પશ્ચિમી લશ્કરી સંગઠન નાટોમાં પ્રવેશ મુદ્દે યુક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલી ગંભીર મડાગાંઠ આખરે યુદ્ધમાં ફેરવાય તેવી ગહન શંકાઓ વચ્ચે આશાનું કિરણ દેખાયું છે. યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે રશિયાના પોલાદી પ્રમુખ વ્લાદિમીર પુટિનની મંત્રણાઓ નિષ્ફળ જવાના પગલે રશિયા માત્ર ગણતરીના દિવસોમાં યુક્રેન ઉપર હુમલો કરશે તેવી અમેરિકાની ગંભીર ચેતવણી છતાં, પુટિને અચાનક યુ-ટર્ન લઈને યુક્રેન મુદ્દે મંત્રણાઓનો દોર ચાલુ રાખવાની કરેલી જાહેરાતથી હાશકારો ફેલાયો છે.
પુટિને યુદ્ધખોરમાંથી શાંતિદૂતની ભૂમિકા ભજવવી શરૂ કરી દીધી છે અને પોતે યુદ્ધ ઈચ્છતા નથી તેવો દાવો પણ કર્યો છે. આમ છતાં, યુક્રેન પર આધિપત્ય જમાવવાની દાનત જરા પણ બદલાઈ નથી. તેમણે યુક્રેનમાં નરસંહાર ચાલી રહ્યો છે અને સિક્યુરિટી મંત્રણાઓમાં તેમના ભાવિને ધ્યાનમાં રાખવું પડશે તેવો અણસાર પણ આપી દીધો છે. વાસ્તવિકતા એ છે કે રશિયા અને બેલારુસની યુક્રેન સરહદે હાથ ધરાયેલી વિશાળ લશ્કરી કવાયત લગભગ પૂર્ણ થઈ ગઈ છે. રશિયાએ મિલિટરી ડ્રીલ્સ સમેટી લેવાના કરેલા નિર્ણયના ભાગરુપે સક્રિય. સૈનિકોને બેરેક્સમાં પરત થવાના આદેશો પણ આપી દેવાયા છે.
યુક્રેન અને રશિયા વચ્ચેના સંભવિત યુદ્ધે વિશ્વના સમગ્ર દેશોને બે છાવણીમાં વહેંચી દીધા છે. ચીને પણ રશિયાની તો સામા પક્ષે રશિયાએ તાઈવાન મુદ્દે ચીનની તરફેણ કરી હતી. કોકડું એટલું ગુંચવાયું હતું કે યુક્રેન નાટોમાં જોડાશે તો અણુ યુદ્ધ ફાટી નીકળશે તેવી ચેતવણી રશિયન પ્રમુખ પુટિને આપી હતી. તેમણે ચિમકી આપી હતી કે મોસ્કોની લશ્કરી તાકાત નાટોની સાથે સરખાવી નહિ શકાય પરંતુ, રશિયા મોખરાની અણુતાકાતોમાં એક છે તે ભૂલવું ન જોઈએ. રશિયાને પોતાની સલામતી મુદ્દે ડર એ છે કે યુક્રેનના નાટોમાં જોડાવા સાથે જ પશ્ચિમી લશ્કરી સંગઠન તેની સરહદે આવી જશે.
ભલે કહેવાતું હોય કે ‘યુદ્ધસ્ય કથા રમ્યાઃ’ પરંતુ, યુદ્ધ પાયમાલી જ નોંતરે છે. જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું હોત તો સમગ્ર માનવજાતને તેની અસર સહન કરવી પડી હોત. કોરોના મહામારીની આર્થિક બરબાદીમાંથી વિશ્વ હમણાં જ બહાર આવ્યું છે ત્યારે સમગ્ર વિશ્વના દેશોને આવરી લેતા યુદ્ધની વીભિષિકા સહન કરવી મુશ્કેલ બની હોત. યુદ્ધના હાકલાપડકારા અને યુક્રેનની સરહદે સૈનિકો અને શસ્ત્રસરંજામનો ભારે જમાવડો થયો હોય ત્યારે નાટ્યાત્મક રીતે સૈન્ય પાછું ખેંચવાની જાહેરાત શંકા અવશ્ય ઉપજાવે પરંતુ, યુદ્ધનો તત્કાળ ખતરો ટળે એ જ હાલ ગનીમત લેખાય. જોકે, આ નિર્ણય પાછળ અમેરિકા અને યુરોપના દેશોએ યુક્રેનના પડખે ઉભા રહેવામાં દર્શાવેલી એકતા અને કડક પ્રતિબંધો લાદવાની ચિમકી પણ કામ કરી ગઈ હોય તેમ જણાય છે.
