બ્રિટિશ સાંસદોને આ અધિકાર કોણે આપ્યો?

Wednesday 16th February 2022 05:26 EST
 

મિત્રતાની તાળી એક હાથે પડતી નથી. માનવી માટે જે સત્ય છે તે દેશો વચ્ચે મિત્રતાના સંદર્ભે પણ એટલું જ સાચું છે. કોઈ દેશ અન્ય સાથે મિત્રતાનું ગાણુ ગાય પરંતુ, તેમાં વફાદારીનો અભાવ હોય તો સાચી મિત્રતા કહી શકાય નહિ. બ્રેક્ઝિટ પછી બ્રિટને મિત્રોના બદલે દુશ્મનો જ વધાર્યા છે. બ્રિટન સંસ્થાનવાદી સંબંધોની દુહાઈ આપીને તેને વિશિષ્ઠ બંધન તરીકે ઉપરછલ્લી મીઠાસ દર્શાવી રાજકીય ક્ષેત્રમાં માર્કેટિંગ કરતું રહે છતાં તેની મર્યાદા સ્પષ્ટ વર્તાઈ આવે છે. ગત સપ્તાહે બ્રિટિશ પાર્લામેન્ટમાં લેબર સાંસદ કિમ લીડબીટરને એકતરફી ચર્ચાના આયોજનની છૂટ અપાઈ તેનાથી જ બ્રિટિશ માનસ પરખાઈ આવે છે.
વર્ષોથી બ્રિટને પોતાના દેશના નિર્માણ અને સંચાલન માટે ઈમિગ્રન્ટ્સ અથવા તો વસાહતીઓનો વર્ક ફોર્સ ઉભો કર્યો છે જેને આજે ડાયસ્પોરાના સોહામણા નામથી ઓળખાવાય છે. ક્વીન અને કર્મભૂમિના દેશ પ્રતિ તેમની નિષ્ઠા પર કોઈ આંગળી ઉઠાવી શકે તેમ નથી. આ ‘જીવંત સેતુ’એ સામાજિક પોતને સમૃદ્ધ બનાવ્યું હોવાં છતાં, સદીઓ પુરાણા તફાવતો કે મતભેદ યથાવત છે જેનો ઉપયોગ મહત્ત્વાકાંક્ષી રાજકારણીઓ પોતાના એજન્ડા માટે કરી લેવા થનગને છે. અને આ જ કરુણતા છે.
‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ ધરાવતા બ્રિટિશરોએ ધર્મની આડશમાં ભારતનું વિભાજન કરી નાખ્યું. કોઈએ સામાન્ય માનવીને પૂછવાની દરકાર કરી નહિ, જેમણે વિશ્વના સૌથી ખરાબ વિભાજન અને કોમી રમખાણોમાં અનેક જિંદગીઓ અને નિર્વાહ ગુમાવ્યા એવા ભારતીયોને કદી પૂછાયું નહિ કે વાસ્તવમાં તેમને શું જોઈએ છે! જેમનું કોઈ પ્રતિનિધિત્વ ન હતું તેવા વિદેશી શાસકોએ પોતાના આગવા હિતોનો શ્રેષ્ઠ સ્વાર્થ સધાય તે રીતે નિર્ણય લઈ લીધો અને હજારો માનવીઓને પોતાના મૂળિયાઓથી દૂર ફંગોળી દીધા. શી ખબર, આનાથી વધુ સારો માર્ગ પણ શોધે મળી શકતો હતો. સુખ-દુઃખ પ્રત્યે ઉદાસીન છતાં, ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશ (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન)માંથી નાસી છૂટવાનો ઘા ખમી બેઠેલા પરિવારો આજે પણ સળગતા ઘરોમાં ઝોંકાયેલા તેમના મિત્રો- સ્નેહીજનોને ગુમાવવાનો કાંટાળો ભાર વહન કરી રહ્યા છે. ગોધરા રમખાણો તેનાથી અલગ ન હતા.
હૈયાને કંપાવી નાખે તેવી લોહિયાળ, રક્તપિપાસુ કરુણાંતિકાની શરૂઆત કે અંત કોના થકી થયો તેની ચર્ચા કરવી જ નકામી છે, તેનો અંત આવે તેમ નથી. મુસ્લિમોએ જે સહન કર્યું છે તેની સરખામણીએ હિન્દુઓએ ઓછું સહન નથી કર્યું. શરીરના કોઈ પણ અંગને ઘા વાગે તેની પીડા સમગ્ર શરીર અને મનને થાય છે. અગણિત આસ્થાઓ, માન્યતાઓ અને ભાષાઓ ધરાવતા વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતે ભયંકર બોધપાઠ શીખ્યો છે. આથી જ, સતત ઉશ્કેરણી અને ચંચળતા છતાં, ગોધરાકાંડ જેવા રમખાણો છેલ્લાં ૨૦ વર્ષમાં થયા નથી. લોકોએ પોતાના દુઃખ, પીડા વિસારી દીધાં છે, આગળ વધી નજવાનું શીખ્યા છે પરંતુ, તેનો અર્થ એ નથી કે તેઓ ભૂતકાળ ભૂલી ગયા છે. બ્રિટિશ પાર્લામેન્ટે આ ભૂતકાળ કોઈને યાદ કરાવવાની જરૂર નથી. શું ભારતની પાર્લામેન્ટ કદી બ્રિટનને હિંસાને અટકાવવાની અને શાંતિ જાળવવામાં તેની સતત રાજકીય નિષ્ફળતાઓની કદી યાદ અપાવે છે ખરી?
યુકેના રાજકીય પક્ષોના એશિયન રાજકારણીઓનું મૌન ખરેખર અકળાવનારું છે. આપણે શું સંદેશો પાઠવી રહ્યા છીએ? આ ચર્ચાને ન્યાયસંગત, તર્કસંગત કે વાજબી કેવી રીતે ઠરાવી શકાય જ્યારે ભારતના બીજા અવાજની રજૂઆત કરવા કોઈ હાજર જ ન હોય? કોઈ પણ ચર્ચાનો ઉમદા હેતુ આવી ગેરહાજરીથી માર્યો જાય છે, જે અહીં થયું છે.
પાશ્ચાત્ય પ્રેસ અથવા સમાજને ભારત અને ભારતીયો વાસ્તવમાં શું છે તેની જરા પણ ગતાગમ પડતી નથી. આથી તેઓ ભારત માટે બની બેઠેલા અવાજ કે પ્રતિનિધિ તરીકે પોતાને આગળ ધપાવી શકે નહિ. ભારત તેના રાજકારણ, કોમી વિસંવાદિતા અથવા અરાજકતાથી ઘણું વિશાળ છે. તેની વૈવિધ્યતા, ધર્મનિરપેક્ષતા હજારો સ્થાનિક સાંસ્કૃતિક શાખા-પ્રશાખાઓ એક સંવાદિતા સાથે અનેકતામાં એકતાના ન્યાયે સંકળાયેલા છે જેને મર્યાદિત આયામો સાથેની ધરાવતી અન્ય સંસ્કૃતિ બરાબર પારખી કે સમજી શકે નહિ. જે બ્રિટિશરોને આશરે ૪૦૦ વર્ષમાં પણ જેનો બોધ થયો નથી તેમના માટે વર્તમાનમાં ભારતને સમજવું કેવી રીતે સરળ બની શકે?


comments powered by Disqus