નિર્જીવ બનેલા ઇલીંગ રોડને ઉજ્જવળતા બક્ષનાર સાહસિક ગુજરાતીઓની યશગાથા

- કોકિલા પટેલ Thursday 16th June 2022 02:45 EDT
 
 

સદીઓ પૂર્વેના આલ્પર્ટનનો ઇતિહાસઃ
નોર્થ વેસ્ટ લંડનના બ્રેન્ટ બરોના દક્ષિણ વિસ્તારમાં એશિયન વેપાર-ધંધાથી ધમધમતા આલ્પર્ટનના ઇલીંગ રોડથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. વેમ્બલી અને ઇલીંગ વચ્ચે આવેલ આલ્પર્ટન વિસ્તાર 70-80ના દાયકા પછી આર્થિક દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ બન્યો છે. 1972 પછી ઇસ્ટ આફ્રિકાના યુગાન્ડા અને કેન્યાથી આવેલા એશિયનો ખાસ કરીને ગુજરાતીઓએ મૃતપ્રાયઃ થયેલા ઈલીંગ રોડને કેન્દ્રસ્થાને રાખી પોતાના વેપારી કૌશલ્ય દ્વારા નસીબ અજમાવવા પ્રયાસ કર્યો. મહેનતકશ ગુજરાતી કોમની રગેરગમાં સાહસ, સ્વમાન અને સ્વાવલંબીપણું વહે છે. આફ્રિકાથી આવેલા વેપારી ભાઈ-બહેનોએ વેમ્બલી-આલ્પર્ટનમાં વિવિધ ક્ષેત્રે વેપાર-ધંધાનું ખેડાણ કર્યું. ગુજરાતી વેપારીઓએ છેલ્લા 37 વર્ષમાં ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’ની પંક્તિને સાર્થક કરી છે.
 આજે જે વિસ્તારને આપણે આલ્પર્ટનના નામે જાણીએ છીએ એ વિસ્તાર વર્ષો પૂર્વે ‘એલ્બર્ટ’ ફાર્મ તરીકે ઓળખાતો. અહીં 1199ની સાલમાં 12 મકાનો બંધાયા ત્યાર પછી સૌ પ્રથમ આલ્પ્રીન્ટન નામ ચોપડે નોંધાયેલું. આલ્પર્ટન ધીરે ધીરે બ્રેન્ટ નદીના તીરે વિકસ્યુ છે.
16મી અને 17મી સદીમાં માલિકીની જમીનોમાં ઘઉંની ખેતી શરૂ થઈ. 19મી સદીમાં ખેડવા લાયક જમીનોમાં ખેત ઉત્પાદન ઘટી જતાં સૂકા ઘાસની ખેંચ ઊભી થઈ. એ વખતે બ્રેન્ટ નદીના કાંઠા વિસ્તારમાં ઘાસ ઉગાડવામાં આવતું એ સૂકુ ઘાસ લંડનભરના ઘોડાઓ માટે વપરાતું (એ સમયે લંડનમાં મોટરગાડીઓને બદલે ઘોડાગાડીઓ ફરતી.)
1661ની સાલમાં 60 જેટલા લોકો આલ્પર્ટનમાં વસવાટ કરતા હતા. 1680માં પહેલી ‘બ્લેકસ્મિથ’ની દુકાન ખુલી હતી અને 1714 દરમિયાન થોડાંક કોટેજીસ બંધાયેલા. એ પછી 1722માં ‘પ્લાવ’ ઇન પબ ખૂલેલો. 1805 સુધીમાં અહીં 21 જેટલાં ઘર અને 14 ફાર્મ (ખેતર) હતાં. 1801માં અહીં સૌથી મોટું ડેવલપમેન્ટ થયું જેમાં ગ્રાન્ડ જંકશન કેનાલ આલ્પર્ટન વચ્ચેથી કાઢવામાં આવી. 1851થી પેસેન્જરોને ‘સાઈટ સીઈંગ’ કરાવતી પેસેન્જર બોટો ‘પ્લેઝર બોટ’ પબ લઈ આવતી. (હજુ આજેય આ ઐતિહાસિક પબ કેનાલના કાંઠે ઇતિહાસની સાક્ષી પૂરી રહ્યો છે.)
19મી સદીના અંત ભાગમાં આલ્પર્ટનની સૂરત બદલાતી ગઈ. વેમ્બલીનો આ ગ્રામ્ય વિસ્તાર ફેકટરીઓથી ઉભરાવા લાગ્યો એમ ત્યાંનું વાતાવરણ દુર્ગંધયુક્ત બનતું ગયું. 1890 દરમિયાન અહીં વસતી વધતાં કાયદો-વ્યવસ્થા કથળવા લાગ્યા. ઇંટો બનાવનાર મજૂરો વચ્ચે અથડામણ તેમજ દર રવિવારે હનીપોટ લેન પર થતી મૂક્કાબાજી અને કૂકડા લડાઈના દ્વંદયુધ્ધથી અરાજકતા ઊભી થઈ. 1894માં વેમ્બલી અર્બન ડિસ્ટ્રીક્ટ કાઉન્સિલની સ્થાપના થયા પછી 1896ની કેટલાક વહીવટી સુધારણા થઈ.
20મી સદીનું ડેવલપમેન્ટ
પ્રથમ વિશ્વયુધ્ધ પછી આલ્પર્ટનનો ઝડપી વિકાસ થયો જેમાં રેલ્વે યોજનાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. 19મી સદીમાં આલ્પર્ટનવાસીઓનું નજીકનું સ્ટેશન વેમ્બલી જ ગણાતું. 1903માં પહેલી વહેલું પેરીવલ-આલ્પર્ટન સ્ટેશન શરૂ થયેલું. એ વખતે એક ટ્રેન ટાઉન અને સાઉથ હેરો વચ્ચે ટ્રેન દોડતી થઈ હતી. 1910માં પેરીવલનું નામ કાઢી એકલું અલ્પર્ટન સ્ટેશન થયું. શરૂઆતમાં ડિસ્ટ્રીક્ટ રેલવે દ્વારા સેવા પૂરી પાડવામાં આવતી એ પછી 1932માં પિકાડેલી લાઈનની શરૂઆત થઈ.
20મી સદીની શરૂઆતમાં આલ્પર્ટન મશરૂમની પેદાશ માટે જાણીતું બન્યું. જ્યાં 2,468 જેટલી વસતી હતી ત્યાં 1921 સુધીમાં 6,444 જેટલી (લગભગ બમણી) થઈ ગઈ. 1911માં અહીં રબ્બર, ફાયરપ્રુફીંગ અને મોટરસાયકલનો ઉદ્યોગ શરૂ થયો હતો. ત્યારબાદ 1921-34ના સમય દરમિયાન નોર્થ સરક્યુલર રોડ પર વધુ ઔદ્યોગિકકરણ થયેલું. 1934માં આ વિસ્તારમાં પહેલી પોસ્ટ ઓફિસ ખૂલી હતી અને સ્ટેશનની બાજુમાં 1939ના જૂનમાં લંડન ટ્રાન્સપોર્ટ બસ ગેરેજ શરૂ થયેલું. 1922થી 1936 અને વિશ્વયુદ્ધ પછી આ વિસ્તારમાં સ્કૂલોનું નિર્માણ થયું હતું. 1951માં આલ્પર્ટનની વસતી 14,432 જેટલી હતી. 1960માં આલ્પર્ટનને જબ્બર બેકારીના ભરડામાં લેતાં ત્યાંની વસતીમાં ઘટાડો થયો. ધીમે ધઈમે આલ્પર્ટનનો ઇલીંગ રોડ મૃતપ્રાય થવા લાગ્યો. 1970ના અરસામાં ઇલીંગ રોડનું મહત્ત્વ ઘટી જતાં તેની ‘સેકન્ડરી પરેડ’ તરીકે ગણના થવા લાગી અને એ રોડ પરની ઇમારતો તોડી પાડવાનો વખત આવ્યો.
ગુજરાતી વેપાર-ધંધાએ સિકલ બદલી નાંખી:
આલ્પર્ટન કપરાકાળમાંથી પસાર થઈ રહ્યું હતું. એવા જ સમયે યુગાન્ડાથી આશરે 60,000 એશિયનોની ઇદી અમીને હકાલપટ્ટી કરતાં બ્રિટનમાં લગભગ 27,000 યુગાન્ડન ઇન્ડિયનો બ્રિટનના આશ્રયે આવ્યા.

જેમાં સારી એવી સંખ્યામાં ગુજરાતીઓએ વસવાટ માટે બ્રેન્ટ બરોના વેમ્બલી અને આલ્પર્ટનના વિસ્તાર પસંદ કર્યા. 60-70ના દાયકામાં કેન્યા, ટાન્ઝાનિયા અને ઝાંમ્બિયાથી મહેનતકશ, સ્વાશ્રયી ગુજરાતીઓનું યુ.કે.માં આગમન થયું. ત્યાંથી આવનાર વેપાર કુશળ અને અગમબુધ્ધિ ગુજરાતીઓની બાજ નજર મૃતઃપ્રાય થઈ ગયેલા ઇલીંગરોડ પર ઠરી.
ઇલીંગ રોડ પર ભારતીય-ગુજરાતી વેપારના પ્રથમ પગરણ માંડનાર મૂળ દક્ષિણ ગુજરાતના હીરાભાઈ નારણભાઈ પટેલ. નૈરોબીમાં ‘પ્રવિણ કેશ સ્ટોર’ના માલિક હીરાભાઈ 1967માં કેન્યાથી સહપરિવાર લંડન આવી સ્થાયી થયા હતા. હીરાભાઈ પટેલે પહેલાં બેકરી અને પછી થ્રેડ બનાવતી ફેકટરીમાં થોડો વખત કામ કર્યા પછી 1970ની શરૂઆતમાં 29, ઈલીંગ રોડ પર ‘ભારત એમ્પોરિયમ’ નામનો ગ્રોસરી સ્ટોર શરૂ કર્યો હતો. ઇલીંગ રોડ પર ગુજરાતી વેપારના પાયોનિયર હીરાભાઈ સ્વર્ગવાસી થયા છે પરંતુ ધંધામાં પીઠબળ આપનાર એના પત્ની શ્રીમતી લક્ષ્મીબેન અને એમના ભાઈ તથા પરિવારજનો હજુ વેમ્બલીમાં જ રહે છે. 1970-71ના અરસામાં 52બી, ઈલીંગ રોડ પર વીરસદના મૂળ વતની અને કંપાલાથી 1963માં અત્રે આવેલા નવીનભાઈ સી. અમીને પ્રથમ સાડી સ્ટોર શરૂ કરેલો. એ પછી કંપાલાથી આવેલો જોષી પરિવાર 1972માં 212-214 ઇલીંગ રોડ પર એમનાં ‘બી.એલ. જોષી ટેક્ષટાઇલ’ સ્ટોરમાં જાપાનીઝ સાડીઓ અને દેશવિદેશનું કાપડ લઈ આવ્યા. એ જ સમયે 142, ઇલીંગ રોડ પર ‘ભાવનીતા સાડી’, 150-152 ઇલીંગ રોડ પર હાર્ડવેર અને ચીકનટીક્કા સેન્ટર હતું ત્યાં કેન્યાથી યુ.કે. આવેલા છગનભાઈ શાહે વિશાળ ‘વેરાયટી સિલ્ક હાઉસ’ ઊભું કર્યું. 180 ઇલીંગ રોડ પર ‘મિલન સાડી સ્ટોર અને 146 ઇલીંગ રોડ પર મોમ્બાસાના પ્રખ્યાત ‘ઝવેરચંદ’ શાહના દીકરાઓએ જાપાનીઝ સાડીઓ અને વિવિધ જાતના મટીરીયલ્સનો સ્ટોર ખોલ્યો. અમને મળતી માહિતી મુજબ 1968માં લંડન રોડ પર રહેતા મનહરભાઈ શાહની ‘શ્રેયસ એજન્સી’ વેમ્બલી, લેસ્ટર, બર્મિંગહામ, બ્રેડફોર્ડ વગેરે શહેરોની સાડીઓની દુકાનોમાં ભારતીય સાડીઓ સપ્લાય કરતી.
ઇલીંગ રોડ પર જાપાનીઝ સાડીઓની જગ્યા ભારતીય બનાવટની સાડીઓને એક એકથી ચડિયાતા ડિઝાઈનર પોશાકે લઈ લીધી છે. હવે આજના લગ્નોત્સુક યુવાન યુવતીઓને ભારતમાં મોંઘીદાડ એરટિકિટો ખર્ચી ખરીદી માટે ખાસ ભારત જવાની જરૂરત જ ના પડે એવો લેટેસ્ટ ડિઝાઈનના વેડીંગ પોશાક, ડિઝાઈનર સાડીઓ, ઘાઘરા-ચોલી, શેરવાણી-સાફા માંગો એવી સ્ટાઈલના ‘મેઈડ ડૂ મેઝર’ મળતા થઈ ગયા છે. ઇલીંગ રોડ પર વેરાયટી સિલ્ક હાઉસ, લાડલી, વેણી સન્સ, રંગોલી, ઝવેરચંદ, રાધા સિલ્ક હાઉસ, કલ્પના, અંકિતા ક્રિએશન, ક્રિષ્ણા સાડી, આર.સી.કેસી. ઇત્યાદિના વિશાળ શો રૂમમાં એમ્બ્રોઈડરી અને લેટેસ્ટ સ્ટાઈલની ડિઝાઈનર સાડીઓ જોવા મળે છે.
યુગાન્ડા અને કેન્યાથી ગુજરાતીઓનો જે પ્રવાહ યુ.કે. તરફ આવ્યો એમાં 22 કેરેટ સોનાના દાગીના પર બેનમૂન ડિઝાઈનો કંડારનાર મૂળ સૌરાષ્ટ્રના પરજીયા પટ્ટણીઓનો પણ સમાવેશ થાય છે. ઈલીંગ રોડ પર ભારતીય કલાકૃત 22 કેરેટ સોનાના એલંકારોનો શો રૂમ સૌ પ્રથમ હીરજી લાખા બ્રધર્સે શરૂ કરેલો. કેન્યા-નૈરોબીથી 1967માં આવેલા નીરુભાઈ લાખાએ 1972માં 381 હાઇરોડ વેમ્બલી પર (અને લંડનમાં) પહેલવહેલી 22 કેરેટ જ્વેલરી શોપ શરૂ કરેલી. એ વખતે યુગાન્ડા-કેન્યાથી આવેલા ઘણા જ્વેલરો ઘરેથી 22 કેરેટ સોનાના દાગીનાનો બીઝનેસ કરતા. ત્યારબાદ 70-80ના દાયકામાં ઇલીંગ રોડ પર ગુજરાતી જ્વેલરોએ ભારે જમાવટ કરી. 1982માં હરજી લાખા જ્વેલર્સ, બી. તુલસીદાસ એન્ડ સન્સ, કન્યા જ્વેલર્સ, મોહનલાલ ભીમજી, મગનલાલ વીરજી, અજંતા જ્વેલર્સ, પટ્ટણી જ્વેલર્સ, પી.બી. એલ જ્વેલર્સ, શ્યામ જ્વેલર્સ, ભગવાનજી જવેલર્સ, ગોલ્ડ બોક્સ, લાખા જ્વેલર્સ, રાજ જ્વલર્સ ઇત્યાદી શો રૂમોએ ઇલીંગ રોડની શાન વધારી દીધી. આજે ઈલીંગ રોડ પર ગુજરાતી જ્વેલરોની સાથે શ્રીલંકન જ્વલરો પણ એમની પ્રણાલિગત ડિઝાઈનો લઈ આવ્યા છે.
ભારતીય ભોજનમાં વપરાતાં લીલા શાકભાજી વેમ્બલીમાં લઈ આવવાનો યશ ભીમજીયાણી ભાઈઓને જાય છે. આફ્રિકાની ફળદ્રૂપ જમીનમાં ઉગતાં લીલા તાજાં શાકભાજી ખાવા ટેવાયેલા ગુજરાતીઓને પશ્ચિમની ભોમકા પર શાક-બકાલુની ખોટ ના સાલે એ માટે 1972માં યુગાન્ડા-કંપાલાથી આવેલા ચંદુભાઈ ભીમજીયાણી અને એમના ભાઈઓ (શીલુભાઈ તથા સુધીરભાઈ)એ સૌ પ્રથમ 234 ઇલીંગ રોડ પર ‘ટ્રોપીકલ ફૂડ ડિસ્ટ્રીબ્યુટર્સ’ નામે શાકભાજીની દુકાન શરૂ કરી હતી. આજે તો હવે અમદાવાદના માણેક ચોકની યાદ અપાવતા ઇલીંગ રોડ પર આપ્રિકાના મોગો, મટોકી ને મટુંડાથી માંડી ભારતના ભીંડા, ગવાર, તુરિયા, દૂધીથી માંડી કારેલા-કંટોલા ને કાચી પાકી કેરીઓ ય મળતી થઈ ગઈ છે. જૂનાગઢ-કચ્છની કેસર કરી અને વલસાડ-રત્નાગીરીની હાફુસ કેરીઓએ બિનનિવાસી ભારતીયો સહિત ગોરા-કાળા સહુને એના મધુર સ્વાદમાં રસતરબોળ કરી દીધા છે. લંડનગરાઓને ઘેરબેઠાં ભારતની આ કેસર અને હાફુસ કેરીઓનો સ્વાદ સૌથી પહેલા બટુકભાઈ ભીમજીયાણીએ કરાવ્યો હતો. હવે રેનર્સ લેનમાં રહેતા જીતુભાઈ શાહ લંડનમાં વર્ષે 1000 ટન કેરીઓ આયાત કરે છે. જીતુભાઈ સિઝન મુજબ હાફુસ, કેસર, ચૌસા, સિંદરી જાતની કેરીઓ લંડનમાં આયાત કરે છે.
ઘરવપરાશની ચીજવસ્તુઓ, અનાજ કરિણાયું અને સ્ટીલ, એલ્યુમિનિયમના વાસણોથી માંડી તાવા-તબેથા-ચિપિયા સહિત ઘરવપરાશની ઝીણામાં વસ્તુ તેમજ દેવદર્શનના ફોટા, લગ્નવિધિ, પૂજાવિધાની સામગ્રી સૌ પહેલાં 1972માં સ્વ. હિંમતભાઈ અને એમના ભાઈઓ ‘પોપટ સ્ટોર’માં લઈ આવેલા. યુગાન્ડા-જિંજાથી આવેલા નથવાણીભાઈઓ (ચુનીભાઈ, ચંદુભાઈ, નટુભાઈ, મહેન્દ્રભાઈ અને મનહરભાઈ) વી.બી. એન્ડ સન્સ 1972માં ઇલીંગ રોડ પર જથ્થાબંધ ભારતીય કરિયાણાને લઈ આવ્યા હતા. ‘વી.બી.સન્સ’નાં બીજ 1, ચેપ્લીન રોડ પર રોપાયાં ત્યાર પછી 218 ઇલીંગ રોડ પર જથ્થાબંધ અનાજ કરિયાણાની દુકાન શરૂ કરી હતી. જેમાં ગ્રાહકોની જરૂરતોને ધ્યાનમાં લઈ એકથી પાંચ કિલો પેકેટવાળા અનાજ કરિયાણાની શરૂઆત આ નથવાણી ભાઈઓએ કરી હતી. આજે ‘વી.બી.સન્સ’ની ક્ષિતિજો વેમ્બલી, ગ્રીનફોર્ડ અને કીંગ્સબરીમાં વિસ્તરી છે. હવે વી.બી.સન્સનું જૂનમાં ટૂટીંગમાં આગમન થઈ રહ્યું છે. ‘વી.બી.સન્સ’માં તમામ બ્રાન્ડના ચોખા, કઠોળ, વિવિધ જાતની દાળ, બધી જાતના લોટ, જથ્થાબંધ સૂકા મેવા, મસાલા, પાપડ, મઠિયાથી માંડી જાત જાતનાં ટ્રોપીકલ ફ્રૂટ જ્યુસ ને અસ્સલ કાઠિયાવાડી ગુજરાતી અથાણાં મળે છે. ગુજરાતણ ગૃહિણીની માંગને ધ્યાનમાં લઈ ‘ફૂડકો’ના મગનભાઈ રાયચંદ શાહે 1989માં ઘંટીમાં દળાયેલા તાજા લોટના થોકબંધ પેકેટ બજારમાં મૂક્યા. ‘ફૂડકો’માં બાજરી, ઘઉં, જુવાર, ચોખા, ચણાના તાજા લોટથી માંડી, લાપસી, લાડવા, હાંડવા, ઢોકળાં, ખીચી, મગજ સહિત અનેક જાતના ચપાટી આટા, ભાત ભાતના ચોખા ને કઠોળ મળે છે. 1980થી અનાજ કરિયાણા સાથે સ્ટીલના વાસણોને કાચની ક્રોકરી સહિત ઘરવપરાશની વસ્તુઓ સાથે હિંતભાઈ દાવડા પરિવારે ‘નીતા કેશ એન્ડ કેરી’નો આરંભ કર્યો. અત્યારે સ્ટીલના વાસણોની વિવિધ વેરાયટી લઈ ‘મારુ કેશ એન્ડ કેરી’ આવ્યા છે.
ભારતીય વાનગીઓથી મધમધતો વિસ્તાર:
વેમ્બલીના ગુજરાતી પરગણામાં ટ્રોપીકલ ફ્રૂટ્સનો તાજો રસ અને ચટપટા ચાટ લઈ આવનાર ભીમજીયાણી બંધૂઓ ચંદુભાઈ, શીલુભાઈ અને સુધીરભાઈ જ હતા. 1984માં પહેલવહેલા ઇડલી સંભાર આવ્યા અને પચી એમની ગ્રીન ગ્રોસરી સ્ટોરમાં દાલ વડાં પણ વેચાતાં થયેલાં. કેન્યામાં જેના ક્રિસ્પી ભજીયાં કાવા પડાપડી થતી એ મારુભાઈએ ઇલીંગ રોડ પર ‘મારુ ભજીયાં’ની જમાવટ કરતાં એમની ખ્યાતિ ઠેઠ અમેરિકા, કેનેડા ને ભારત સુધી પહોંચી છે. શનિ-રવિ ગુજરાતી ખાસ કરીને કાઠિયાવાડી નાસ્તામાં ખવાતા પાટા-ગાંઠિયા, જાતજાતનાં ચટપટા નાસ્તા ને પેંડા-બરફી લઈ આવ્યા ‘સુખસાગર’વાળા શંકરભાઈ આચાર્ય. આજે તો ઇલીંગ રોડ પર ‘પ્રસાદ’ સ્વીટ માર્ટવાળા જયેશભાઈ, સૂર સ્વીટ માર્ટ અને ‘સાયોના’ ભાત ભાતનાં ફરસાણ અને મિઠાઈઓના રસથાળ સજાવી આપની સેવામાં ઊભા છે.

વેમ્બલી ટ્રાયંગલ પર 70ના દાયકામાં સૌ પ્રથમ ભારતીય-ગુજરાતી વાનગીઓ સાથે ‘સરુના’ રેસ્ટોરન્ટ આવ્યું. સુરતી દંપતિના હાથે બનતી ગુજરાતી તાળી જમવા દૂર-દૂરથી લોકો આવતા. ત્યારબાદ 1984માં મુકેશભાઈ પટેલ અને જયેન્દ્રભાઈ પટેલ એમના ‘ચેતના’ રેસ્ટોરન્ટમાં અસલી ગુજરાતી થાળી લઈ આવ્યા હતા. આજે વેમ્બલી અને ઇલીંગ રોડ ભારતીય-ગુજરાતી વાનગીઓની સુગંધથી મધમધી રહ્યો છે. પીટરબરોથી ફિલિપ નામનો એક અંગ્રેજ રોટલા, ખીચડી, રીંગણનો ઓળો ને ભેલ-સમોસા ખાવા નિયમિત રીતે ઇલીંગ રોડ પર આવે છે. ‘આશર-આફ્રિકાના’માં અમે બેઠા હતા ત્યારે જ રેસ્ટોરાંનું સંચાલન કરતી બહેનોને... ‘કેમ છો? નમસ્તે, જયશ્રી કૃષ્ણ’ કહેતો આધેડ વયનો એક અંગ્રેજ ટેબલ પર બેઠો અને રોટલા-ખીચડી,, કઢી અને રીંગણના ઓળાનો ઓર્ડર આપતાં અમે હેરત પામ્યાં હતાં.

ભારતીય-ગુજરાતી વેજ-નોન વેજ વાનગીઓ પીરસતી રેસ્ટોરન્ટમાં સોહેલ, મિનાર અને પ્યોર વેજીટેરિયનમા સકોની, જશન, તુલસી’ વિગેરેનો સમાવેશ થાય છે. વેમ્બલીમાં શ્રીલંકન વસાહતના આગમન સાથે સાઉથ ઇન્ડિયન વાનગીઓ સાથે વુડલેન્ડ આવ્યું. ત્યારબાદ સરસ્વતી ભવન, ચેન્નાઈ ઢોંસા, ઢોંસા હેટ’ એ જમાવટ કરી.

આફ્રિકામાં ખાઈ-પી અને મોજમસ્તીમાં જિંદગી જીવનાર એશિયનો ખાસ કરીને ગુજરાતીઓએ ખાવા-પીવા સાથે મનોરંજન પીરસતી કલબો-રેસ્ટોરન્ટો શરૂ કરી છે. જેમાં મોનસૂન, કંગના, શેફ્રોન, મસ્તી, બલુ રૂમ, બોમ્બે ડ્રીમ, પેન્થરનો સમાવેશ થાય છે.

ભારત, અમેરિકા કે કેનડાથી ફરવા આવનારા સહેલાણીઓ જયારે ઇલીંગ રોડની મુલાકાત લેવા જાય છે ત્યારે કલરફૂલ દેખાતી દુકાનોમાં જોરશોરથી વાગતાં ફિલ્મી ગીતો, ભજનો, ગરબાના સંગીતથી ભર્યું ભર્યું વાતાવરણ અને રોડ પર ટોળે વળીને ટોળટપ્પા મારતા યુવાનોને જોઇ હેરત પામનારા સહેલાણીઓ જરૂર બોલી ઊઠે છે કે, “આ તો આપણે અમદાવાદ, વડોદરા કે મુંબઇના ભૂલેશ્વરમાં ફરતા હોય એવું લાગે છે હોં...” આવા આપણા ગુજરાતીઓના ગઢ સમા વેમ્બલીના ઇલીંગ રોડ માટે વિશ્વભરના ગુજરાતી-ભારતીય સહેલાણીઓને કહીએ કે, “કયારેક તો ઇલીંગ રોડની મુલાકાતે આવો તો ખરા...!”


comments powered by Disqus