બ્રિટિશ ડિફેન્સ મિનિસ્ટ્રીએ પરવાનગી વિના લડવા માટે યુક્રેન જનારા સૈનિકોને કોર્ટ માર્શલ કરવાની ચેતવણી આપી છે. બ્રિટિશ સેનાના ચાર સૈનિકો યુક્રેન તરફથી યુદ્ધ લડતા હોવાનું કહેવાય છે. બ્રિટિશ ડિફેન્સ મિનિસ્ટ્રીએ પોતાના સૈનિકોને શિસ્તમાં રાખવા ચેતવણી જાહેર કરવી પડી છે. બ્રિટને યુક્રેનમાં સૈનિકો મોકલવાનો ઈનકાર કરવા સાથે ભારે માત્રામાં એન્ટી એરક્રાફ્ટ અને એન્ટી-આર્મર મિસાઈલો સપ્લાય કર્યા છે. મિનિસ્ટ્રીએ સ્પષ્ટ કર્યું છે કે તમામ લશ્કરી સેવા કર્મચારીઓને આગામી સૂચના સુધી યુક્રેન જવા પર પ્રતિબંધ મૂકાયો છે. રજા અથવા ફરજ પરના તમામ સૈનિકોને પરવાનગી વિના યુક્રેન જવા પર પ્રતિબંધ છે. આદેશનો ભંગ કરનાર સામે કડક શિસ્ત અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.
યુક્રેની શરણાર્થીઓને ઘરોમાં પણ આશરો અપાશે
સામાન્ય નાગરિકો, બિઝનેસીસ, કોમ્યુનિટી ગ્રૂપ્સ અને ચેરિટીઝ યુદ્ધના પરિણામે યુક્રેન છોડી નાસી આવેલા શરણાર્થીઓને રહેઠાણ અને નોકરીની ઓફર કરી શકશે. યુકે સરકારે આ સ્પોન્સરશિપ યોજનાને વિસ્તૃત બનાવી છે જેના હેઠળ બ્રિટિશરો શરણાર્થીઓને પોતાના ઘરોમાં પણ આશરો આપી શકશે. સરકારી નીતિની ભારે ટીકા થયા પછી બ્રિટિશ પ્રજાને પારિવારિક સંબંધો નહિ ધરાવતા યુક્રેની શરણાર્થીઓને આશરો આપવા જણાવ્યું છે. આ શરણાર્થીઓ નોકરી, સરકારી બેનિફિટ્સ અને પબ્લિક સર્વિસીસ મેળવવાને પાત્ર ગણાશે. શરણાર્થીઓને આશરાની ઓફર કરનારાની બરાબર ચકાસણી કરાશે અને તેમણે લઘુતમ સમયગાળા માટે શરણાર્થીને ઘરમાં રાખવા સંમતિ આપવી પડશે. આ યોજના હેઠળ યુક્રેની શરણાર્થીઓ કેટલો સમય યુકેમાં રહી શકે તે સમયગાળા વિશે પણ વિચારાઈ રહ્યું છે.
પાક.ના સુરક્ષા સલાહકારની બેઠક રદ્દ
યુક્રેન મામલે યુએનમાં નરો વા કુંજરો વા રહેવા બદલ પાકિસ્તાન પર ગુસ્સે ભરાયેલા બ્રિટને તાજેતરમાં જ ઈમરાન ખાનના રાષ્ટ્રીય સલાહકાર મોઈદ યુસુફની લંડનની મુલાકાત રદ કરી છે. મુલાકાત રદ કરવા પાછળ કારણ જણાવાયું નથી પરંતુ, સૂત્રો અનુસાર પાકિસ્તાનની રશિયા સાથે વધતી મિત્રતા કારણભૂત છે. પાકિસ્તાની અખબાર ‘ધ ન્યૂઝ’ અનુસાર, મોઈદની મુલાકાત પહેલાં, યુરોપિયન યુનિયનના રાજદૂતોએ યુક્રેનમાં પાકિસ્તાનની તટસ્થતા સંદર્ભે જારી કરેલાર નિવેદન સામે પાકિસ્તાને વાંધો ઉઠાવી તેને બિનરાજદ્વારી અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. રશિયાના યુક્રેન પર હુમલા વચ્ચે ઇમરાન ખાને મોસ્કોની મુલાકાત લઈ અમેરિકાના પ્રતિબંધો મુદ્દે રશિયાને સમર્થન આપ્યું હતું. ઇમરાને રશિયાથી લગભગ 2 મિલિયન ટન ઘઉં અને કુદરતી ગેસની આયાત કરવા જાહેરાત પણ કરી હતી.
OneWeb ફર્મના શેર વેચવા યુકેનો ઈનકાર
સેટેલાઈટ લોન્ચિંગ માટે ઈન્ટરનેટ ફર્મ વનવેબ-OneWeb માં તેનો 17.5 ટકા શેરહિસ્સો વેચી નાખવાની રશિયાની માગણી યુકેએ ફગાવી દીધી છે. વનવેબ દ્વારા રશિયાની સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસ દ્વારા કઝાખસ્તાનના બૈકાનુર લોન્ચ કોમ્પ્લેક્સથી 36 વનવેબ સેટેલાઈટ્સને લઈ જનારા સોયુઝ રોકેટના લોન્ચિંગ સસ્પેન્ડ કરી દેવાયા છે. અગાઉ સ્પેસકરાફ્ટનો ઉપયોગ મિલિટરી હેતુ માટે નહિ કરાય તેની ખાતરી રોસ્કોસ્મોસે માગી હતી. યુકે વનવેબમાં તેના શેર્સનું વેચાણ નહિ કરે ત્યાં સુધી રોકેટ લોન્ચ નહિ થાય તેમ જણાવાતા બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. ઈન્ટરનેટ ફર્મ વનવેબને 2020માં નાદારીથી બચાવવા યુકેના કરદાતાઓ દ્વારા 400 મિલિયન પાઉન્ડનું ફંડિંગ કરાયું હતું. વનવેબના શેરહોલ્ડર્સમાં યુકે સરકાર, ભારતની ભારતી ગ્લોબલ, જાપાનની સોફ્ટબેન્ક અને ફ્રાન્સના યુટેલસાટનો સમાવેશ થાય છે. રશિયન ન્યૂઝ એજન્સી તાસ અનુસાર રોસ્કોસ્મોસના વડા દમિત્રી રોગોઝિને જણાવ્યું હતું કે વનવેબ કોન્ટ્રાક્ટની સંપૂર્ણ ચૂકવણી થયેલી છે અને કોઈ ફંડ પરત નહિ કરાય.
રશિયનોમાં બીબીસી વેબસાઈટ લોકપ્રિય
યુક્રેનની લડાઈમાં શું ચાલી રહ્યું છે તેની હકીકતો જાણવા બીબીસી ન્યૂઝ જોતા અને સાંભળતા રશિયનોની સંખ્યા એક સપ્તાહમાં ત્રણ ગણી વધીને 10.7 મિલિયન થઈ ગઈ છે. બીબીસી દ્વારા રશિયન ભાષામાં વેબસાઈટ ચલાવાય છે અને હવે યુક્રેન અને રશિયામાં બીબીસીના સમાચાર મળતા થાય તે માટે બે નવી શોર્ટવેવ ફ્રિકવન્સી લોન્ચ કરાઈ છે. બીબીસીના જણાવ્યા અનુસાર ગત સપ્તાહે રશિયામાં bbc.comની મુલાકાત લેનારાની સંખ્યા 252 ટકાના વધારા સાથે 423,000 થઈ હતી. બીબીસી વર્લ્ડ સર્વિસમાં બિનઅંગ્રેજી ભાષાની સેવામાં યુક્રેન પરના આક્રમણ વિશે રશિયન ભાષામાં ‘live page’ને 5.3 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. યુક્રેન્યન ભાષાની સેવામાં પણ ઓડિયન્સ એક સપ્તાહમાં વધી 3.9 મિલિયન થઈ હતી. મહત્ત્વની બાબત એ પણ છે કે રશિયન સરકારી ચેનલ RT બ્રિટનમાં અદૃશ્ય થઈ છે.
યુકેસ્થિત રશિયનો વિરોધમાં જોડાયા
રશિયાના પ્રમુખ પુટિન દ્વારા યુક્રેન પર આક્રમણના વિરોધમાં યુકેસ્થિત રશિયનો પણ જોડાયા છે. યુક્રેનવાસીઓ અને રશિયનોએ લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે બુધવાર 2 માર્ચે યોજાએલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. રશિયનોએ શરમની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે યુદ્ધ તત્કાળ બંધ કરાવું જોઈએ. યુક્રેનીઓ અને રશિયનોએ યુક્રેન-પોલીશ સરહદે રેફ્યુજીસ માટે ફૂડ પેકેટ્સ મોકલવા ઉપરાંત, ખાર્કીવના નાના બાળકોને સપોર્ટ કરવા નાણાનું દાન કર્યું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રીના સીનિયર પોસ્ટડોક્ટરલ સંશોધક ડો. યુલિઆના બાશ્ટાનોવા, પ્રોફેસર એમેરિટા લારિસ્સા ફ્રેડકિન તેમજ કેમ્બ્રિજ રશિયન એમેચ્યોર થીએટરના સહયોગી સભ્યો સહિતના રશિયનોએ યુક્રેન પરના રશિયન આક્રમણનો વિરોધ કર્યો હતો.
