પિતૃદેવ ભવઃ એક પંતુજીની વિરલ ગાથા

ફાધર્સ ડે - 19 જૂન

રેખા મિસ્ત્રી, સ્ટેનમોર Wednesday 15th June 2022 06:47 EDT
 
 

વાસ્તવમાં સાચું પૂછો તો માતાનાં ખોળામાંથી ઉતરીને બાળક પિતાની આંગળી પકડીને ઘરનો ઉંબરો ઓળંગે છે. માતાના પાલવનો છાંયો છે, તો પિતાના સાથનો પડછાયો છે. બાળક એ માતાની આશા છે, તો પિતાની અભિલાષા છે. એકમાં મમતા નીતરે છે, તો બીજામાં પ્રેરણા. સાચું પૂછો તો બાળકનાં વિકાસમાં માતા-પિતા બંનેની કાર્યશૈલી જુદી જુદી હોય છે. પરંતુ યોગદાન, સમર્પણ તો બંનેનું સહિયારું છે. શીશુને બાહ્ય જગત સાથેની ઓળખ આપનાર પિતા જ છે. માતા-પિતા જીવનરૂપી એક બગીચાંના માળી બની પુષ્પરૂપી બાળકને સિંચી, સુંદર, સુઘડ, નેક અને સંસ્કારી નાગરિક બનાવે છે. માતા સંગીત છે, તો પિતા સાજ છે. માતાનું વાત્સલ્ય અને પિતાનો પ્રેમ નદીનાં બે એવા કાંઠા છે, જેની વચ્ચેથી હર એકની જિંદગી વહેતી રહી છે અને એમ છતાંય હૃદય પર હાથ મૂકીને કહેવું પડે છે કે હર એકનો એક કાંઠા પ્રત્યેનો ભાવ જરાક વધારે હોય છે. માતાના વાત્સલ્યનાં ગુણગાન આપણે વારંવાર ગાતા રહીએ છીએ, પરંતુ કોઈક અગાઢ કારણસર આપણો પિતૃપ્રેમ એટલો ભાવભીનો બોલકો નથી. કહેવતો અને લોકાચારમાં પિતાને ભાગ્યે જ સ્થાન મળ્યું છે.
પિતાનું ધૈર્ય, ઉદારતા અને પ્રેરણાસ્રોત હંમેશાં સંતાનનાં જીવન સાથે સંકળાયેલા છે. એ આપણે કેમ ભૂલી શકીએ? સાચું પૂછો તો પરિવારની ખુશી અને સુખાકારી બાપનાં ખભ્ભા પર અવલંબે છે. સંતાનની શૈક્ષણિક સિદ્ધિ, એના વ્યવહાર-વર્તન અને જિંદગીમાં કાંઈક કરવાની આવડતમાં પિતાની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. જોવા જઈએ તો દરેક સંતાન માટે તેનો પિતા જ આદર્શ હીરો હોય છે.
બાળકના જીવનમાં પિતાનું મહત્ત્વ અને પ્રેમ જાણ્યા પછી હું તમને એક સાધારણ પંતુજીની અસાધારણ વિરલગાથા સંભળાવીશ. મારા પૂ. પિતાજીનો જન્મ (શ્રી છગનલાલ નેસ્તી) પવિત્ર નર્મદામૈયાનાં તટે વસેલા નાનકડા ભરૂચ શહેરમાં એક સંસ્કારી, ગરીબ કુટુંબમાં થયો હતો. નાનપણમાં માતા ગુમાવ્યા બાદ વિદ્યાર્થી અવસ્થામાં સાવકા ભાઈ-બહેનોની જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવી. મેટ્રિકની પરીક્ષા ગુજરાતી અને સંસ્કૃત ડિસ્ટીંક્શન સાથે પાસ કરી. ગરીબાઈના લીધે ફાનસનાં અજવાળાંથી તેમણે કોલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યો.
નાની ઉંમરે લગ્ન કર્યા બાદ બે વર્ષ પછી તેમની પત્ની પ્રસૂતી પીડામાં ગુજરી ગઈ. તે જમાનામાં ભૂત, ડાકણ, ભૂવા જેવી અંધશ્રદ્ધા ખૂબ જ હતી. ખાસ કરીને નીચી જ્ઞાતિમાં ભણતરનાં અભાવે અને કામધંધા વગરનાં તેમજ દારૂ - તાડી, બીડી વગેરેનાં વ્યસનના દૂષણ અને સંસ્કારોની અછતના લીધે ખૂબ અંધશ્રદ્ધા, ભૂત, બાવા વગેરેમાં લોકો માનતા હતા. આ બધું યુવાવસ્થામાં ખૂબ જ ધીરજ રાખી સહન કર્યું. ત્યારબાદ એમણે સમાજ સેવામાં ઝંપલાવ્યું. અંધશ્રદ્ધા, ખોટા રીત-રિવાજો અને ખરાબ વ્યસનોમાંથી ઉગારવાની ઝૂંબેશ ઉઠાવી.
શિક્ષણ અને સમાજસેવા માટે એક મંડળની સ્થાપના કરી. થોડાં જ સમયમાં ઉત્સાહી તેમજ શિક્ષિત બે-ત્રણ મિત્રોના સહકારથી 1927ની સાલમાં એક સામાજિક પુસ્તિકા છપાવી. સારા નસીબે એમને વડોદરા, અમદાવાદ, નવસારી, ભરૂચ, સુરત વગેરે શહેરનાં જ્ઞાતિ ભાઈઓનો સંપૂર્ણ સાથ મળ્યો હતો.
મારા પિતાશ્રીનો જન્મ બીજી ઓક્ટોબર 1908ના રોજ થયો હતો. બાલ્યાવસ્થામાં ઘણી જ કઠણાઇ ભોગવવી પડી હતી. છતાં તેઓ શિસ્તવાદી, સમાજસેવાની ધગશ અને સંસ્કૃત, ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાના ચાહક હતા. ‘રાણા પત્રિકા’નો ખૂબ જ સારો પ્રચાર થયો.
ત્યારબાદ તેમણે એક શિક્ષકની નોકરી સ્વીકારી લીધી. તે જમાનામાં શિક્ષક, ગુરુજી, માસ્તર, ટીચરને બદલે ‘પંતુજી’ શબ્દ વપરાતો હતો. તેઓ ગુજરાતી તેમજ સંસ્કૃત સાહિત્યના બહુશ્રુત, વિદ્વાન લેખક, કવિ, સ્પષ્ટવકતા તથા જનમાન્ય સમાજસેવક તેમજ એક આદર્શ શિક્ષણ પણ હતા. વિદ્યાર્થી અવસ્થામાં કુસ્તી, ક્રિકેટ, કસરત, સંગીત તેમજ તરવાનો ખૂબ જ શોખ હતો. એક આદર્શ શિક્ષક તરીકે તેમની ખૂબ પ્રશંસા થતી હતી. એમનું ભાવતું ભોજન પુરણપોળી, ઉંધિયું, ઢોકળાં, પેટિસ તેમજ શીરો હતાં.
એક આદર્શ પતિ, શિક્ષક, પ્રેમાળ પિતા તેમજ સાચા સમાજસેવકને આજ અંતઃકરણથી વંદન કરવાનું મન થાય છે. સમસ્ત જ્ઞાતિ સમાજના અગ્રગણ્ય, જ્યોતિર્ધર, ભિષ્મપિતામય પૂ. પિતાજીનું 80મા વર્ષે નિધન થયું હતું. તા. 20 મે 1988... હા, આ લેખ લખવાનું કારણ આજે પણ આ જ 20 મે 2022ની તારીખ છે. ફક્ત સાલ બદલાઈ ગયેલી છે.
અફસોસ તેમજ દુઃખની વાત છે કે મારા પૂ. માતા-પિતાની પાછલી જિંદગીમાં સેવાચાકરી કરવાનો અવસર મને ન સાંપડ્યો. મારા પૂ. પિતાજી દયાળુ, સેવાભાવી, અંધશ્રદ્ધા અને કુરિવાજોના વિરોધી એવા એમણે ‘પોતાના વીલ’માં ચક્ષુ તેમજ તંદુરસ્ત અવયવો હોસ્પિટલમાં ડોનેટ કર્યા હતા. એમના મરણ પછી ખોટા રીતરિવાજો, ક્રિયાકર્મ કરવાની મનાઈ કરી હતી. ‘પહેલાં આંસુ આવતાં તો તમે યાદ આવતાં, આજે તમે યાદ આવો છો ને આંસુની સરવાણી વહી પડે છે.’ આજે દીકરા કે બેટા કહીને કોઈ વ્હાલથી બોલાવનાર તો રહ્યું નથી, પણ આપના મીઠાં અમૂલ્ય સંભારણાથી કોટિ કોટિ પ્રણામ સહિત યાદગાર મીઠાં પ્રસંગો તમારા ચરણે અર્પિત કરું છું. મારાં વ્હાલાં પૂ. માતા-પિતા અત્યારે સદેહે ભલે મારી સાથે નથી પણ એમના મીઠા - મધુર અખૂટ સંભારણાને સથવારે મારું જીવન સુખ શાંતિમય છે. ધન્ય છે એ મહાન આત્માઓને અને ધન્ય છે એ પૂજ્ય સ્વ. માતા-પિતાને જેની કૂખે જન્મ લીધો. તેઓનાં અવસાનથી સમાજે એક સંનિષ્ઠ, પ્રમાણિક, પ્રેમાળ, સેવાભાવી તેમજ વિદ્વાન કાર્યકર ગુમાવ્યો હતો.
આજે પણ પૂ. સ્વ. પિતાજીનાં સુમધુર કંઠ ગાયેલા પ્રભાતિયા, ભજનો, લોકગીતો તેમજ શ્લોકો મારા કાનમાં ગૂંજી રહ્યા છે. તેઓએ તેમના મૃત્યુને પણ પાવન બનાવી લીધું. સમાજને એક નવી દિશા અને રાહ બતાવ્યા છે. ખાદીધારી જીવનનો જીવી જ જાણ્યું છે, પરંતુ, મૃત્યુને પણ અમર બનાવી દીધું. આ છે ‘પંતુજીની (પિતાશ્રીની) વિરલ ગાથા’
સર્વ જગતનાં તમામ પિતાને મારા હાર્દિક વંદન અને શુભેચ્છાઓ, તેમજ તેમની જીવનયાત્રા ખૂબ જ સુખી, નિરોગી તેમજ સંતાનો, વ્હાલા પૌત્રો-પૌત્રીઓનો ખૂબ જ પ્રેમ અને આદર મળે એ જ મારી વાંછના છે.
‘સુની પડી આ જિંદગી અમારી, ક્યાં ભૂલી શકું આપને
વાત્સલ્ય ગંગામાં હવે ક્યારેય ડુબવા ના મળે.
અશ્રુતણી અંજલિ અર્પી રહી હું આપને
શત શત વંદન કરું હવે, હું પ્રેમાળ પૂજ્ય પૂજ્ય માત-પિતાને
ભૂલી શકીશું ના અમે, મીઠી યાદ ભરી છે આપની
અમારા હૃદયની કુંજમાં હર ઘડી છબી વસે આપની.’
પિતાનાં ખભ્ભા પર માથું મૂકીને સંતાનોને પોતાના કઠિન અને જીવનમાં ઝંઝાવાતોનો સામનો કરવાની તાકાત, શક્તિ અને હૂંફ મળે છે. એક પ્રેમાળ પિતા જ જીવનના સારા-નરસા અનુભવોનું ભાથું સંતાનોને આપે છે.
मातृदेव भवः- पितृदेव भवः।
આપ સહુને Happy Father's Day.


    comments powered by Disqus