નેશનલ હેરલ્ડ કેસમાં ગાંધી ખાનદાન ભેરવાયું

Wednesday 15th June 2022 06:35 EDT
 

મહાત્મા ગાંધીની દોરવણી હેઠળ ભારતને આઝાદી અપાવવા કોંગ્રેસે સત્યાગ્રહ કાર્યક્રમોનો આશરો લીધો હતો. વર્તમાનમાં ભારતીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ઈડી) કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નેશનલ હેરલ્ડ કેસમાં બરાબર ભીંસમાં લીધા હોવાથી કોંગ્રેસને ગાંધી પરિવારને બચાવવા માટે સત્યાગ્રહના નાટકનો આશરો લેવાની ફરજ પડી છે. નેશનલ હેરલ્ડ અખબાર સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં રાહુલ ગાંધીની સતત પૂછપરછ ચાલી રહી છે. નહેરુ-ગાંધી ખાનદાન સામે તપાસ ચલાવાય તે કોંગ્રેસને ગમે નહિ તે હકીકત છે કારણકે તેનાથી કબાટમાં છુપાવાયેલાં ઘણાં હાડપિંજર બહાર આવી જવાનું જોખમ છે. દેશના રાજકારણમાં કોંગ્રેસનો સિતારો આથમી રહ્યો છે ત્યારે પાર્ટીને દિશા બતાવનાર ખુદ ગોથાં ખાતા થાય તો પરિવાર અને પ્રજા પર શું અસર પડશે તેની ચિંતા થવી માત્ર નેતાઓના પક્ષને થવી સ્વાભાવિક છે.
સતત ચર્ચામાં રહેલાં અખબાર નેશનલ હેરલ્ડની સ્થાપના 1937માં પંડિત જવાહરલાલ નેહરુ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અન્ય લડવૈયાઓએ કરી હતી. અંગ્રેજો સામે લડવાના ઉદ્દેશથી એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ના નેજા હેઠળ પ્રકાશિત અખબારને ૧૯૪૨થી ૧૯૪૫ દરમિયાન બંધ કરવું પડ્યું હતું. આઝાદી પછી વડા પ્રધાન નહેરુએ નેશનલ હેરલ્ડને છૂટા હાથે મદદ કરી ખમતીધર બનાવ્યું હતું. નહેરુએ જમાઈ ફિરોઝ ગાંધીને અખબારના મેનેજિંગ એડિટર બનાવી દીધા પછી નહેરુ-ગાંધી પરિવારના એકચક્રી શાસનની શરૂઆત થઈ હતી.
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ નેશનલ હેરલ્ડની કરોડોની સંપત્તિ સ્વહસ્તક કરી લીધાની ક્રિમિનલ ફરિયાદ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ 2013માં કરી હતી અને તેમાં નવા ફણગાં ફૂટતા જ રહે છે. સમગ્ર મામલો કંપનીઓની સંપત્તિની ફેરબદલી કરવાનો છે. સોનિયા અને રાહુલ ગાંધીની 76 ટકા તેમજ નહેરૂ-ગાંધી ખાનદાનની નજીકની ત્રિપુટી મોતીલાલ વોરા, સુમન દુબે અને સામ પિત્રોડાના નામે બાકીના 24 ટકાના હિસ્સા સાથેની કંપની યંગ ઈન્ડિયન લિમિટેડ 2010માં સ્થપાઈ હતી. આ કંપનીએ નેશનલ હેરલ્ડના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને માત્ર 50 લાખ રૂપિયાની નજીવી કિંમત ચૂકવીને દેવાંની જવાબદારી, બાકી ઉઘરાણી અને સંપત્તિના અધિકારો મેળવી લીધા હતા. નેશનલ હેરલ્ડના દેવાં સામે કોંગ્રેસ પાર્ટીએ 90 કરોડ રુપિયાની લોન આપી હતી જે પાછળથી માફ કરી દેવાઈ હતી. આમ કોંગ્રેસ પાર્ટીના નાણાથી યંગ ઈન્ડિયન લિમિટેડ કંપનીએ નેશનલ હેરલ્ડની લગભગ 2100 કરોડ રુપિયાની સંપત્તિ પર કબજો મેળવી લીધાના આક્ષેપો કરાયેલા છે. વાસ્તવમાં આ સંપત્તિમાં કોંગ્રેસી સરકારો દ્વારા ખેરાતમાં અપાયેલી જમીનોનો પણ સમાવેશ થાય છે જેની કિંમત અત્યારે કરોડો રૂપિયાની થવા પામી છે.
ઈડી દ્વારા રાહુલ ગાંધીને યંગ ઈન્ડિયન લિમિટેડ કંપનીમાં તેમના શેર્સ, અન્ય શેરહાલ્ડર્સની જાણકારી ઉપરાંત, રાહુલની દેશ અને વિદેશમાં અંગત સંપત્તિ સંબંધિત પ્રશ્નો કરાયા હોવાનું કહેવાય છે. સોનિયા ગાંધી નહાલ નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની પણ ઈડી દ્વારા પૂછપરછ કરાવાની બાકી છે. સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ પાર્ટી અને નહેરુ-ગાંધી ખાનદાન આ કેસને રાજકીય કિન્નાખોરી ગણાવી રાજકીય માઈલેજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે. કોંગ્રેસ પાર્ટીએ વાસ્તવમાં આ તપાસમાં સહકાર આપવો જોઈએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.


comments powered by Disqus