ્લાદિલની બનાવી હતી. આમ છતાં, ક્વીન ખુદ રહસ્યમય હતાં. ક્વીને કદી મીડિયાને ઈન્ટરવ્યૂઝ આપ્યા નથી અને ટીકાકારોએ તેમને ઉદાસીન અને અતડાં કહીને વખોડ્યાં હતાં. જોકે, તેમના વિશાળ બહુમતી પ્રજાજનો માટે ક્વીન હંમેશા આદરણીય બની રહ્યાં. પૂર્વ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર જ્હોન મેજરની નુક્તેચીની જોઈએ તો ક્વીનના વ્યક્તિત્વનો ખ્યાલ આવશે. મેજરે કહ્યું હતું કે જ્યારે વિશ્વભરના લોકો ‘ધ ક્વીન’ બોલતા હોય ત્યારે તેમનો અર્થ બ્રિટિશ ક્વીન જ હોય. આ સ્ટેટસ તેમણે વિશ્વભરમાં હાંસલ કર્યું હતું.
વિશ્વના રાજકીય ફલક પર ક્વીન એલિઝાબેથનો દબદબો રહ્યો હતો. ક્વીનની ઊંચાઈ માત્ર પાંચ ફૂટ અને ત્રણ ઈંચની હોવાં છતાં તેમની પર્સનાલિટી ભવ્ય હતી. તેઓ કોઈ પણ ખંડમાં પ્રવેશે બધાની નજર તેમના તરફ ખેંચાતી હતી. તેઓ હંમેશાં ભડકીલાં અને રંગીન વસ્ત્રો પહેરવાના શોખીન હતાં. તેમણે એક વખત કહ્યું હતું કે લોકો મને માને તે માટે મારે એવાં દેખાવું જ જોઈએ. બકિંગહામ પેલેસમાં ક્વીનની મુલાકાત લેવી તે સૌભાગ્ય ગણાતું હતું. આમ છતાં, અંગત જીવનમાં ક્વીન પોતાના સંતાનોના કારણે પીડા અનુભવતાં રહ્યાં. પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન થયાં પછી રાણીના કોન્સોર્ટ તરીકે આજીવન સાથ આપનારા ડ્યૂક ઓફ એડિનબરાએ ક્વીનને કદી ફરિયાદનો મોકો આપ્યો નહિ તે જ રીતે ક્વીનનું ચારિત્ર્ય પણ કોઈ આંગળી ઉઠાવી ન શકે તેવું અણિશુદ્ધ રહ્યું હતું. પરંતુ, પ્રિન્સ ચાર્લ્સ હોય કે પ્રિન્સ એન્ડ્રયુ કે પ્રિન્સેસ એન અથવા પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેના અને છેલ્લે પ્રિન્સ હેરી, આ બધાએ ક્વીનના જીવનની શાંતિ હણી લીધી હતી છતાં, તેમના મનોભાવ ચહેરા કે કાર્યરીતિમાં ફરિયાદ સ્વરૂપે જોવાં મળ્યા નથી.
દુનિયાભરમાં અનેક શાસકો થઈ ગયા પરંતુ, લોકશાહીના સ્તંભ તરીકે 70 વર્ષના બંધારણીય વડાનું સ્થાન કોઈએ સંભાળ્યું હોય તેવો કોઈ શાસક નથી. ક્વીન એલિઝાબેથે યુનાઈટેડ કિંગ્ડમની ઔપચારિક સામ્રાજ્ઞીનું સ્થાન સંભાળવા સાથે વિશ્વભરમાં પ્રેમ અને સદ્ભાવનાના બીજનું વાવેતર કર્યું છે. તેઓ ઈમાનદારી અને માણસાઈનું પ્રતીક બનીને જીવ્યાં. ક્વીનના નિધન સાથે કિંગ ચાર્લ્સ ત્રીજાએ તેમનો રાજાશાહીનો પ્રતીકાત્મક વારસો સંભાળ્યો છે. કિંગ ચાર્લ્સનું વ્યક્તિત્વ અત્યાર સુધી રસપ્રદ અને રંગીન રહ્યું છે પરંતુ, છેલ્લાં કેટલાક વર્ષોમાં તેમણે ક્લાઈમેટ ચેઈન્જના મુદ્દે સારા અભિયાનો છેડ્યા છે. પ્રિન્સનું ટ્રસ્ટ બેરોજગારો માટે કામ કરી રહ્યું છે તે પણ સરાહનીય છે. સૌથી મોટી વયે રાજવીનું પદ ધારણ કરનારા કિંગ ચાર્લ્સે હવે ઠાવકાં બનીને રહેવું પડશે. ક્વીન જેવી જ લોકપ્રિયતા હાંસલ કરવી પડશે.
