પ્રેરક-સંસ્થાપક-વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીની ઉપસ્થિતિમાં UK ખાતે VYO દ્વારા હોળી રસિયાના આયોજનો સંપન્ન

Wednesday 16th March 2022 07:18 EDT
 
 

વૈશ્વિક સંસ્થા VYOના પ્રણેતા યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી 6 દિવસના UK લંડન પ્રવાસ કરીને ભારત ખાતે આજે આપશ્રીનું સ્વદેશાગમન થયું છે. આ 6 દિવસ દરમ્યાન VYO UK દ્વારા 3 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોર્થ લંડન શ્રી વલ્લભનિધિ સનાતન મંદિર, સાઉથ લંડન ખાતે VYO શ્રીનાથજી હવેલી, લેસ્ટરમાં સનાતન મંદિર ખાતે હોળી રસિયાના કાર્યક્રમ સંપન્ન થયા હતા. VYO Educationના 100થી પણ વધુ બાળકોએ હોળી વિષય પર સુંદર નૃત્ય અને ગીત ગાન પ્રસ્તુત કર્યું હતું. પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીની પ્રેરણાથી Ukમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને સિંચિત કરવા અર્થે VYO Education Courses 6થી 16 વર્ષના બાળકો માટે કાર્યરત છે. આ કોર્સનો UK ખાતે પણ અસંખ્ય બાળકો લાભ લઈ રહ્યા છે. પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે હોળીનો ઉત્સવ એ પ્રેમ અને શ્રદ્ધાનો ઉત્સવ છે. વ્યક્તિના આપસમાં રહેલા મતભેદો દૂર કરીને, મન સાફ કરી પરસ્પર પ્રેમ અને આનંદથી ભરાઈ જવાનો તહેવાર એ હોળી છે. હોળીમાં પ્રેમ છે તો સાથે ભક્ત પ્રહલાદની ભગવાનમાં અતૂટ શ્રદ્ધાનો સંદેશ પણ છે. ભક્ત પ્રહલાદને હોલિકા પોતે બાળવા આવ્યા પણ ભગવાને પોતાના નિજ ભક્તની રક્ષા કરી અને રાક્ષસી હોલિકા પોતે આગમાં બળી ગઈ. પૂજ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે UKના સનાતન મંદિરો, પુષ્ટિમાર્ગીય હવેલીઓ અને VYO સંસ્થા દ્વારા સનાતન હિન્દુ વૈદિક ધર્મની ધ્વજા લહેરાવવામાં આવી રહી છે. આ મંદિરો અને VYO સંસ્થા થકી અસંખ્ય વૈષ્ણવો, હિંદુઓ લાભાન્વિત બની રહ્યા છે.
પૂજ્યશ્રીએ જણાવ્યું કે ભલે આપણે બીજા દેશમાં રહેતા હોઈએ, બીજા દેશના ઋણી પણ રહીએ પણ પોતાના સ્વદેશ ભારતની સંસ્કૃતિ ભુલાવી ના જોઈએ, ભારતીય ધાર્મિક સંસ્કારોથી વ્યક્તિ પોતાના જીવનને ઉજ્જવળ બનાવી શકે છે. ભારત એ વિશ્વ ગુરુ હતું જ અને રહેશે કારણ કે આપણા ઋષિમુનિઓએ જે જ્ઞાન આપણા સૌને હજારો વર્ષ પહેલાં આપ્યું હતું એ જ આજે વિજ્ઞાન પ્રમાણિત કરી રહ્યું છે.
VYO દ્વારા ચાલતા ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનમાં બાળકોએ પોતાના જન્મદિવસે મીણબત્તી પ્રગટાવી અને બુઝાવાની પ્રથાને બંધ કરી અને દીપથી દીપ પ્રગટાવી જન્મદિવસ ઉજવવાના શપથ લીધા હતા. VYO Education courses UKના સૌથી મોટા સનાતન મંદિર શ્રીવલ્લભ નિધિ (Wembley, UK)માં તેમજ VYO South London શ્રીનાથજી હવેલી-રાધાકૃષ્ણ ટેમ્પલમાં કાર્યરત છે. Leicester, UKમાં પણ VYO Education coursesના માધ્યમથી બાળકો લાભાન્વિત થઈ રહ્યા છે.


comments powered by Disqus